કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં વધુ એક ભોપાળુ સામે આવ્યું
કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં બનેલી ઘટના-પ્રસુતિની સર્જરી ર્માં કાર્ડમાં કરવાના વચન પછી ડિસ્ચાર્જ વેળાએ બિલ ફટકાર્યું
મહેસાણા, એક ખેડૂત પરિવારને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં કડવો અનુભવ થતાં પોતાની સાથે કરવામાં આવેલા વર્તન અંગે પગલા ભરવા તાલુકા આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી છે. મહિલાનું પ્રસુતિ ઓપરેશન મા કાર્ડ યોજના થકી કરવાનો ભરોસો આપીને છેલ્લે રૂપિયા ૪૦ હજારનું બિલ પધરાવી દેવાયું હોવાનો ઉલ્લેખ કરાયો છે. kadi-bhagyodaya-hospital
કડીના સુજાતપુરા રોડ પર આવેલી ક્રિષ્ણા રેસીડેન્સીમાં રહેતા ખેડૂત ચિરાગકુમાર નટવરલાલ રાવલની પત્ની હિમાનીબેન ગર્ભવતી થતાં તેઓની સારવાર છેલ્લા નવેક માસથી ભાગ્યોદય હોસ્પિટલમાં ડો. નિલેષ ધાકડીયા (Dr. Nilesh Dhakadiya) દ્વારા ચાલતી હતી. દર મહિને વીઝીટમાં જતાં તબીબ દ્વારા જો નોર્મલ ડિલેવરી થાય તો ઠીક પરંતુ જો ઓપરેશન કરવાનું થાય તો મા કાર્ડ કે મમતા કાર્ડ યોજના અંતર્ગત કરીશુ તેવું જણાવતા હતા.
દરમિયાન તેમની પત્નીને પ્રસુતિની પીડા ઉપડતાં તા.૧૮.૧૦.ર૦ર૪ના રોજ ભાગ્યોદય હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. અહીં તબીબ દ્વારા બપોર સુધી સારવાર અપાયા બાદ એકાએક મહિલાને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા હતા.
તેણીના પતિએ પૂછતા તબીબે હવે ઓપરેશન કરી દેવું પડશે તેમ કહીને અંદર જતા રહ્યા હતા. ચિરાગકુમારને ભરોસો હતો કે, ઓપરેશન મા કાર્ડ યોજનાની સહાય થકી થઈ રહ્યું છે.
પરંતુ ડિસ્ચાર્જના દિવસે હોસ્પિટલ સ્ટાફ દ્વારા તેઓને ઓપરેશનનું બિલ આપી કેશ કાઉન્ટર ઉપર પૈસા ભરવાનું કહેવામાં આવ્યું હતું. રવિવારનો દિવસ હોવાથી કોઈ તબીબ કે અધિકારી હાજર ન હોવાથી આ અંગે ફોન ઉપર ડોકટરને પુછતાં તેમણે ઈમરજન્સી ઓપરેશન મા કાર્ડમાં ન થાય તમારે પેમેન્ટ ભરવું જ પડશે અને તમારે જયાં ફરિયાદ કરવી હોય ત્યાં કરજો તેમ જણાવ્યું હતું છેવટે કફોડી હાલતમાં મુકાયેલા અરજદારે રૂ.૩૭૮ર૦ની રકમ ભરવાની ફરજ પડી હતી.
ત્યારબાદ તેઓને તા.ર૦.૧૦.ર૦ર૪ના રોજ સાંજે ૮ વાગે રજા આપવામાં આવી હતી. પોતાની સાથે થયેલા વર્તન અંગે તેમણે કડી તાલુકા આરોગ્ય અધિકારીને લેખિત રજુઆત કરી છે.