Western Times News

Gujarati News

“જુવાનો એટલે શ્રેષ્ઠ અને ઘરડાઓ એટલે વેસ્ટ-કામ વગરના – એવું નથી !!”

“માણસ કોલેજથી જેવો બહાર નીકળીને રસ્તા પર પગ મૂકે છે ત્યાંથી દુનિયા શરૂ થાય છે. આ દુનિયા બહુ જ કમીની હોય છે. ગણતરી બાજ અને ક્રૂર લોકો વચ્ચે ઝઝૂમવાનું છે !”

“આજકાલ આપણે ત્યાં યંગ ઈન્ડિયા… યંગ મિજાજ જેવી કોણે થિયરી શું આપી કે દેશ યુથફૂલ ગણાવવાની જાણે કોઈ ચળવળ ચાલી હોય !”

“લેખક બીલ બર્નાડનું એક પુસ્તક છે – ‘લાઈફ ઈઝ નોટ ફેર’  જેમાં પ્રેસિડેન્ટ રોનાલ્ડ રેગન થી લઈ ટી.વી.એન્કર વિનફ્રે જેવી અનેક સેલેબ્રિટી ના વિચારો છે. એમજ કહોને કે એકદમ વાસ્તવિક સલાહો છે ! આ પુસ્તકમાં લેખક ભાવિના સાફ અરીસામા કેવી વસ્તુઓ દેખાય છે તેના વિચારો પેશ કર્યા છે ! જેમ કે  – ગંદી મોડર્ન સભ્યતાએ આપણી સંસ્કૃતિને કચડી નાખી છે.

અને હવે આપણે એ ખતરનાક મોડ પર છીએ જ્યાં હાઈટેક મિસાઈલો, મિસ ગાઈડેડ માણસોના હાથમાં પહોંચી ગઈ છે. યુવાનો એ આવી ડૂબતી દુનિયાને બચાવવાની છે ! તમને જો એમ લાગતું હોય કે મારા જેવા તુચ્છથી શું થઈ શકે ?.. તો તમને એ તુચ્છ જીવડાનો પાવર ખબર નથી !- એક નાનકડો મચ્છર પથારીમાં શું તોફાન લાવી શકે એનો અનુભવ નથી ! સિસ્ટમને સમજવી પડશે. અને હલાવવી પડશે ! દુનિયાના સંમદરમાં કૂદીને જિંદગી ને નવા નવા સવાલો પૂછવા પડશે.

સ્વામી વિવેકાનંદને એક જુવાને પૂછયું હતું: ‘તમારે મને જો કોઈ એકજ શિખામણ આપવાની હોય તો શું આપશો ?… ત્યારે વિવેકાનંદે કહ્યું હતું ઃ “ઝિંદગી મે કિસી ભી બાત પે ચૌંકના મત !” માણસ કોલેજથી જેવો બહાર નીકળીને રસ્તા ઉપર પગ મૂકે છે ત્યાંથી દુનિયા શરૂ થાય છે. આ દુનિયા બહુજ કમીની હોય છે. માનો ખોળો, બાપનું છત્ર, મિત્રોનો ખભો બધું જ ત્યાં છૂટી જાય છે.

ગણતરી બાજ અને ક્રૂર લોકો વચ્ચે આ યુવાને ઝઝૂમવાનું છે. પૈસો કમાવવાનો છે અને સાથે સાથે પોતાની જાતને (આત્માને) બચાવવાનો પણ છે. રોજી રોટીના પડકારો અજગરની જેમ મોં ફાડીને ઉભા હોય છે ! જેવો પદવીદાન સમારંભ પતે કે તમે સર્ટિફીકેટ લઈને તરત મા-બાપ તરફ દોડો, તેમને પ્રેમથી પગે પડો અને પછી કહો કે આટલા બધા વર્ષ તમે બેઉએ મને ‘સહન’ કર્યો એ માટે ખૂબ ખૂબ આભાર. બસ આટલું જ સાંભળીને મા-બાપ ખુશ થશે અને તમારે અને મા-બાપે એકબીજાને સમજવા માટે દસ વર્ષ સુધી મહેનત નહીં કરવી પડે !

