જુના ડીસામાં પ્રાણી સંગ્રહાલય બનાવવા માટે 450 વીઘા જમીનની આસપાસ દબાણો હટાવાયા

જુના ડીસા ગામે પ્રાણી સંગ્રહાલય માટે બીજા દિવસે પણ દબાણ હટાવાયા-રહેણાંક વિસ્તારમાં પણ ટૂંક સમયમાં કાર્યવાહી ઃ ગ્રામ્ય મામલતદાર
ડીસા, ડીસા તાલુકાના જુનાડીસા ગામે આકાર પામના પ્રાણી સંગ્રહાલય માટે તંત્ર દ્વારા બીજા દિવસે પણ ખેતી અને બિન ખેતીના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
જુના ડીસામાં પ્રાણી સંગ્રહાલય બનાવવા માટે રાજય સરકાર દ્વારા વાસણા રોડ પર ૪પ૦ વીઘા જમીન ફાળવવામાં આવી છે, સરકારે ફાળવેલી જમીનમાં કેટલીક જમીનમાં રહેણાંક તેમજ ખેતીલાયક દબાણો થયેલા છે જેમાં મોજે જુનાડીસાના રેવન્યુ સર્વે નંબર ર૪ માં ૩૦૦ કરોડના મંજૂર થયેલ પ્રાણી સંગ્રહાલય અને સફારી પાર્કની જગ્યા પરના દબાણો દૂર કરવાનો તંત્ર દ્વારા બુધવારે પ્રારંભ કરાયો હતો.
જેમાં વાસણા રોડ પર આવેલા ૬૬ કેવી સબ સ્ટેશનની બાજુમાં ફાળવવામાં આવેલી આ જમીનમાં ખેતી વિષયક અને રહેણાક હેતુના દબાણો પોલીસ બંદોબસ્ત હેઠળ દૂર કરાયા હતા. દરમિયાન બીજા દિવસે પણ ખેતી અને બિન ખેતીના કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
આ બાબતે ગ્રામ્ય મામલતદારે જણાવ્યું હતું કે, જિલ્લા કલેકટરના આદેશથી સરકારી જમીન પરના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. હાલમાં ખેતી અને બિન ખેતીના દબાણો હટાવવામાં આવી રહ્યા છે અને હવે ટૂંક સમયમાં રહેણાંક વિસ્તારો માટે પણ નોટિસો અને સુનાવણી બાદ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. વહીવટી તંત્રની દબાણ હટાવ ઝુંબેશને લઈ દબાણદારોની ઉંઘ હરામ થઈ ગઈ છે.