કે.કૈલાસનાથનનું સ્થાન હજુ સુધી કોઈ લઈ શક્યું નથી!
એક નિવૃત્ત આઈ.એ.એસ. અધિકારી સામાજિક કાર્યક્રમમાં મળી ગયા.સાથે અન્ય કેટલાક વર્તમાન અને પૂર્વ સરકારી અધિકારીઓ પણ ઉપસ્થિત હતા.સામાન્ય વાતચીત ચાલતી હતી
એ દરમિયાન કૂતુહલથી નિવૃત આઈ.એ. એસ.અધિકારીને પૂછ્યું કે કે.કૈલાસનાથનનુ સ્થાન મુખ્યમંત્રીના કાર્યાલયમાં કોણે લીધું છે? જવાબ આપ્યો કે કોઈએ નહીં અને કદાચ કોઈ લઈ શકશે પણ નહીં! એટલે બીજો પ્રશ્ન કર્યો કે કેમ એવું?
તેનાં જવાબમાં એ અધિકારીએ જણાવ્યું કે કૈલાસનાથન દિલ્હી મોવડી મંડળના પરમ વિશ્વાસુ અધિકારી હતા અને સાથે સાથે તેમની સાથે અપરિમિત ઘનીષ્ટતા પણ ધરાવતા હતા. નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે ટેલિફોન પર સીધી વાતચીત કરી શકવાની ક્ષમતા કે.કે.પાસે હતી.
તેઓ એકવાર કહે કે આ કામ કરી નાંખો એટલે કોઈ પણ અધિકારી એ કામ કરી જ નાંખે.તેનું કારણ એ કે કૈલાસનાથન પુરી સત્તા મળ્યા પછી જ આદેશો આપે અને સ્પષ્ટ આદેશ આપે.
આવી તાકાત અત્યારે અત્યારે કોઈ અધિકારીમાં નથી એટલે સી.એમ.ઓફિસમાં કોઈ કે.કૈલાસનાથનનુ સ્થાન લે એવું નથી.એક અન્ય અધિકારીએ તાપસી પુરી કે કે.કૈલાસનાથન જરૂર પડે તો મુખ્યમંત્રીને સમજાવીને પણ પોતાને કરવાના થતા કામ પર તેમની મહોર મરાવી જ લે! કે.કે.નો બોલ ઉથાપવાની હિંમત કોઈ દિવસ કોઈ ન કરે એવા પાવર સાથે તેઓ કામ કરતા હતા!
ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ રૂચિર ભટ્ટની અમિત શાહ દ્વારા ભરપૂર પ્રશંસા
નરેન્દ્ર મોદી અને અમિત શાહ એ ભા.જ.પ.ના એવા નેતા છે કે તેઓ બહુ જલ્દી ન રીઝે અને કોઈની ખોટી પ્રશંસા પણ ન કરે અને જાહેરમાં તો ભાગ્યે જ કરે.એટલે જો આ બે વ્યક્તિઓ જાહેરમાં કોઈની પ્રશંસા કરે તો કાર્યકર્તા એવું સમજી લે કે પ્રશંસા પામનારે ખરેખર ઉત્તમ કામ કર્યું છે.
આ સંદર્ભે એક સુંદર અનુભવ ગાંધીનગર શહેર ભા.જ.પ.ના પ્રમુખ રૂચિર ભટ્ટને થયો.પ્રસંગ હતો ગાંધીનગર શહેર ભા.જ.પ.ના કાર્યાલયના ખાતમુહૂર્તનો.એ વિધિ સંપન્ન કરી લીધાં પછી પ્રાસંગિક પ્રવચન કરતાં અમિત શાહે પ્રવચનના પ્રારંભમાં જ પ્રમુખ રૂચિર ભટ્ટને અભિનંદન આપતા જણાવ્યું હતું કે “સૌથી પહેલા હું રૂચિર ભટ્ટને અભિનંદન આપવા માગું છું
કારણ કે એક રીતે કહીએ તો તેમણે ગાંધીનગર શહેર જનતા પાર્ટીને અધુરી પાર્ટીમાંથી પૂર્ણ પાર્ટી બનાવી છે.કાર્યકર્તા, પદાધિકારી અને કાર્યાલય એ ત્રણ ભેગા થાય ત્યારે પાર્ટી બને છે.શરીરમા જે સ્થાન મસ્તકનું છે એ સ્થાન પક્ષમાં કાર્યાલયનું છે.” આટલું કહીને અમિત શાહે ઉમેર્યું હતું કે આજે રૂચિર ભટ્ટે મારાં હાથે ૨૭૧મા કાર્યાલયનું ખાતમુહૂર્ત કરાવ્યું છે.અહી નોંધપાત્ર વાત એ હતી કે ખાતમુહૂર્ત વિધિ વખતે અમિત શાહે પાયામાં મુકવા માટે પહેલી ઈંટ રૂચિરને જ આપી હતી જે સૂચવે છે કે અમિત શાહ રૂચિર ભટ્ટની કામગીરીથી કેટલાં ખુશ છે.
