યુવકે વ્યાજે લીધેલા રૂ.ર.૭૮ કરોડની સામે વ્યાજ સાથે રૂ.૬.૩૬ કરોડ ચુકવ્યા છતાં ધમકી

પ્રતિકાત્મક
કડીના કોન્ટ્રાકટર પાસે રૂ.૮ કરોડની માંગણી કરી ધમકી આપનાર વ્યાજખોર સામે રાવ
મહેસાણા, કડીના કોન્ટ્રાકટરે કલોલના પિયાજ ગામના શખ્સ પાસેથી વ્યાજે લીધેલા રૂ.ર.૭૮ કરોડની સામે વ્યાજ સાથે રૂ.૬.૩૬ કરોડ ચુકવી દીધા બાદ પણ તેણે રૂ.૮ કરોડની માગણી કરી અપહરણ અને જાનથી મારી નાખવાની ધમકી આપતાં તેની સામે નંદાસણ પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
કડીમાં રહેતા અને જમીન લે-વેચ તથા કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરતા હિતેષ અંબાલાલ પટેલે કલોલ તાલુકાના પિયજ ગામના રબારી મુકેશભાઈ બળદેવભાઈ પાસેથી ર ટકા વ્યાજ સાથે ટુકડે ટુકડે કુલ રૂ.ર.૭૮ કરોડ લીધા હતા. જે વ્યાજ સાથે હિસાબ કરીને રૂ.૪ કરોડ મુકેશને પરત કર્યા હતા. થોડા સમય બાદ મુકેશભાઈએ ર ટકા વ્યાજે નહી પરંતુ ૧૦ ટકાના વ્યાજે પૈસા લેવાના છે કહીને હજુ મારે વ્યાજ લેવાનું છે
તેમ કહેતાં હિતેષકુમારે ટુકડે ટુકડે બીજા રૂ.ર.૩૬ કરોડ તેમને આપ્યા હતા. કુલ રૂ.૬.૩૬ કરોડ આપ્યા બાદ મુકેશભાઈએ હિસાબ પૂરો થઈ ગયો, આજ પછી હું કોઈ પૈસાની ઉઘરાણી નહીં કરું તેમ જણાવ્યું હતું. છતાં તા.૯.૧૧.ર૩ના રોજ મુકેશભાઈએ ફોન કરીને વ્યાજ પેટે રૂ.૮ કરોડ લેવાના બાકી નીકળતા હોવાનું કહેતાં હિતેષકુમારે ૧૦ ટકા વ્યાજ સાથે કુલ રૂ.૬.૩૬ કરોડ આપી દીધા છે તેવું જણાવ્યું હતું.
મુકેશભાઈએ પૈસા તો તારે આપવા જ પડશે નહીંતર કડીમાં રહેવા નહીં દઉં, હાથપગ ભાગી નાખીશ, તારી મિલકત પડાવી લઈશું તેવી ધમકીઓ આપતાં ગભરાઈ ગયેલા હિતેષકુમાર પોતાના ઘરે આવતા નહોતા અને સગા-સંબંધીઓના ઘરે રોકાતા હતા. તેમ છતાં અવારનવાર ઓફિસે તેમજ ફોન કરીને ઉઘરાણી કરતો હતો અને હિતેષકુમારે તેની સામે પોલીસમાં અરજી આપતાં તેણે હું કોઈ ઉઘરાણી નહી કરું, આપણે હિસાબની કોઈ લેવડ-દેવડ રહેતી નથી તેમ કહી સમાધાન કર્યું હતું.
ત્યારબાદ તા.૯.૧ર.ર૪ના રોજ હિતેષકુમાર અમદાવાદથી માથાસુર તેની સાઈડ પર જતા હતા ત્યારે મુકેશ રબારીએ ફોન કરીને તારે મને રૂ.૮ કરોડ આપવા પડશે, નહીં તો કડીમાં રહેવા નહી દઉં કે ધંધો કરવા નહીં દઉં, તને અને તારા પરિવારને ઘરેથી ઉપાડી જઈશ તેવી ધમકી આપી હતી.
બાદમાં તા.૧૦.૧ર.ર૪ના રોજ બપોરે મુકેશ રબારી તથા એક અજાણ્યા માણસે ધમકી હિતેષકુમારના પિતાને આપીને જતા રહ્યા હતા જેથી હિતેષકુમારે મુકેશભાઈ બળદેવભાઈ રબારી સામે ફરિયાદ નોંધાવતા નંદાસણ પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.