ન્યાયાધીશ વર્માનો રાજીનામાનો ઇન્કાર, મહાભિયોગની શક્યતા

નવી દિલ્હી, કેશ કાંડમાં સમિતિના રિપોર્ટના આધારે સીજેઆઈ સંજીવ ખન્નાએ ન્યાયાધીશ વર્માને રાજીનામુ આપવા અથવા તો સ્વૈચ્છિક નિવૃત્તિનું સૂચન કર્યુ હતું, પરંતુ ન્યાયાધીશ વર્માએ બંને વાત ફગાવી દઈને હોદ્દા પર રહેવાનો નિર્ણય લીધો. તેના લીધે આ બાબત વધુ ગંભીર બની ગઈ. સુપ્રીમની સમિતિએ રોકડ જપ્તીના કેસમાં જસ્ટિસ વર્મા પર આરોપ લગાવ્યો છે.
આના પગલે સીજેઆઈ સંજીવ ખન્નાએ દિલ્હી સ્થિત સરકારી મકાનમાંથી રોકડ મળવાના કેસમાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને મહત્ત્વનો પત્ર લખ્યો છે. પત્રની સાથે દિલ્હી હાઇકોર્ટે તત્કાલીન અને અલ્હાબાદ હાઇકોર્ટના વર્તમાન જજ યશવંત વર્મા સામે આરોપની તપાસ કરનારી ત્રણ સભ્યોની તપાસ સમિતિનો રિપોર્ટ તથા ન્યાયાધીશ વર્માનો જવાબ બંને જોડવામાં આવ્યા છે.
આ પત્રને ઇન-હાઉસ પ્રોસીજર હેઠળ મોકલવામાં આવ્યો છે.આ અંગે માનવામાં આવે છે કે ચીફ જસ્ટિસે અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્મા સામે મહાભિયોગ લાવવાની ભલામણ કેન્દ્રને કરી છે. ન્યાયાધીશને રાજીનામુ આપવાની સલાહ આપવામાં આવી હતી અને તેનું પાલન ન કરવામાં ન આવે તો મુખ્ય ન્યાયાધીશ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને મહાભિયોગ ચલાવવા પત્ર લખે છે.
હવે સંસદ ન્યાયાધીશ વર્મા પરના મહાભિયોગ અંગે નિર્ણય લેશે. હવે જો કેન્દ્ર સરકાર ઇચ્છે તો ન્યાયાધીશ વર્મા સામે મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરી શકે છે. આ એક બંધારણીય પ્રક્રિયા છે અને તેના માટે સંસદના બંને ગૃહોમાં બે તૃતિયાંશ બહુમતીની જરૂર પડે છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે નીમેલી પેનલે પોતાના રિપોર્ટમાં ન્યાયાધીશ વર્માને ત્યાંથી રોકડ મળી આવી હોવાના વાતને સમર્થન આપ્યું છે.
ત્રણ સભ્યોની પેનલમાં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ શીલ નાગૂ, હિમાચલ પ્રદેશ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જી એસ સંધાવાલિયા અને કર્ણાટક હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અનુ શિવરામન સામલ હતા. ન્યાયાધીશ વર્માએ પેનલ સમક્ષ તેમના પર મૂકવામાં આવેલા આરોપોનું વારંવાર ખંડન કર્યુ હતુ.SS1MS