જુહાપુરામાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના ૭૪ ટેલર સાથે બે ઇસમો ઝડપાયા
ઝોન-૭ એલ.સી.બી.એ જુહાપુરા વિસ્તારમાંથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીના ટેલરના જથ્થા સાથે બે ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરી
ચાઇનીઝ દોરીથી રાજ્યમાં ત્રણેક ઘાતક અકસ્માત – મોત થઈ ચૂક્યા છે
રાજ્યભરમાં ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરી, તુક્કલના વપરાશ કે ખરીદ વેચાણ પર પ્રતિબંધ હોવા છતાંય કેટલાક શખ્સો આ પ્રતિબંધિત ઘાતક અને જીવણલેણ દોરીનું વેચાણ કરતા હોય છે. તેવામાં શહેરના ઝોન-7 ડીસીપીની એલસીબી સ્ક્વોડને જુહાપુરા વિસ્તારમાં બે શખ્સ ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા હોવાની બાતમી મળતાં ૭૪ રીલ (ટેલર) સાથે ઝડપી પાડ્યા છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર-૧ના માર્ગદર્શન હેઠળ શહેરના તમામ ઝોનમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની રીલ (ટેલર) તથા ચાઇનીઝ તુક્કલોનો વેપાર કરતા તથા આયાત કરી ખરીદ, વેચાણ, સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ કરવા ઉપર અંકુશ મેળવવા અને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની રીલ (ટેલર)ના વધુમાં વધુ કેસો શોધી કાઢવા સૂચના આપવામાં આવી છે.
ત્યારે નાયબ પોલીસ કમિશનર ઝોન-૭ના શિવમ વર્માની સૂચનાથી ઝોન-૦૭ કાર્યક્ષેત્ર વિસ્તારમાં એલસીબી સ્ક્વોડે જુહાપુરા વિસ્તારમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા બે શખ્સને ૭૪ ટેલર સાથે ઝડપી પાડ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઝોન-૦૭ એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેકટર વાય.પી. જાડેજા તેમના સ્ટાફના માણસો સાથે ઝોન-૦૭ કાર્યક્ષેત્ર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, ત્યારે અ.હેડ કોન્સ. નસરુલ્લાખાન હબીબખાન તથા પો.કો. ઇરફાન કાસમભાઇને ચાઇનીઝ દોરીનું વેચાણ થવાની બાતમી મળી હતી.
આ બાતમીના આધારે વેજલપુર પોલીસ સ્ટેશન જુહાપુરા વિસ્તારમાંથી રૂ. ૩૭,૦૦૦ના કુલ ૭૪ ટેલર સાથે બે ઇસમોને પકડી પાડ્યા હતા. આ ઇસમો વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૧૯૧૦૨૮૨૪૦૭૯૧/૨૦૨૪ ધી ભારતીય ન્યાય સંહિતા (બી.એન.એસ.)ની કલમ ૨૨૩ તથા ધી જી.પી.એક્ટ કલમ ૧૧૩, ૧૧૭, ૧૩૧ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.