Western Times News

Gujarati News

ઘરે બેઠા માત્ર 25₹. માં કરી શકાશે શ્રી સોમનાથ મહાદેવની બિલ્વ પૂજાઃ પોસ્ટ મારફતે રુદ્રાક્ષ મળશે

તારીખ 8 માર્ચે સવારે ચાર વાગ્યાથી મહાશિવરાત્રીના પર્વ પર સતત 42 કલાક ખુલ્લું રહેશે સોમનાથ મંદિર-મહાશિવરાત્રી 2024, સોમનાથમાં જામશે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ અહીં ક્લિક કરી 25 રૂ. ભરી શકાશે

દરિયા કિનારે હજારો ભક્તોને પાર્થિવ શિવલિંગ મહાપુજા, તેમજ સોમનાથ મંદિરમાં ધ્વજાપૂજા સોમેશ્વર મહાપૂજા પાઘ પૂજાનો મળશે લાભ

8 માર્ચે સાંજે 6:30 કલાકે સોમનાથની ઐતિહાસિક ગાથાને ઉજાગર કરતી “જયતું સોમનાથ” સંગીત નાટીકા બનશે યાત્રીઓ માટે આકર્ષણ

સોમનાથ,  પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધી દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પર્વ પર 42 કલાક સતત ધર્મોત્સવ ઉજવવામાં આવશે. શિવરાત્રી પર્વ પર વર્ષના સૌથી વધુ ભક્તો સોમનાથ મંદિરમાં નોંધાતા હોય છે. ગત વર્ષે પણ મહાશિવરાત્રી પર્વ પર બે લાખથી વધુ શ્રદ્ધાળુ હોય સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. ત્યારે ભાવિકોના મહાસાગરને ધ્યાને લઈ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક મહાશિવરાત્રીની જેમ સવારે 4:00 વાગ્યે સોમનાથ મંદિર ભક્તો માટે ખોલવામાં આવશે. Just 25 Rs. Bilva Puja of Shri Somnath Mahadev can be done in: You will get Rudraksha through post

સવારે 7 વાગ્યે પ્રાતઃ આરતી કરવામાં આવશે અને ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા ધ્વજા પૂજા અને પાલખી પૂજા કરી 9:30 કલાકે સમગ્ર મંદિર પરિસરમાં સોમનાથ મહાદેવનું સ્વરૂપ પાલખીમાં બિરાજમાન કરી દર્શનાર્થીઓને દર્શન માટે પાલખીયાત્રા યોજવામાં આવશે. વહેલી સવારથી જ શ્રી સોમનાથ ટ્રસ્ટની પરંપરા અનુસાર સોમનાથ યજ્ઞશાળામાં હોમાત્મક લઘુરુદ્ર યાગનું આયોજન કરવામાં આવશે. મંદિરમાં મહાશિવરાત્રીના પર્વ પર સોમેશ્વર મહાપૂજા પીઠિકામાં પણ વધારો કરવામાં આવ્યો છે. પરંપરા અનુસાર જ મહાશિવરાત્રીની રાત્રિ પર ચાર પ્રહરની મહાપૂજા અને મહા આરતીનું પણ આયોજન કરાયું છે.

સમુદ્ર કિનારે પાર્થેશ્વર મહાપૂજા: મહાશિવરાત્રી એટલે ભોળાનાથના ભક્તો માટે વર્ષનો સૌથી મોટો મહોત્સવ.મહાશિવરાત્રીના પર્વ પર શિવભક્તો મહાદેવની અનેકવિધ પ્રકારે આરાધના કરતા હોય છે. અને તેમાં પણ વિશેષ રૂપે જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં શિવ પૂજન નું શાસ્ત્રમાં પણ અનેરૂ મહાત્મય વર્ણવવામાં આવ્યું છે. ત્યારે આવનારી મહાશિવરાત્રી પર તા 08 માર્ચ 2024 ના રોજ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા હજારો શ્રદ્ધાળુઓને પંચ મહાભૂત ની અનુભૂતિ કરાવતી શિવજીના સૌથી પવિત્ર સ્વરૂપ પાર્થીવેશ્વર શિવલિંગ પૂજા કરાવવામાં આવશે.

આ પૂજા ગત મહાશિવરાત્રીના પર્વ પર શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા 250 પરિવારોને સોમનાથ મંદિરના સાનિધ્યમાં પ્રોમોનેડ વોક-વે પર મારુતિ બીચ ખાતે કરાવવામાં આવી હતી. જેમાં આકાશ, અગ્નિ, જલ, પૃથ્વી, અને હવા એમ પંચ મહાભૂતની પૂજા સાથે અભિમંત્રિત માટી દ્વારા નિર્મિત પાર્થિવ શિવલિંગ દ્વારા ભકતોને વિસ્તૃત પૂજા કરાવવામાં આવી હતી.