કોલેજ પછી કેરીયર બનાવવી અગત્યની વાત છે – સાથોસાથ મા-બાપને પ્રેમ અને આદરથી સહન કરવા કરતાં વધારે અગત્યની બીજી કોઈજ કેરિયર નથી ! કારણ કે આગળ જતાં તમારે બીજી એક મુશકેલ કેરિયરનો સામનો કરવાનો છે અને એ છે ઃ ‘ તમારા બાળકોને ઝેલવાની કેરિયર !’ એટલે પ્રેમથી મા-બાપને સહન કરવાની પ્રેકટીસ કરતા રહો- તમારાં સંતાનો થશે ત્યારે એ ટ્રેનિંગ કામ લાગશે !

જયારે સ્વામી વિવેકાનંદે ઃ ‘ઉઠો, જાગો, અને ધ્યેયને પ્રાપ્ત કરો !’ જેવો શક્તિવર્ધક વિચારોથી આખા ભારતને ઉભો કરી દીધેલો અને વિદેશમાં વિવેકાનંદના આક્રમક આધ્યાÂત્મક આહ્‌વાનોથી શિકાગો (અમેરિકા)ની ધર્મ પરિષદ તાળીઓના ગડગડાટથી ગાજી ઉઠેલી.. પણ એજ વિવેકાનંદ માત્ર ૩૯ (ઓગણ ચાલીસ) વર્ષની વયે સિવિયર ડિપ્રેશન (સતત ઉદાસી અને રસ ગુમાવવાની લાગણી)થી પીડાતા હતાં ! ભલભલાને દુઃખોમાંથી મુક્તિ અપાવનાર પોતેજ પોતાના મન સામે શા માટે લાચાર થઈ જતાં હશે?… માણસ જયારે બહુજ ઉદાસ હોયને ત્યારે એનું ક્યાંય મન લાગે જ નહીં ! મન આળું થઈ ગયું હોય છે.

ફ્રાન્સમાં આવોજ એક બીમાર/ ઉદાસ માણસ એકવાર ડોકટર પાસે ગયો હતો. પોતાની બીમારી વિશે કહયું. ડોકટરે કહયું ઃ ‘જો દોસ્ત બહુ વિચારવાનું જ નહીં, અહીં શહેરમાં લેખક મોલિયરના કોમેડી નાટકો જોવા લાગ !’ મોલિયર ના નાટકોમાં બેડરૂમની કોમેડી, ગાંડા જેવા વેજી-જોક્‌સ, પાત્રોની ભાગમભાગ- મજાક મસ્તી જોઈને (જેવી કે ગુજરાતી નાટકોમાં સિધ્ધાર્થ રાંદેરિયાના નાટકોમાં જોવા મળે છે તેવી) તમે ફ્રેશ થઈ જશો.

એકદમ રિલેક્સ થઈ જશો. તમે તમારી જાતને હળવાફૂલ અનુભવશો. જાવ, જઈને હસો મોલિયરના નાટકમાં – ત્યારે એ ઉદાસ માણસે કહયું હતું ડોકટર સાહેબ ‘હું પોતે જ મોલિયર છું !’ મેં જ લખ્યાં છે એ બધાં જ નાટકો…. બોલો, હવે હું શું કરું ? ડોકટર ઉદાસ બની ગયો.- મનથી ભાંગી ગયો ! પોતાના સર્ટિફીકેટ્‌સોથી ભરાયેલી દીવાલ ઉપર સ્તબ્ધતાથી જોવા લાગ્યો !… સાહેબ, મન એ એક એવી બંધ પડેલી ઘડિયાળ જેવી ન દેખાતી

