કડી નગરપાલિકા પાસે ફાયર સ્ટેશન તો છે, પણ ત્યાં એક પણ કર્મચારી નથી
પાલિકા પાસે ૭ ડ્રાયવર છે અને દુર્ઘટના ઘટે ત્યારે આ ડ્રાયવરો દ્વારા જ બધી કામગીરી હાથ ધરાય છે
મહેસાણા, કડી શહેરની ખાનગી કંપનીમાં કામ કરતા ૯ શ્રમિકોના મૃત્યુ થયા છે જેથી આ મુદ્દો આખા જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો હતો. જોકે આ સમગ્ર મામલે હવે એવી માહિતી સામે આવી છે કે કડી નગરપાલિકા પાસે ફાયર સ્ટેશન તો છે, પણ ત્યા એક પણ કર્મચારી નથી.
ફાયર સ્ટેશનમાં કર્મચારીના મહેકમ સામે એક પણ કાયમી કર્મચારી નથી જેથી એક પણ કર્મચારી કાયમી ધોરણે ન હોવો તે કડી શહેર માટે એક ગંભીર વિષય કહી શકાય. નગરપાલિકામાં વિવિધ ૭ ડ્રાયવરો કામગીરી કરી રહ્યા છે પણ બીજી તરફ કડીમાં ૪ ફાયર સ્ટેશન હોવા છતા એકપણ ફાયરમેન નથી. આ ચારેય ફાયર ફાયટર ચલાવવા પાલિકાના ડ્રાઈવરોને જ મોકલવામાં આવે છે.
કડીમાં જયારે કોઈ આગ લાગવા જેવી મોટી દુર્ઘટના બને ત્યારે પાલિકાના ડ્રાયવરો દ્વારા આવા સમયે કામગીરી હાથ ધરવામાં આવે છે. ગતરોજ મજૂરોના મૃત્યુની જે ઘટના બની હતી તેમાં પણ આજ ડ્રાયવરો એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટરોને લઈને પહોચ્યા હતા. કારણ કે ફાયર સ્ટેશન ચલાવવા માટે એકપણ કર્મચારી નથી.
ઉલ્લેખનીય છે કે ગતરોજ કડીથી ૮ કિ.મી. દૂર જાસલપુરમાં એક મોટી દુર્ઘટના ઘટી હતી જેમાં ૯ શ્રમિકોના મૃત્યુ થયા હતા.
સમગ્ર મામલે હવે આ ઘટના બાદ ચોંકાવનારી માહિતીઓ સામે આવી રહી છે જેમાં કડી શહેર પાસે તાલીમબદ્ધ કોઈ ફાયર કર્મ્ચારી છે જ નહી એનાથી પણ ચોંકાવનારી વાત તો એ છે કે ગઈકાલે જે ઘટના બની હતી તેમાં પણ આ ડ્રાયવરો જ એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટરોને લઈને પહોંચ્યા હતા.