કડી અને વિસાવદર વિધાનસભા મતવિસ્તાર માટે મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે

- તા.01 એપ્રિલ, 2025ની લાયકાત સંદર્ભે અદ્યતન અને ક્ષતિરહિત મતદાર યાદી તૈયાર કરવા ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ
- તા.08/04/2025 થી તા.24/04/2025 સુધી મતદાર યાદીમાં નોંધાયેલા નામ કે નવા નોંધાનાર નામની અરજી અંગે હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરી શકાશે
- તા. 05/05/2025 ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે
ગુજરાતની બે સહિત દેશભરની કુલ આઠ વિધાનસભા બેઠકોની આગામી સમયમાં યોજાનાર પેટાચૂંટણીને અનુલક્ષીને ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાથ ધરવા નિર્દેશ આપવામાં આવ્યા છે. જે અંતર્ગત તા.01લી એપ્રિલ, 2025ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા માટે ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવશે.
આ ઝુંબેશ અંતર્ગત આગામી સમયમાં યોજાનાર 24-કડી (અ.જા) તથા 87-વિસાવદર વિધાનસભા મતવિસ્તાર માટે તા.08/04/2025 ના રોજ સંકલિત મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિની સાથે જ તા.08/04/2025 થી તા.24/04/2025 સુધી મતદાર યાદીમાં નોંધાયેલા નામ કે નવા નોંધાનાર નામની અરજી અંગે હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરી શકાશે.
મતદારો તેમના વિસ્તારની મતદાર નોંધણી અધિકારીની કચેરી તથા સંબંધિત જિલ્લાની કલેકટર કચેરી ખાતે મતદારયાદીનો મુસદ્દો જોઈ શકશે. મતદારો પોતાનું તેમજ પરિવારજનોનું નામ મતદારયાદીમાં ચકાસી શકશે અને જરૂર જણાયે મુસદ્દા મતદારયાદીમાં નામ ઉમેરવા, કમી કરવા કે સુધારો કરવા અરજી ફોર્મ મેળવી અને ભરેલું ફોર્મ રજૂ કરી શકશે.
આ ઉપરાંત મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી અને બુથ લેવલ ઑફિસર પાસે પણ હક્ક-દાવાના ફોર્મ જમા કરાવી શકાશે. વધુમાં, પાત્રતા ધરાવતા યુવાનો અને તેનાથી વધુ વયજૂથ ધરાવતા નાગરિકો મતદાર યાદીમાં નામ નોંધાવવા અંગે તથા મતદાર યાદીમાં નામ દાખલ કરવા, સુધારો કરાવવા કે કમી કરાવવા ચૂંટણી પંચના Voter Helpline App અને VSP ઉપર ઑનલાઈન ફોર્મ ભરી શકશે.
આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન મળેલી હક્ક-દાવાઓની અરજીઓનો નિકાલ કરી તા.05/05/2025ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે. આ મતદારયાદી મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી ખાતે, Image PDF ફોર્મેટમાં મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાતની વેબસાઈટ https://ceo.gujarat.gov.in પર જોવા મળી શકશે.