સમય ઘટનાનું નામ છે, જયાં ઘણીવાર સમય બરફ થઈને થીજી જાય છે. મનમાં ને મનમાં થયા કરે કે સાલું આ મન શું છે ? “યા હોમ કરીને પડો, ફતેહ છે આગે” જેવી કવિતા લખનાર કવિ નર્મદ છેલ્લા દિવસોમાં ડરના માર્યા ઈશ્વરના વ્યર્થ કર્મકાંડમા માનતા થઈ ગયેલા કે જેનો વિરોધ કરવામાં જ તેમણે આખી જિંદગી કાઢી નાંખેલી- આર્થિક રીતે પણ ભાંગી પડેલા અને નોકરી માટે અરજી કરનાર આ કવિ નર્મદ અરજીમાં નામ- ઠેકાણું લખે અને લાયકાતમાં લખે મારા અક્ષરો સારા છે !!!

‘ધર્મયુગ’ નામના હિંદી મેગેઝીનના સફળ તંત્રી- ‘અંધાયુગ’ જેવું પાવરફૂલ નાટક લખનાર અને ‘ગુનાહો કે દેવતા’ જેવી હિંદીની નવલકથા લખનાર ધર્મવીર ભારતી જીવનના અંતિમ દિવસોમાં મનથી હારી ગયા હતા અને પાડોશમાં રહેતી નાની બેબીને રોજ સાંજે બોલાવી એક જ ભજનની એકને એક પંક્તિ ગવડાવતાં જે આમ હતી ઃ “તેરા રામજી કરેંગે બેડા પાર, ઉદાસી મન કાહેકો ડરે ?”

રાજવી કવિ કલાપી ત્રણવાર પરણ્યાં હતાં. એક રમાબા જે કલાપી કરતાં આઠ વર્ષ મોટા હતા. બીજા આનંદીબા જે કલાપી કરતં ર વર્ષ મોટાં હતા. ત્રીજા હતાં શોભનાબા તેને તો હજી યુવાની અવસ્થા પણ નોતી- કલાપીથી ખૂબ નાના. સૌરાષ્ટ્રના લાઠીના આ રાજવી કલાપી ર૬ જાન્યુઆરી ૧૮૭૪માં જન્મેલા અને ૯ જૂન ૧૯૦૦માં છવ્વીસ વર્ષની વયે (ર૬ વર્ષના જીવનનો સમય) તો દેહાંત થયો હતો. પ્રેમના પાગલપણાના મનથી તેઓ હારી ગયેલા- યાદ હશે તેમનું લખેલુંઃ ‘હા… પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે….!’ બીજું “હું જાઉ છું… હું જાઉ છું

ત્યાં આવશો કોઈ નહીં
સો..સો દીવાલો બાંધતા
ત્યાં ફાવશે કોઈ નહીં !!”

રાજવી કલાપીનું મોત ર૬ વર્ષની વયે કેમ થયું હશે તેનો જવાબ કોઈનીયે પાસે નથી. કલાપીના મનને સમજ્યા વગર કોઈ ગમે તેટલી ડૂબકી લગાવે તો પણ શૂન્યના સરવાળા જ હાથમાં આવે ! વર્ષ ૧૯૦૩માં (એમના અવસાન બાદ) એમની કવિતાનો ગ્રંથ પ્રગટ થયો હતો જેનું નામ ‘કલાપીનો કેકારવ’! કલાપી પત્રો સારા લખતાં- લગભગ સાતસો જેટલા પત્રો સંગ્રહિત થઈને પ્રકાશિત થયાં છે. પણ બીજા એટલાં જ પત્રો અપ્રકાશિત રહયાં છે. એમનાં પત્ર સાહિત્યનો સાર છે ઃ – ‘આ પત્રો મ્હારાં આંસુઓ છે !’ કલાપીનો આ છે ઉદાસી મન નો પડછાંયો … તેમનો સમય બરફ થઈને થીજી ગયો- ર૬ વર્ષની ઉંમરે મોત થયું- પ્રેમ માટે વલખાં માર્યા- આ છે ઉદાસી મન !

