જજોએ ટિપ્પણી કરતી વખતે અત્યંત સાવચેતી રાખવી જોઈએઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, અલાહાબાદ હાઈકોર્ટે તાજેતરમાં રેપ કેસની સુનાવણી દરમિયાન કરેલી ટિપ્પણીની સુપ્રીમ કોર્ટે ગંભીર નોંધ લીધી છે. રેપ કેસમાં જામીન અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે, ફરિયાદીએ જાતે જ પોતાના માટે મુશ્કેલી ઊભી કરી છે.
સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે, આ પ્રકારની ટિપ્પણીઓ બિનજરૂરી છે અને જજીસે આ પ્રકારના અવલોકનો કરતી વખતે અતિશય સાવચેતી રાખવી જોઈએ. જસ્ટિસ બી આર ગવાઈએ કહ્યું હતું કે, જામીન અરજી પર સુનાવણી દરમિયાન આ પ્રકારની ટિપ્પણી શા માટે કરાઈ? તે સમજાતું નથી.
હાઈકોર્ટે તાજેતરમાં રેપ કેસની સુનાવણી દરમિયાન અવલોકન કર્યું હતું કે, અરજદાર ફરિયાદીના ઘરે ગયા હતા અને સ્વેચ્છાએ દારૂ પીધો હતો.
નશામાં તેમણે જાતે જ પોતાના માટે આફતને આમંત્રણ આપ્યુ હતું. સુપ્રીમ કોર્ટમાં અલાહાબાદ હાઈકોર્ટના અવલોકનની સુઓમોટો સુનાવણી હાથ ધરાઈ હતી. ૧૭ માર્ચે હાઈકોર્ટે પોતાના અલગ હુકમમાં ઠરાવ્યું હતું કે, છાતી પકડી લેવી અથવા મહિલાના પાયજામાનું નાડું ખોલીને નીચે કરવું તેને બળાત્કારનો પ્રયાસ કહી શકાય નહીં.
સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે, ૧૭ માર્ચે રેપ કેસમાં હાઈકોર્ટે આપેલો હુકમ સંપૂર્ણ અસંવેદનશીલ અને અમાનવીય હતો. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાના ધ્યાન પર આ કેસ આવ્યા પછી સુપ્રીમ કોર્ટમાં સુઓમોટો દાખલ થઈ હતી.
સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, આ પ્રકારના અવલોકનો સામાન્ય માણસના મનમાં શું છાપ ઊભી કરે છે, તેનું ધ્યાન રાખવું જોઈએ. સુપ્રીમ કોર્ટની બેન્ચે આ કેસની વધુ સુનાવણી ચાર અઠવાડિયા પછી રાખી છે.SS1MS