કડીના ચંદ્રાસણ ગામની જમીનના નાણાં સેરવી દસ્તાવેજ ન કરનાર દંપતી સામે ફરિયાદ
બાવલુ પોલીસે કંપનીના એડમીનની ફરિયાદના આધારે ઠગ દંપતીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા
મહેસાણા, કડી તાલુકાના ચંદ્રાસણ ગામની સીમમાં આવેલી સિટી સર્વે નં.એન.એ. ૬પપવાળી માલિકીની જમીન અમદાવાદના એક દંપતીએ કંપનીને વિશ્વાસમાં લઈ વેચાણ કરવા રૂપિયા ૬૯.ર૧ લાખની રકમ અવેજ પેટે મેળવી હતી. જોકે આ દંપતીએ નાણાં લીધા બાદ નિય્ત મુદતે દસ્તાવેજ કરી આપ્યા નહોતા.
તેમજ લાખો રૂપિયા પરત ન આપતાં આ દંપતી સામે બાવલુ પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવા પામી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ કરવા અર્થે દંપતીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
અમદાવાદની કલરવ ટ્રેલસ નામની કંટ્રકશન કંપનીની કડી તાલુકાના ગોવિંદપુરા અને ચંદ્રાસણ ગામની સીમમાં પાંચ માસ અગાઉ રિયલ એસ્ટેટ ડેવલોપમેન્ટની સાઈટો ચાલતી હતી.
કંપનીને સાઈટમાં ડેવલોપમેન્ટ અને વિસ્તૃતિકરણ અર્થે જમીનની વધુ જરૂર હોઈ કંપનીના એડમિન હિતેશભાઈ અમ્રુતભાઈ સુથારે તે વિસ્તારના સ્થાનિક બ્રોકરને જાણ કરી હતી. આ દરમિયાન કેટલાક બ્રોકરોએ ચંદ્રાસણ ગામની સીમમાં ડેવલોપ થઈ રહેલી કલરવ ટ્રેલસ સાઈટ પાસેની જુના સર્વે નં.૧૦૩/૧ જેનો સિટી સર્વે નં.એનએ ૬પપ વાળી જમીન માલિકને વેચવાની ઉતાવળ હોવાનું એડમિનને જણાવ્યું હતું.
ઉપરોકત ૭,૬૯૦ ચો.મી. ક્ષેત્રફળ ધરાવતી બિનખેતી જમીન ખરીદવા કંપનીએ ઈચ્છા દર્શાવતા બ્રોકરોએ અમદાવાદના ઘુમામાં આવેલી હોમિયોપેથિક કોલેજ પાસેની બસંતબહારના વિભાગ-૩માં રહેતા જમીન માલિક દંપતી મોહિતા અદીશ જૈન અને અદીશ મહાવીરપ્રસાદ જૈન સાથે મીટીંગ કરાવી હતી.
આ જમીનના માલિક દંપતીએ ટાઈટલ કિલયરિંગ સર્ટિની પ્રક્રિયા પૂર્ણ કરી કંપની પાસેથી જમીનના અવેજ પેટે નકકી થયેલી રકમ રૂ.૬૯.ર૧ લાખમાંથી ટીડીએસ કાપ્યા બાદ ગત ૧ર જૂનના રોજ રૂપિયા ૬૮,પ૧,૭૯૦નો ચેક મેળવ્યો હતો.
આ ચેકના નાણાં જમીન માલિક મોહિતા અદીશ જૈનના ખાતામાં જમા થઈ ગયા હતા. ત્યારબાદ જમીનના માલિક દંપતીએ જમીનનો રજિસ્ટર વેચાણ દસ્તાવેજ કંપનીને ગત ૧૮મી જૂનના રોજ કરી આપવાનો વિશ્વાસ આપ્યો હતો, પરંતુ વેચાણ દસ્તાવેજ નોંધાવવાના નિયત દિવસે અને સમયે દંપતી કડી સબ રજિસ્ટ્રાર કચેરીએ પહોંચ્યા ન હતા.
ત્યારબાદ અમદાવાદ ખાતે દંપતીનો સંપર્ક કરવામાં આવતા તેઓએ વેચાણ દસ્તાવેજ કરવા તેમજ નાણાં પરત ન કરવાની ધમકી ઉચ્ચારી હતી. પરિણામે કંપની એડમિને છેતરપિંડી આચરનારા દંપતી સામે બાવલુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે દંપતી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.