ભાજપમાં ૨૦૨૪ સુધી જેપી નડ્ડા જ અધ્યક્ષ રહેશે!

નવીદિલ્હી, કોંગ્રેસ પ્રમુખ પદ માટે આવતા મહિને ચૂંટણી યોજાવાની છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીમાં પ્રમુખ પદ માટે ચૂંટણી નહીં થાય. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આગામી લોકસભા ચૂંટણી સુધી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચાલુ રહેશે.
સૂત્રોનું માનીએ તો જેપી નડ્ડા ૨૦૨૪ સુધી પાર્ટીના અધ્યક્ષ રહેશે. પાર્ટીના નજીકના એક સૂત્રએ જણાવ્યું કે, પાર્ટી દ્વારા આ ર્નિણય ઘણા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
જેપી નડ્ડાનો કાર્યકાળ ૩ વર્ષનો હતો અને તેમનો કાર્યકાળ ૨૦ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ પૂરો થવાનો હતો. જુલાઇ ૨૦૧૮ ના રોજ નડ્ડાને પાર્ટીના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તેમણે ૨૦ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ પૂર્ણ-સમય પ્રમુખ તરીકેનો કાર્યકાળ સંભાળ્યો. ભાજપના બંધારણ મુજબ પાર્ટીના અધ્યક્ષ સતત બે ટર્મ સુધી ચાલુ રહી શકે છે.
પાર્ટી અધ્યક્ષનો કાર્યકાળ ૩ વર્ષનો હોય છે. એવી પણ જાેગવાઈ છે કે સંગઠનની ચૂંટણી પછી ૫૦ ટકા રાજ્ય એકમો પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરી શકે છે.જણાવી દઈએ કે, આ વર્ષે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, જ્યારે કર્ણાટક, ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણામાં આવતા વર્ષે ૨૦૨૩માં ચૂંટણી યોજાવાની છે.