કડીના વેકરાની જમીન ઠગાઈ કેસમાં મેહુલ રબારી સામે વધુ એક ફરિયાદ

ખેતીની જમીનમાં ગેરકાયદે બાંધકામ હોવા છતાં એનએની માંગણી કરી હતી
મહેસાણા, અમદાવાદ જમીન લે-વેચના વેપારીને વિશ્વાસમાં લઈ ઠગાઈ આચરી માતબર રકમ લઈ કડી તાલુકા પંથકની મૂલ્યવાન જમીનો પોતાની નામે કરાવી દસ્તાવેજ ન કરી આપી ગુંડાગીરી ઉપર ઉતરનાર વેકરાના મેહુલ રબારી અને તેના સાગરિતો સામે ફરિયાદ નોંધાઈ હતી.
ઉપરોકત જમીન પૈકી પોતાના હિસ્સાની જમીનને એનએ કરાવવા કલેકટરને ખોટી માહિતી આપી હોવાનું વધુ એક ગુનાહિત કાવતરું ખુલતા તેની સામે કડીના પ્રાંત અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા જમીન કૌભાંડીઓમાં ફફડાટ મચી ગયો છે.
અમદાવાદના સિંધુભવન રોડ પર મન ઈન્ફ્રા નામની જમીન લે-વેચની ઓફિસ ધરાવતા મનન અશ્વિનભાઈ પટેલે વર્ષ ર૦ર૧માં વેકરાના મેહુલ રબારીને તેમજ રાજુભાઈ ભરવાડને વાઉચરથી તેમજ તેને કહ્યા મુજબના માણસોને ચેકથી કરોડો રૂપિયાની માતબર રકમ ચૂકવી કડી તાલુકાના વેકરા, ખાવડ અને વરખડિયા ગામની જમીનો વેચાણ રખાવી હતી.
નાણાં ચૂકવ્યા બાદ આ જમીનોના દસ્તાવેજ કરી આપવા વારંવાર કહેવા છતાં વિવિધ બહાના બતાવી મેહુલ રબારીએ તેના સાગરિતો સાથે જાનથી મારી નાંખવાની ધમકી આપતા બાવલુ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
વધુમાં ઉપરોકત જમીન પૈકી કડી તાલુકાના વેકરા ગામના રી-સર્વે નં.૧ર૮પ વાળીમાં પોતાની હિસ્સાવાળી જમીન બહુહેતુક ઉપયોગ સારું બિનખેતી કરવા વેકરાના મેહુલ રઘુનાથ રબારીએ દોઢ મહિના અગાઉ કલેકટરને ઓનલાઈન અરજી કરી હતી.
બિનખેતી માગણીની અરજીમાં તેણે રજૂ કરેલી સ્વઘોષણામાં પૂર્વ મંજૂરી સિવાય બિનખેતી તરીકે જમીનનો ઉપયોગ થતો હોવા છતાં ખોટી માહિતી રજૂ કરી હતી. આ અંગે કડી મામલતદારે પણ કલેકટરને ખેતીલાયક જમીનમાં એનએ તરીકેનો ઉપયોગ થતો હોવાનો અહેવાલ કલેકટરને આપ્યો હતો.
આ કેસમાં કાવતરું રચી સરકારી તંત્રને ખોટી માહિતી આપી ઠગાઈ આચરનાર વેકરાના મેહુલ રઘુનાથ રબારી સામે મહેસાણા કલેકટરે પોલીસ ફરિયાદ દાખલ કરવા કડી પ્રાંત અધિકારી એ.ડી.મિયાત્રાને અધિકૃત કર્યા હતા. જેના પગલે કડી પ્રાંત અધિકારીની લેખિત ફરિયાદના આધારે બાવલુ પોલીસે વેકરાના મેહુલ રઘુનાથ રબારી વિરૂદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.