પેવર બ્લોકના કામોમાં ચાલી રહેલી ગેરરીતિની ફરિયાદ બાદ તપાસના આદેશ
જૂનાગઢ, જૂનાગઢ જિલ્લાના ગામોમાં ૧પમાં નાણાપંચની ગ્રાન્ટમાંથી પેવર બ્લોકનો લાખોનો ખર્ચ કરાયો પણ સરપંચો, એસ.ઓ. તથા સંબંધિત સત્તાવાળાઓની મિલીભગતને કારણે કૌભાંડ આચરાયાની નિલેશ ગરાણીયાએ જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરતાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીને બાંધકામ ઈજનેરને તપાસના આદેશ અપાયા છે.
જૂનાગઢ જિલ્લાના માંગરોળ, કેશોદ, માળીયા, વંથલી, જૂનાગઢ, માણાવદર સહિતના તાલુકાના ગામોમાં ૧પમાં નાણાપંચની ગ્રાન્ટમાંથી પેવર બ્લોકના લાખો રૂપિયાના કામો કરાયા છે.
આ કામમાં એસ્ટીમેન્ટમાં એમ-૩૦૦ ગ્રેડના બ્લોક નાંખવાની જોગવાઈ કરી છે. પરંતુ સ્થાનિક ગ્રામ પંચાયતના હોદ્દેદારો, તલાટી મંત્રી, એસ.ઓ. તેમજ સંબંધીત સત્તાવાળાઓએ સંગઠિત કૌભાંડના ઈરાદે એમ-૩૦૦ની જગ્યાએ એમ-૧પ૦થી ર૦૦ ગ્રેડના બ્લોક નાંખી સરકારી નાણાંની ઉંચાપતની આશંકા સાથે જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરતાં તેમની સૂચના મુજબ નાયબ જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. સોમપુરાએ પંચાયત માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરને તપાસના આદેશ આપ્યા છે.
પેવર બ્લોકના કામોમાં ઓછી ગુણવત્તાવાળા પેવર બ્લોક ગેરરીતિની ફરિયાદ બાદ તપાસના આદેશથી સંબંધિત કર્મચારીઓ, અધિકારીઓમાં દોડધામ શરૂ થઈ છે. આ તપાસમાં બ્લોકની ગુણવત્તા અને ગ્રેડની અન્ય તટસ્થ એજન્સી મારફત તપાસ કરાવાય તો સરકારી નાણાંની ગોલમાલ બહાર આવશે.
આ અંગે નિલેશ ગરાણીયાએ જણાવ્યું કે, અધિકારીઓ અને પદાધિકારીઓની મિલીભગતથી કૌભાંડ આચરવામાં આવે છે અને સરકારી તિજોરીને માર સહન કરવો પડે છે. આ ભ્રષ્ટાચારની રીંગને ભેદવા માટે રાજ્ય સરકારે તપસ્થ તપાસ કરાવાય તો કરોડોના કૌભાંડો બહાર આવે તેમ છે.