43.50 કરોડના ખર્ચે ગીર અને દેવળિયા પાર્ક તરફ જતાં રસ્તાઓ મજબૂત કરાશે
ગુજરાતની શાન ગીરના સિંહોના દર્શન માટે ગીર અને દેવળિયા પાર્ક જવું બનશે વધુ સરળ
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ-ખડીયા-મેંદરડા-સાસણ રોડ અને તાલાલા-સાસણ રોડના મજબૂતીકરણ માટે 43.50 કરોડ રૂપિયા મંજૂર કર્યા
સિંહદર્શન માટે દેશવિદેશમાં પ્રખ્યાત અને એશિયાટિક લાયનના એક માત્ર રહેઠાણ એવા જૂનાગઢ જિલ્લાના સાસણ ગીરમાં સિંહદર્શન માટે પ્રવાસીઓ વધુ સરળતાથી સાસણ ગીર પહોંચી શકશે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પર્યટન-પ્રવાસનની દ્રષ્ટિએ આગવું મહત્વ ધરાવતા જૂનાગઢ-ખડીયા-મેંદરડા-સાસણ રોડ અને તાલાલા-સાસણ રોડ એમ 42 કિલોમીટર લંબાઈના રસ્તાના મજબૂતીકરણ માટે 43.50 કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી છે.
ગીર અભયારણ્યમાં તેમ જ દેવળિયા પાર્કમાં સિંહદર્શન માટે આવનારા પ્રવાસીઓ સાસણ ગીર જવા માટે આ માર્ગનો ઉપયોગ કરે છે.
એટલું જ નહીં, જૂનાગઢથી ગીર સોમનાથને જોડતો આ માર્ગ પ્રવાસીઓને બાર જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના દર્શને જવા માટેનો પણ મહત્વપૂર્ણ રસ્તો છે.
મુખ્યમંત્રીશ્રીએ વર્ષ દરમ્યાન સિંહદર્શન માટે સાસણ ગીર આવતા વિશ્વભરના લાખો પ્રવાસીઓ ભગવાન સોમનાથના દર્શને પણ આ માર્ગેથી સરળતાપૂર્વક જઈ શકે તેવા પ્રવાસન-પર્યટન વિકાસ ધ્યેય સાથે 42 કિલોમીટરના આ માર્ગના મજબૂતીકરણના કામો માટે આ રૂપિયા 43.50 કરોડની ફાળવણી કરી છે.