કાજોલનો વસવસોઃ બાળકો મારું સન્માન નથી જાળવતા

મુંબઈ, સિનેમાની દુનિયાનું ચમકતું નામ, કાજોલ એવી એક્ટ્રેસ છે જેને કોઈ પરિચયની જરૂર નથી. ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘કુછ કુછ હોતા હૈ’ અને ‘ગુપ્ત’ જેવી સુપરહિટ ફિલ્મો આપનારી કાજોલના આજે દરેક ઉંમરના ચાહકો છે. પરંતુ કાજોલના જણાવ્યા મુજબ, તેના પોતાના બાળકો તેનું સન્માન તે રીતે નથી કરતા જેવું થવું જોઈએ.
આટલી બ્લાકબસ્ટર ફિલ્મો આપ્યા પછી પણ તેના બાળકોને માતાના કામની કોઈ કદર નથી. બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ કાજોલે તાજેતરમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યાે છે. કાજોલે પોતાના કરિયર, ફિલ્મો અને પરિવાર વિશે ખુલીને વાત કરી હતી.
કાજોલે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત ‘બેખુદી’થી કરી હતી. તે કહે છે, “હું તાજેતરમાં મારી ફિલ્મોગ્રાફી જોઈ રહી હતી અને આશ્ચર્ય થશે કે હું સૌથી ઓછું કામ કરનારી અભિનેત્રી છું. મારા પછી આવેલા ઘણા કલાકારોએ મારા કરતાં વધુ કામ કર્યું છે.
મેં કદાચ ૫૦ જ ફિલ્મો કરી હશે.” જોકે, કાજોલ હજુ પણ ફિલ્મોથી સંપૂર્ણ દૂર નથી અને અમુક ફિલ્મોમાં સક્રિય છે. પરંતુ જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તેના બાળકો તેને નથી કહેતા કે તમે આટલી મોટી સ્ટાર છો, તો પછી આટલું ઓછું કામ કેમ કરો છો? તો કાજોલે જણાવ્યું કે તેના ઘરમાં પરિસ્થિતિ એનાથી ઊલટી છે.
કાજોલે જણાવ્યું કે તેના બાળકો તેને કહે છે, “તમે ઘરે કેમ નથી બેસતા? તમને કામની શું જરૂર છે? બીજી મમ્મીઓને જુઓ, તેઓ સ્કૂલે લેવા આવે છે, પાર્ટીમાં હાજર હોય છે…” કાજોલ આગળ કહે છે, “હું તેમને કહું છું કે ના, મારે ઘરે નથી બેસવું. હું મારું કામ કરીને ખુશ છું અને મને લાગે છે કે જ્યારે તેઓ મોટા થશે, ત્યારે કદાચ મારું વધુ સન્માન કરશે. હું ફક્ત આશા રાખું છું કે તેઓ જલ્દી મોટા થાય.” ઉલ્લેખનીય છે કે અજય દેવગન સાથે લગ્ન કરનારી કાજોલ બે બાળકોની માતા છે દીકરી નિસા અને દીકરો યુગ.
કાજોલે આ મંચ પર જે વાત કરી, તેની સાથે ઘણી વર્કિંગ માતાઓ પોતાની જાતને જોડી શકે છે. માતા-પિતા અને બાળકોનો સંબંધ એવો હોય છે કે બહારથી ભલે પ્રેમ દેખાય, પરંતુ તેનો પાયો સન્માન પર જ ટકેલો હોય છે.
બાળકો હંમેશાં એવું ઇચ્છે છે કે માતા-પિતા તેમના પર ગર્વ અનુભવે, જ્યારે માતા-પિતા આખી જિંદગી એ કોશિશમાં વિતાવે છે કે બાળકો તેમને સન્માનની નજરે જુએ. ઘણી વખત વર્કિંગ મહિલાઓને આ સમસ્યાનો સામનો કરવો પડે છે કે તેમના બાળકોને માતાનું કામ કરવું પસંદ નથી. તેઓ ઇચ્છે છે કે તેમની મમ્મી ઘરે રહીને સ્કૂલેથી આવવાની રાહ જુએ કે દરેક પળે તેમની સાથે રહે. આવી સ્થિતિમાં ઘણી વર્કિંગ માતાઓએ બાળકો પાસેથી સન્માન મેળવવા માટે તેમના મોટા થવાની રાહ જોવી પડે છે.SS1MS