મુખ્યમંત્રીનાં સલાહકાર હસમુખ અઢિયાની એકાએક વધેલી સક્રિયતાનું કારણ શું?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સલાહકાર તરીકે મુકાયેલા નિવૃત આઈ.એ?. એસ. અધિકારી હસમુખ અઢિયાની દિલ્હીના મોવડી મંડળ સાથેની નિકટતા બહુ જાણીતી છે અને એ કારણે જ તેઓ મુખ્યમંત્રીનાં કાર્યાલયમાં નિયુક્ત થયાં છે એમ સૌ માને છે.
હવે વાત જાણે એમ છે કે હસમુખ અઢિયા હમણાંથી અત્યંત સક્રિય થઈ ગયા છે,કડક સુચનાઓ આપી રહ્યા છે.શેની સૂચનાઓ? એ પ્રશ્નનો જવાબ એવો મળે છે કે કેન્દ્ર સરકારે સને ૨૦૨૭-૨૦૨૮ સુધીમાં ભારત દેશને પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.
આ અભિયાનમાં વડાપ્રધાનનાં હોમ સ્ટેટ તરીકે ગુજરાત રાજ્યનું પ્રદાન તો નોંધપાત્ર હોવું જ જોઈએ ને? એ માટે અઢિયા સક્રિય ભૂમિકામાં આવી ગયા છે અને અધિકારીઓની મિટિંગમાં સ્પષ્ટ સૂચના આપે છે કે અત્યારથી રાત દિવસ મહેનત કરવા માંડો તો જ નિશ્ચિત કરાયેલાં વર્ષ સુધીમાં ગુજરાત રાજ્યને મળેલો ટાર્ગેટ પૂરો થશે.લાગે છે કે હસમુખ અઢિયાને પણ ઉપરથી કડક સૂચના મળી લાગે છે!
ગાંધીનગરના એકલવીર લડવૈયા સંસ્કાર પુરુષ અરૂણ બૂચની વિદાય
આપણા ગુજરાતી સમાજમાં એક એવી પરંપરા રહી છે કે અહીં સત્તાધારી કરતા સેવકને એટલે કે સમાજ સેવકને વધારે માન મળે છે અને તેનું ઉત્તમ ઉદાહરણ રવિશંકર મહારાજ છે.આ વાતનો પ્રત્યક્ષ અનુભવ તા.૨૩ઓકટોબરે ગાંધીનગર શહેરે કર્યો.એ દિવસે પાટનગરના એકલવીર લડવૈયા અને સંસ્કાર પુરુષ અરૂણ હર્ષદરાય બૂચનુ ૯૦ વર્ષની ઉંમરે ટૂંકી માંદગી બાદ દુઃખદ અવસાન થયું
ત્યારે સમાજનાં દરેક ક્ષેત્રના તમામ અગ્રણીઓ આ કોઈ સત્તા કે હોદ્દો ન ધરાવતા મૂકસેવકને અંતિમ વિદાય આપવા ઉમટી પડ્યા.અરૂણ બૂચની વિશિષ્ટતા એ રહી કે આખી જિંદગી સરકારી નોકરી કરી હોવા છતાં તેમનો આત્મા હંમેશા એક સમાજસેવકનો રહ્યો.પરીણામે સરકારી નોકરી દરમિયાન ૭ મંત્રીઓનાં અંગત મદદનીશ તરીકે સત્તામાં હતા ત્યારે અનેક લોકોના કામ કરી આપી તેમનું ભલું કર્યું.નિવૃત થયા પછી તેમનો સમાજસેવી આત્મા સોળે કળાએ ખીલી ઊઠ્યો.પાટનગરમાં રેલવે સેવા શરું કરવા તેઓએ ૮૦૦ જેટલા પત્રો લખ્યા,૩૦૦ જેટલી બેઠકો કરી હતી અને
