Western Times News

Gujarati News

ગામમાં રહેતી યુવતી અને ઉદ્યોગપતિની પ્રણય સભર ફિલ્મ “કહી દે ને પ્રેમ છે”

પાવરા એન્ટરટેઇન્મેન્ટ અને બેક સ્ટેજ બોય એન્ટરટેઇનમેન્ટ લઈને આવી રહ્યું છે એક પ્રણય સભર ફિલ્મ “કહી દે ને પ્રેમ છે”

ફિલ્મ 22 સપ્ટેમ્બરના રોજ થશે રિલીઝ-ફિલ્મના ગીતો જાણીતા બોલીવુડ સિંગર્સના અવાજમાં સ્વરબદ્ધ કરાયા છે

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આજે ઘણી આગળ વધી છે અને વિવિધ વિષયો પર ફિલ્મ બની રહી છે, દર્શકો તેને પસંદ પણ કરી રહ્યાં છે. આવી જ એક ફિલ્મ “કહી દે ને પ્રેમ છે” 22 સપ્ટેમ્બર, 2023ના રોજ સિનેમાઘરોમાં આવી રહી છે જેનું પ્રોડક્શન જાણીતા પ્રોડક્શન હાઉસ પાવરા એન્ટરટેઇન્મેન્ટ અને બેક સ્ટેજ બોય એન્ટરટેઇનમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે.

ફિલ્મમાં મુખ્ય પાત્રમાં વિશાલ સોલંકી, યુક્તિ રાંદેરિયા, હિના વાર્ડે, અને સ્મિત પંડયા છે. ફિલ્મના નિર્માતા ડો. જયેશ પાવરા અને નિશિથ કુમાર બ્રહ્મભટ્ટને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે દર્શકોને આ ફિલ્મ ચોક્કસપણે પસંદ આવશે.

ફિલ્મની સ્ટોરીલાઈનની વાત કરીએ તો પોતાના સપનાં પૂરા કરવાની ધગશ લઈને એક નાનકડા ગામમાં રહેતી અંજલિ શહેરમાં આવી પહોંચે છે જ્યાં તેની મુલાકાત જાણીતા યુવાન ઉદ્યોગપતિ આદિત્ય સાથે થાય છે. પ્રથમ મુલાકાતમાં જ બંને વચ્ચે ગેરસમજ જન્મે છે અને તેની સાથે બન્નેને એકબીજા પ્રત્યે  અણગમો થાય છે પણ  એજ અણગમો આગળ જતાં એક તરફી પ્રેમમાં પરિણમે છે.

અંજલિ મનોમન આદિત્યને પ્રેમ કરવા લાગે છે અને જ્યારે  એ એના પ્રેમનો એકરાર કરે છે ત્યારે આદિત્ય જણાવે છે કે એના જીવનમાં કોઈ વ્યક્તિ પહેલેથી જ છે. તૂટેલા હ્રદય સાથે અંજલિ વાસ્તવિકતાનો સ્વીકાર કરે છે પણ જ્યારે એને જાણ થાય છે કે જે વ્યક્તિ ને આદિત્ય ગળાડૂબ પ્રેમ કરે છે તે તો દુનિયામાં હયાત જ નથી એક અકસ્માતમાં તેણે પોતાનો જીવ ગુમાવ્યો છે

ત્યારે અંજલિના હૃદયને વધુ આઘાત લાગે છે કે શા માટે આદિત્ય એ સત્ય સ્વીકારવા તૈયાર નથી? શા માટે આદિત્ય એ એને હકીકત ના જણાવી? શા માટે આદિત્યએ એના પ્રેમનો સ્વીકાર ના કર્યો? આ બધા સવાલોના જવાબ શોધવા તો દર્શકોએ ફિલ્મ જોવી જ રહી…

ફિલ્મનું લેખન અને દિગ્દર્શન જાણીતા દિગ્દર્શક નિશિથ કુમાર બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મનું મ્યુઝિક જાણીતા મ્યુઝિશિયન પાર્થ ભરત ઠક્કર દ્વારા આપવામાં આવ્યું છે. ફિલ્મમાં 4 મુખ્ય ગીતો છે. આ ગીતો બોલિવૂડના જાણીતા ગાયક શાન, અભય જોધપુરકર,અંતરા મિત્રા, ઈશાની દવે, ઐશ્વર્યા મજમુદાર અને આનંદી જોશીના મધુર અવાજમાં સ્વરબદ્ધ કરાયેલ છે.

ફિલ્મનું  માર્કેટિંગ તથા પી.આર.ની અગત્યની જવાબદારી સંભાળી રહ્યા છે પાવરા એન્ટરટેઇન્મેન્ટ ના સી.ઇ.ઓ જૈમીલ શાહ અને ફિલ્મના એક્ઝિક્યુટીવ પ્રોડ્યુસર ધ્રુવ મહેતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.