જે ભક્તો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ વર્ષે શ્રદ્ધાળુઓની લાગણીઓને ધ્યાને લઈ વધુ ભવ્યતા સાથે એક સ્તર ઉપર જઈને આ વર્ષે હજારો ભકતોને પૂજાનો લાભ મળી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. મહાશિવરાત્રીના દિવસે તા.08/03/2024 ના રોજ સવારે 08:00 થી 09:00 વાગ્યે સોમનાથ મંદિર પરિસર નજીક પ્રમોનેડ વોક-વે પર મારુતિ બીચ ખાતે આ વિશેષ પૂજાનું સુંદર આયોજન થનાર છે. આ પૂજા નોંધવા માટે શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

“જયતુ સોમનાથ” સંગીત નાટિકા: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના ઐતિહાસિક મહાત્મ્યને સંગીતમય શૈલીમાં શ્રદ્ધાળુઓ સમક્ષ પ્રસ્તુત કરતી જયતું સોમનાથ સંગીત નાટીકા સુપ્રસિદ્ધ ગાયક હેમંત જોષી અને 100 થી વધુ કલાકારો દ્વારા ભોળાનાથના ભજન અને સંગીત આરાધના સાથે પ્રસ્તુત કરવામાં આવશે. મહાશિવરાત્રીના પર્વ પર સાંજે 6:30 વાગ્યે આ નાટિકા પ્રારંભ થશે

રાષ્ટ્રીય સ્તર પર ખ્યાતિ ધરાવનાર સંગીતકાર અને ગાયક શ્રી હેમંત જોશી દ્વારા પોતાના 100 થી વધુ કલાકારોના સમૂહ સાથે તૈયાર કરાયેલ જયતું સોમનાથ સંગીત નાટિકા સૌપ્રથમ વખત સોમનાથમાં ભજવવામાં આવશે. સોમનાથ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે હજારો યાત્રીઓ આ નાટિકા નિઃશુલ્ક જોઈ શકે તે પ્રકારની વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.

25₹ બિલ્વ પૂજા: મહાશિવરાત્રીના પાવન પર્વ પર શ્રી સોમનાથ મહાદેવને લાખો બિલ્વપત્ર અર્પણ કરવામાં આવનાર છે. ત્યારે પ્રત્યેક ભક્ત પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવ ને કરવામાં આવતી બિલ્વ પૂજાનો લાભ લઈ શકે તેના માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ ફરી એકવાર પ્રારંભ કરી રહ્યુ છે. “25₹ બિલ્વ પૂજા સેવા”. ટ્રસ્ટ દ્વારા ગત મહાશિવરાત્રી, અને શ્રાવણ 2023 પર ભક્તો માટે આ વિશેષ બિલ્વપુજા સેવા” શરૂ કરવામાં આવી હતી.

જેમાં માત્ર 21 રૂપિયાની ન્યોછાવર રાશિ સાથે ભક્ત તરફથી સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. આ પૂજાને ભક્તોનો વિક્રમ પ્રતિસાદ મળ્યો હતો. 2.50 લાખ થી વધુ ભક્તોએ આ પૂજા નોંધાવી હતી અને આ પૂજાના પ્રસાદ સ્વરૂપે રુદ્રાક્ષ, ભસ્મ અને બિલ્વપત્ર પોસ્ટ મારફત ભક્તોએ નોંધાવેલ સરનામા પર મોકલવામાં આવ્યા હતા.

ત્યારે મહાશિવરાત્રી પર પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવને 25₹ ની ન્યોછાવર રાશિ થી બીલીપત્ર પૂજનના પુણ્યઅર્જનની સાથે-સાથે સોમનાથ ટ્રસ્ટ ભક્તોના આપેલા એડ્રેસ પર બિલ્વપૂજાના બીલીપત્ર, રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ સ્વરૂપે મોકલશે. આ અદભુત બિલ્વ પૂજાનો લાભ લેવા માટે સોમનાથ ટ્રસ્ટની અધિકારીક વેબસાઈટ https://somnath.org/ShortTermPooja/ પર બુક થઈ શકશે.

ચોપાટી ગ્રાઉન્ડ નજીક ભંડારા: મહાશિવરાત્રીના પર્વ પર સોમનાથ દાદાના દર્શન કરવા આવનાર શ્રદ્ધાળુઓ મહાદેવનો કૃપા પ્રસાદ પ્રાપ્ત કરે તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ તેમજ ભક્ત સમૂહ દ્વારા ભંડારાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં એક જ સ્થાન પર શ્રદ્ધાળુઓને ફલાહાર ભોજન મળશે.

સ્વચ્છતાને લઈને ટીમો તૈનાત: શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દરેક વ્યવસ્થામાં વધારે કર્મચારીઓ મૂકી મહાશિવરાત્રીના પરોપર એક પણ શ્રદ્ધાળુને અગવડ ન પડે તેની ખાસ કાળજી રાખી છે. વિશેષ રૂપે જ્યારે લાખો લોકો દિવસ દરમિયાન પધારનાર હોય ટ્રસ્ટ દ્વારા સ્વચ્છતા અને અગ્રીમ મહત્વ આપી રાઉન્ડ ધી ક્લોક સફાઈ ટીમો તૈયાર કરી તીર્થ નિર્મળ અને સ્વચ્છ અનુભવાય તે સુનિશ્ચિત કર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.