ચાણક્યા હંમેશા માનતા હતાં ‘જ્યાં સુધી મારું મન મારા કબજામાં છે, ત્યાં સુધી ગમે તે મને થાય તેની મને કોઈ જ ચિંતા નથી !’
મન ઉપર કબજો કરવો એ સોના જેવી જિંદગીમાં બચેલી ચમચીઓના સેટ માની છેલ્લી ચમચી છે !

ઉદાસ મન ના સમય પર હસી નાખવામાં જે સ્માઈલ કરવું પડે છે ને એમાં જ બધા ગ્રંથોનો સાર છે સાહેબ ! માટે સુખ, દુઃખ, નિરાશા અને નિસાસા વચ્ચે પણ અદ્રશ્ય મનને કહેતા રહો ઃ ‘હસી લેને યાર !’….. એક અલગ વિચાર કે યુવાનોના હાથમાં સમાજ ના ભાવિનું રિમોટ કન્ટ્રોલ છે ?!! આ બધું સાચું લાગે છે- બોલવામાં સારું પણ લાગે છે જોકે એજ માત્ર અંતિમ સત્ય નથી ! કોઈપણ સમાજને માત્ર યુવાનો જ ચલાવી નથી શકતા. વાસ્તવમાં તો વૃધ્ધો જ ચલાવે છે- વડીલો ચલાવે છે.

સદીઓથી આપણે જાણતાં આવ્યાં છીએ કે બાળકોને વૃધ્ધો નથી સમજતાં અને વૃધ્ધોને બાળકો- મા-બાપને સંતાનની ચિંતા હોય છે અને સંતાનને એનો અર્થ મા-બાપની કચકચ લાગે છે. મા-બાપ સંતાનને ‘સુખી’ જોવા માગે છે અને સંતાનને લાગે છે કે મા-બાપ અમારી ‘આઝાદી’ પર તરાપ મારે છે. આ લખવાનું કારણ એ છે કે આજકાલ આપણે ત્યાં યંગ ઈન્ડિયા.. યંગ મિજાજ જેવી શી ખબર કોણે થીયરી આપી કે આખો દેશ યુથફૂલ ગણાવાની જાણે કોઈ ચળવળ ચાલતી ના હોય ?!!!

મહાભારતમાં કૌરવો જયારે હારી ગયા ત્યારે કોઈએ વિદુરને એનું કારણ પૂછયું ઃ- વિદુરે કહયું ‘કૌરવો એ વૃધ્ધોનું સેવન ન કર્યું. વૃધ્ધોને સમજ્યા નહીં અને સાચવ્યા પણ નહીં- ધૃતરાષ્ટ્ર જેવાની સલાહ ન માની.

જે પાંડવો એ માનેલી.. શ્રી કૃષ્ણની ઉંમર કહેવાય છે એકસો પચીસ (૧રપ વર્ષ) વર્ષની હતી ! ગાંધીજીએ પ૦ વર્ષ પછી રાજકીય કારકિર્દી શરૂ કરેલી અને એમના રાજકીયગુરૂ ગોપાલકૃષ્ણ ગોખરે સીત્તેર વર્ષ (૭૦ વર્ષ)ના હતાં. ચાણક્યની ઉંમર એંશી (૮૦ વર્ષ) આસપાસ હતી ત્યારે રાજય કેવી રીતે ચલાવવું, સમાજ કેમ ઘડવો, દુશ્મનોને કેમ ખતમ કરવા એના એ કિંગ મેકર હતાં.

