Western Times News

Gujarati News

પ્રથમ નોરતે યોજાઈ પદયાત્રાઃ કાગવડથી શ્રી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રામાં માઈ ભક્તો ઉમટ્યા

 પ્રથમ નોરતે મહાઆરતી, ધ્વજારોહણ, યજ્ઞ કરીને નવરાત્રિનો પ્રારંભ કરાયો-શ્રી નરેશભાઈ પટેલની આગેવાનીમાં યોજાઈ પદયાત્રા

કાગવડ, રાજકોટઃ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની દર વર્ષની પરંપરા મુજબ આસો નવરાત્રિના પ્રથમ દિવસે પદયાત્રા યોજાઈ હતી. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલના આગેવાનીમાં આજે 3 ઓક્ટોબર ને ગુરુવારના રોજ કાગવડ ગામથી શ્રી ખોડલધામ મંદિર સુધી યોજાયેલી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને પ્રથમ નોરતે મહાઆરતી, ધ્વજારોહણ અને યજ્ઞ થકી મા ખોડલના પોંખણાં કરી નવરાત્રિનો શુભારંભ કર્યો હતો.

પ્રથમ નોરતે યોજાયેલી પદયાત્રા પ્રસંગે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલે સૌ કોઈને નવરાત્રિના શુભ દિવસોની શુભકામના પાઠવી હતી. વધુમાં શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ગુજરાતભરમાં 37 જગ્યાએ ગરબીઓ થવા જઈ રહી છે. દર વર્ષે ખોડલધામ મંદિર તરફ લોકોની આસ્થા અને શ્રદ્ધા પણ વધતી જાય છે. આજના આ દિવસે મા ખોડલને પ્રાર્થના કરીએ કે આપણી સંગઠનની જ્યોત જે પ્રજવલ્લિત કરી છે તેને આંચ ન આવે.

આપણે સૌ સમાજના કામ કરતાં કરતાં રાષ્ટ્રની સેવામાં આગળ વધીએ. ખોડલધામ કેન્સર હોસ્પિટલનું ખૂબ મોટું કામ કરવા જઈ રહ્યું છે. આગામી એકાદ મહિનામાં હોસ્પિટલનું કામ પણ શરૂ થઈ જશે. સર્વ સમાજ માટે થવા જઈ રહેલો આ સેવાયજ્ઞ આપણે સૌ સાથે મળીને પૂર્ણ કરીએ તેવી મા ખોડલને પ્રાર્થના કરું છું.

પ્રથમ નોરતે યોજાયેલી પદયાત્રામાં જોડાવા વહેલી સવારથી જ કાગવડ ગામે શ્રદ્ધાળુઓ પહોંચી ગયા હતા. 3 ઓક્ટોબર ને ગુરુવારના રોજ સવારે 7-30 કલાકે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલનું કાગવડ ગામવાસીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ શ્રી નરેશભાઈ પટેલે કાગવડ ગામ સ્થિત શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ કાગવડ ગામે પ્રાથમિક શાળામાં શ્રી નરેશભાઈ પટેલ અને અન્ય ટ્રસ્ટીશ્રીઓએ દિપ પ્રાગટ્ય કર્યું હતું. સંબોધન બાદ શ્રી નરેશભાઈ પટેલ દ્વારા રથમાં બિરાજમાન મા ખોડલની આરતી કરવામાં આવી હતી. આરતી પૂર્ણ થતાં જ શ્રી નરેશભાઈ પટેલે પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. પદયાત્રામાં મા ખોડલના રથની આગેવાનીમાં ડી.જે.ના તાલે ગરબા રમતાં રમતાં મા ખોડલના જય જયકાર સાથે ભક્તો કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી પહોંચ્યા હતા.

પદયાત્રા મંદિરના પટાંગણમાં પહોંચ્યા બાદ મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવીને ભાવિકોએ આશીર્વાદ લીધા હતા. મંદિરે મા ખોડલની મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ શ્રી ખોડલધામ મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. દર વર્ષની માફક આ વર્ષે પણ યજ્ઞશાળામાં યજ્ઞ કરવામાં આવ્યો હતો. પદયાત્રામાં જોડાયેલા ભક્તો માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ફરાળ અને નાસ્તાની વ્યવસ્થા કરાઈ હતી. પદયાત્રાના માર્ગ પર ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સ્વયંસેવકોની ટીમ પણ ખડેપગે રહી હતી અને પાણી સહિતની વ્યવસ્થા સારી રીતે સંભાળી હતી.

આ પદયાત્રામાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટીશ્રીઓ, શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-રાજકોટના ટ્રસ્ટીશ્રીઓ, શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન વેરાવળ-સોમનાથના ટ્રસ્ટીશ્રીઓ, શ્રી ખોડલધામના જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કન્વીનરો, શ્રી ખોડલધામ મહિલા સમિતિ, શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ, શ્રી ખોડલધામ યુવા સમિતિ, શ્રી ખોડલધામ મીડિયા સમિતિ, શ્રી ખોડલધામ લિગલ સમિતિ, શ્રી ખોડલધામ શિક્ષણ પાંખ, અન્ય વિવિધ સમિતિઓ, રાજકોટના તમામ સરદાર પટેલ સોશિયલ ગ્રુપના સભ્યો, અટકથી ચાલતા લેઉવા પટેલ સમાજના પરિવારના સભ્યો, સમાજની સંસ્થાઓના સભ્યો અને સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

નવરાત્રિ દરમિયાન દરરોજ ખોડલધામ મંદિરે યજ્ઞશાળામાં હવન કરવામાં આવશે અને મા ખોડલને રોજ અવનવા શણગાર અને ધ્વજારોહણ કરી ભક્તો મા ખોડલની આરાધના કરશે. નવરાત્રિ હોવાથી મંદિર પરિસરને લાઇટિંગ અને ફૂલોથી શણગારી દેવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.