અમિતાભ સાથે કામ મળ્યું ત્યારે આનંદમાં કૂદાકૂદ કરીઃ અદિતિ
મુંબઈ, અદિતિ રાવ હૈદરીએ તાજેતરમાં જ આપેલાં એક ઇન્ટરવ્યૂમાં રણવીર સિંઘ અને રણબીર કપૂર સાથે કામ કરવાના પોતાના અનુભવો શેર કર્યા હતા. હાલ અદિતિ ‘હીરામંડી’ના કારણે લાઇમલાઇટમાં છે, તેણે સંજય લીલા ભણસાલીના પણ વખાણ કર્યા હતા, જેમની સાથે તે ‘પદ્માવત’માં પણ કામ કરી ચૂકી છે.
તેણે આ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેની મણિરત્નમ સાથેની ફિલ્મનું શૂટિંગ પૂરું થયું અને તે સંજય લીલા ભણસાલીના સેટ પર પહોંચી ગઈ. તેણે કહ્યું કે આ અનુભવ અતુલ્ય અને ખુબ ભાવુક થઈ જવાય એવો હતો. અદિતીએ બિજોય નામ્બિયારની ફિલ્મ ‘વઝીર’માં અમિતાભ બચ્ચન સાથે કામ કરવાનો અનુભવ પણ જણાવ્યો હતો. “જ્યારે મને કહેવામાં આવ્યું કે હું વઝીરમાં તેમની સાથે કામ કરવાની છું ત્યારે હું ઉત્સાહ અને આનંદમાં કૂદાકૂદ કરતી હતી.
મને લાગતું નહોતું કે મને ક્યારેય તેમની સાથે કામ કરવાની તક મળશે. તેમની આસપાસ રહેવું જ એક અલગ અનુભવ હતો. એ કેવું હતું એ હું શબ્દોમાં વ્યક્ત પણ કરી શકતી નથી. તેમની હાજરીમાં એવું આકર્ષણ છે કે એ જેવા રૂમમાં પ્રવેશે કે તમને ઊભા થઈ જવાનું મન થાય.
પરંતુ તેઓ જ્યારે સેટ પર હોય છે તો મનમાં એક બાળક જેવી ઉત્સુકતા પણ હોય છે. તેમને એ રીતે જોવાની બહુ મજા પડે છે.” સંજય લીલા ભણસાલીના સેટ પર તેનો પહેલો જ સીન રણવીર સિંઘ સાથે હતો, જેને તે ઇન્ડસ્ટ્રીમાં તેમના શરૂઆતના દિવસોથી ઓળખતી હતી.
“રણવીરે મને કહ્યું, ‘આદુ, તને ખબર છે કે તું સપનામાં જીવી રહી છું, સાચ્ચે?’ મણિરત્નમના સેટ પરથી સંજય લીલા ભણસાલીના સેટ પર. એણે મને ઢંઢોળી નાંખી અને મને લાગ્યું,‘તારી વાત સાચી છે, ખરેખર.’ એ ખરેખર અમૂલ્ય ક્ષણો હતી.” અદિતિએ રણબીર કપૂર સાથે ‘રોકસ્ટાર’ના અનુભવોની પણ વાત કરી.
અદિતિએ કહ્યું, “રણબીર સાથે કામ કરવું જોરદાર હતું. એ ગજબ છે, ગજબ. એ મારા બહુ ગમતા કલાકારોમાંનો એક છે અને એ બહુ પ્રેઝન્ટ છે. એ તમને કોઈ પણ બાબત માટે કન્વીન્સ કરી શકે છે.” સંજય લીલા ભણસાલી સાથેના અનુભવ વિશે અન્ય એક ઇન્ટરવ્યૂમાં અદિતિએ કહ્યું કે, “હું એમના માટે બહુ પ્રોટેક્ટિવ છું, મને લાગે છે કે એ પ્રેશિયસ છે અને મારે તેમનું ધ્યાન રાખવું જોઇએ.
મારા માટે આ એમના તરફથી મળેલા આશીર્વાદ છે… ‘હિરામંડી’માં ‘બિબ્બોજાન’, મને લાગે છે કે હું જે વ્યક્તિને પ્રેમ કરું છું અને જેમનું સન્માન કરું છું તેમની સાથે મને વધુ સમય વિતાવવા મળ્યો. મને એક સંપૂર્ણ જીવન જીવવા મળ્યું.
મને એક જિનિયસની આસપાસ રહીને ઘણું ગ્રહણ કરવા મળ્યું. મને લાગે છે કે સંજય જેવા ડિરેક્ટર્સ સાથે એક, બે કે ત્રણ વખત કામ કરવું પૂરતું નથી. એમની સાથે વધુને વધુ કામ કરવાનું મન થાય છે, એ તમને જે રોલ આપે એ, મને ખબર છે કે એ કંઇક ખાસ જ હશે.”SS1MS