લિંકનને બુઢાપામાં સફળતા મળેલી- જેનાથી આખુ અમેરિકા બદલાઈ ગયું ! અમરીશ પુરીને પ૧માં વર્ષે ફિલ્મોમાં બ્રેક મળેલો અને ૭પ વરસે ગુજરી ગયાં ત્યાં સુધી એટલે કે ૩૦ વર્ષ સુધી એ હાઈએસ્ટ પેઈડ એકટર હતાં. ગુલઝાર આજે ૮૭ વર્ષ આસપાસના છે અને એમના ગીતો ઉપર યુવાન છોકરડાઓ નાચે છે !

યશ ચોપરા ૭૯ વર્ષના થયાં ત્યાં સુધી સૌથી સફળ કર્મશિયલ નિર્દેશક રહયા હતાં. દેવઆનંદે ૮૮ વર્ષે (અીઠ્ઠાસ્યી) જ્યારે આ દુનિયાને અલવિદા કહી ત્યારે તેમના નામે પ૬ જેટલી (છપ્પન) ફિલ્મોનું નિર્માણ બોલતું હતું ! ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં એકલે હાથે ૧૯૪૬થી વર્ષ ર૦૧૧ સુધીમાં આટલી બધી ફિલ્મો બનાવનાર તે એક માત્ર નિર્માતા હતાં. ગુરુદત્ત, રાજખોસલા, વિજય આનંદ, ઝીન્નત, ટીના મુનીમ, વહીદા રહેમાન વગેરેની કેરીયરને ઉજાગર કરી હતી જેની યંગ લોકોને ભાન નથી !

સોલ્ટ એટલે નમક. અને નમકથી યાદ આવે છે અંગ્રેજ હકુમત સામે નમક માટે નમકનું આંદોલન છેડનાર વૃધ્ધ સુકલકડી માણસ મોહનદાસ કરમચંદ ગાંધી એ ગુજરાતી યુવાન મરદ હતો ! એ ના ભૂલાય કે વૃધ્ધ એ તો ખભો છે જેના ઉપર ઉભા રહીને જુવાનીયાઓ અરમાનોના પંતગો ચગાવે છે. યંગ-જનરેશન, તમે સાંભળો કે તમારે જ્ઞાનવૃધ્ધોની કદર કરવાની આદત કેળવવી પડશે અને એને જ સુખી થવાના સંસ્કાર મનાય છે અને મનાશે. જુવાનો એટલે શ્રેષ્ઠ અને ઘરડાઓ એટલે વેસ્ટ (કામ વગરના) એવું કાંઈ જ નથી !

ખિડકી: કવિતાની થોડીક પંક્તિઓ વાંચો ઃ “તમારા સમ મને આ જિંદગી બેકાર લાગે છે !
તમારા વિણ બધું, સૂમસામ ને ભેંકાર લાગે છે !” બીજી છેઃ ‘હું પતિ ખરો પણ નામનો છું, કોઈના કશા કામનો નહી હું, મારી ઘરવાળી ના કામનો છું !’ ત્રીજી છે ઃ ‘મને રંગ તારો લાગી ગયો છે, ને રંગાવી જાવું મુજને ગમે છે ! મને સ્મિત તારું જોવું ગમે છે, ને યાદો મહીં સંઘરવું ગમે છે ! મને રીસ તારી ને ઠમકો ગમે છે, ને પાલવને છેડે બંધાવું ગમે છે.!”- આ લખનાર કવિ છે, ગીતો લખ્યા છે, ગઝલો લખી છે, શાસ્ત્રોના અભ્યાસ ચિંતન પર અનેક પુસ્તકો લખ્યા છે,

એક્સો પંચોતેર કવિતાઓ- ગઝલનું ‘છેડયું છે મેં ગાણું’- નામનો ખંડકાવ્ય સંગ્રહ એમની પેદાઈશ છે. આજે આ મરદની ઉંમર ૯૧ વર્ષની છે. નામ છે દિનકર દેસાઈ અને તખલ્લુસ છે ‘વિશ્વબંધુ’- આ વૃધ્ધને હું આશાસ્પદ યુવાન સમજું છું !


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.