Western Times News

Gujarati News

કલોલનું દંપતી મલેશિયાના ફેક પાસપોર્ટ સાથે ઝડપાયું

પ્રતિકાત્મક

(એજન્સી)અમદાવાદ, કલોલ તાલુકાના બોરીસણા ગામનું એક દંપતી મલેશિયાના ફેક પાસપોર્ટ સાથે ઝડપાયું છે. સૂત્રોનું માનીએ તો, નિલેશ પટેલ અને તેમના પત્ની મનીષા પટેલ અમેરિકા જવા નીકળ્યાં હતાં. જાેકે, તેમની પાસે રહેલો મલેશિયન પાસપોર્ટ ફેક હોવાનું પકડાતા તેમને અઝરબૈઝાનથી ડિપોર્ટ કરવામાં આવ્યા હતા.

૧૧ સપ્ટેમ્બરેતેઓ અઝરબૈઝાનથી મસ્કત અને ત્યાંથી દિલ્હી આવેલી ફ્લાઈટમાં દિલ્હી પહોંચ્યા હતા જ્યાં એરપોર્ટ પર તેમની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, આ દંપતી ૨૧ જુલાઈના રોજ ભારતીય પાસપોર્ટ અને ટુરિસ્ટ વિઝા પર મુંબઈથી દુબઈ પહોંચ્યું હતું.

દુબઈ પહોંચ્યા બાદ વાયા મસ્કતથી તેમણે અઝરબૈઝાનના બાકુ જવા ફ્લાઈટ પકડી હતી. આ ટ્રીપ પણ તેમણે ભારતીય પાસપોર્ટ પર જ કરી હતી. જાેકે, બાકુ પહોંચ્યા બાદ તેમણે એન્ટ્રી માટે પોતાનો ફેક મલેશિયન પાસપોર્ટ રજૂ કર્યો હતો. દિલ્હી એરપોર્ટના એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, બાકુ ઈમિગ્રેશન ઓથોરિટીએ બંનેને કોઈ પાસપોર્ટ વિના મસ્કત મોકલી દીધા હતા. તેમની પાસે કોઈ પાસપોર્ટ ના હોવાથી ઈમરજન્સી સર્ટિફિકેટ ઈશ્યૂ કરાયું હતું,

જેના પર તેઓ મસ્કતથી નવી દિલ્હી આવ્યા હતા. સીઆઈડી ક્રાઈમના એક અધિકારીના જણાવ્યા અનુસાર, પોતાના ઈન્ડિયન પાસપોર્ટને છોડીને આ કપલે ગેરકાયદે રીતે મલેશિયાનો પાસપોર્ટ મેળવ્યો હતો, જેના પર તેમના અસલી નામ લખેલા હતા.

આ પાસપોર્ટ પર તેઓ અઝરબૈઝાનથી અમેરિકા જવા માગતા હતા. બાકુની ફ્લાઈટ પકડતા પહેલા તેમણે ભારતીય પાસપોર્ટનો નાશ કર્યો હતો. શક્ય છે કે તેઓ બાકુથી તુર્કી જવાના હતા અને ત્યાંથી મેક્સિકો પહોંચી બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં ઘૂસવાના હતા.

નિલેશ અને મનીષાની સામે હાલ ઠગાઈ, બનાવટ, નકલી દસ્તાવેજને અસલ તરીકે રજૂ કરવા ઉપરાંત પાસપોર્ટ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ગુજરાત પોલીસની ટીમ પણ આ કેસની તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, યેન-કેન પ્રકારે અમેરિકામાં ઘૂસવા માટે અવનવા રસ્તા અપનાવતા ગુજરાતીઓ અવારનવાર પકડાતા રહે છે. થોડા દિવસો પહેલા જ આઈલેટ્‌સમાં વધારે બેન્ડ અપાવી કેનેડાના સ્ટૂડન્ટ વિઝા મેળવી ત્યાંથી લોકોને અમેરિકામાં ઘૂસાડવાનું એક રેકેટ પકડાયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.