અને અચાનક જ પેસેન્જર લેવા ઉભી રહેલી બસ પાછળ લકઝરી ઘૂસી ગઈઃ 5 મોત
કલોલ અંબિકા બસસ્ટેન્ડ પર એસટીને ટ્રાવેલ્સ બસે ટક્કર મારતાં પાંચનાં મોત
(તસવીરોઃ જયેશ મોદી) પાટનગર ગાંધીનગર નજીક કલોલમાં મુસાફરો બસની રાહ જાેતા હતા અને કાળ બનીને આવેલી બસે મુસાફરોને અડફેટે લીધા હતા.
કલોલના અંબિકાનગર વિસ્તારમાં આ ઘટના બની છે. જ્યાં આજે સવારે એસટી બસ અને લકઝરી બસ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાતા પાંચ લોકો મોતને ભેટ્યા છે. લકઝરી બસચાલકે એસટી બસને ટક્કર મારતાં એસટી બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો
અને બસની રાહ જાેઈને બસ સ્ટોપ પર ઉભા રહેલા મુસાફરોને કચડી નાખ્યા હતા. અકસ્માતમાં પાંચ લોકો મોત થયા જ્યારે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે. આ ઉપરાંત ખેડામાં પણગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી હતી. આ દૂર્ઘટનામાં પણ બે મહિલાઓના મોતથયાનું જાણવા મળે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર કલોલ અંબિકા બસ સ્ટોપ પર પેસેન્જર ઉભા હતા તે સમયે જ એસટી બસે તેમને અડફેટે લીધા હતા.પાછળથી આવતી એક લક્ઝરી બસે એસટી બસને ટક્કર મારી હતી. જે પછી એસટી બસને ટક્કર વાગતાં બસ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.
કાબુ ગુમાવેલી એસટી બસ રોડ નજીક બેઠેલા મુસાફરો પર જ પર ચઢી ગઇ હતી. આ અકસ્માતમાં વિહોલ દિલીપસિંહ મનુજી (ઉં.વ ૪૮ રહે કલોલ), પાર્થ ગુણવંતભાઈ પટેલ (ઉં વ ૨૦, રહે કલોલ), બળવંતજી કાળાજી ઠાકોર (ઉં.વ ૪૫, રહે કલોલ), શારદાબેન રોહિતભાઈ જીગરાયા (ઉં.વ ૫૦, રહે કલોલ), સાવન સુરેશભાઈ દરજી (ઉં.વ ૨૨, રહે કલોલ) ના કરુણ મોત થયાં હતા.
આ ઉપરાંત અકસ્માતની અન્ય ઘટના ખેડાના નડિયાદમાં સામે આવી છે. નડિયાદના પીપળાતા નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ગમખ્વાર અકસ્માતમાં બે મહિલાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યાં છે. જ્યારે અકસ્માતમાં ૫ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
ઘટનાની જાણ થતા તાત્કાલીક ધોરણે સ્થાનિકો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અને ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલીક સારવાર અર્થે ખસેડાયા છે. મળતી માહિતી અનુસાર અકસ્માત સર્જાનાર ડ્રાઈવર દારુ પીધેલી હાલતમાં જાેવા મળ્યો છે. નશામાંધૂત ડ્રાઈવરને ગામ લોકોએ મેથીપાક ચખાડ્યો હતો.