તેનાં પરિણામે ગાંધીનગરને આજે રેલવે ટ્રેનની સુંદર સુવિધા પ્રાપ્ત થઈ છે. પાટનગરમાં અંતિમધામની સુવિધાથી લઈને પોસ્ટલ સુવિધા સુધીના પ્રજાલક્ષી પ્રશ્નોને વાચા આપવા માટે અરૂણ બૂચે આશરે ૪૩,૨૦૦ જેટલા પત્રો લખ્યા હતા. ઉનાળામાં શ્રમજીવીઓને પગરખાં પહેરાવવાનું તેમનું અભિયાન માનવતાની બેમિસાલ અભિવ્યક્તિનું સુંદર ઉદાહરણ ગણી શકાય.અરૂણ બૂચના ઘરનાં દરવાજા સૌ કોઈ માટે હંમેશા ખુલ્લા રહેતા. અરુણ બૂચની વિદાયથી ગાંધીનગરે એક નિશ્વાર્થ લોકસેવક ગુમાવ્યો છે અને પાટનગરના એક સેવા યુગનો અંત આવ્યો છે એવું સૌ અનુભવે છે.
ગુજરાતનું મંત્રીમંડળ અને આઈ. એ.એસ. અધિકારીઓ દિવાળી વડાપ્રધાન સાથે કરશે!
ગુજરાત રાજ્યની આઈ.એ.એસ.કેડરના ૨૦૦૬ની બેચના અધિકારી અને રાહત કમિશનર તથા હોદ્દાની રૂએ મહેસુલ સચિવ તેમજ કમિશનર,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તરીકે વધારાનો હવાલો સંભાળતા આલોક કુમાર પાંડે સચિવાલયની લીફ્ટમાં અનાયાસે મળી ગયા,સહજ રીતે પૂછ્યું કે દિવાળી ક્યાં ઉજવશો?
જવાબમાં તેઓએ ચહેરા પર આનંદ અને ગૌરવના ભાવ સાથે કહ્યું કે આમ તો દિવાળીનો તહેવાર કુટુંબ સાથે ઉજવુ છું પણ આ વખતે દેશના વડાપ્રધાન સાથે ઊજવવાનો છું.તેમનાં કહેવાનો ભાવાર્થ તરત જ સમજાયો કે તા.૩૧મી ઓક્ટોબરના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા કોલોની ખાતેના સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ઉજવવામાં આવનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં હાજર રહેવાનાં છે ત્યારે આલોક પાંડેએ પણ ફરજના ભાગરૂપે ત્યાં હાજર રહેવાનું છે.
આ પછી થોડી તપાસ કરી તો જાણવા મળ્યું કે સંભવતઃ આખું મંત્રીમંડળ તેમજ ટોચના આઈ.એ.એસ. અધિકારીઓ જેવા કે મુખ્ય સચિવ રાજકુમાર,અધિક મુખ્ય સચિવ પંકજ જોષી,
મનોજ દાસ,એસ.જે.હૈદર, મમતા વર્મા,અગ્ર સચિવ અશ્વિની કુમાર, સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ ઔલખ,માહિતી નિયામક એલ.કે.બચાણી અધિક સચિવ અને પ્રોટોકોલ ઓફિસર જ્વલંત ત્રિવેદી વગેરે પણ તા.૩૧મીએ કેવડિયા કોલોની ખાતે હાજર રહેશે.ભા.જ.પ. ના કાર્યકર્તાઓ આ સૌને સદ્દભાગી માને છે કારણકે આ સૌને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિવાળીનો તહેવાર ઉજવવાની તક મળવાની છે.