કલોલના અલુઆના ફાર્મમાં પોલીસ ત્રાટકતા દારૂની મહેફીલમાં ભંગ પડ્યો
બર્થ ડે પાર્ટીમાં પરપ્રાંતની ૪ યુવતિ સહિત અમદાવાદના ૪ યુવાનો પીધેલા ઝડપાયા
ગાંધીનગર, કલોલ તાલુકાના અલુઆ ખાતેના એક ફાર્મમાં દારૂ સાથે ચાલતી બર્થ ડે પાર્ટીમાં પોલીસ ત્રાટકી હતી ત્યારે દારૂની મહેફીલમાં ભંગ પડ્યો હતો ત્યારે પરપ્રાંતની ૪ યુવતી અને એક યુવાન તેમજ અમદાવાદના ત્રણ યુવાનો સહિત ૮ જણા દારૂ પીધેલી હાલતમાં ઝડપાઈ ગયા હતા. અમદાવાદમાં રહેતા આ તમામ પરપ્રાંતિય શખ્સો પાસેથી મોબાઈલ અને વાહનો સહિત રૂ.૩.૭૦ લાખનો મુદ્દામાલ કબજે કરી કલોલ તાલુકા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
કલોલ તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે બાતમી મળી હતી કે અલુઆ ખાતે આવેલા અશ્વ વિલેજ ફાર્મ હાઉસમાં કેટલાક શખ્સો યુવતીઓ સાથે બર્થ ડે પાર્ટીમાં દારૂની મોજ માણી રહ્યાં છે. બાતમી અંગે તપાસ કર્યા બાદ તાલુકા પીએસઆઈ એમ.એ વાઘેલાએ ફાર્મ હાઉસમાં દરોડો પાડયો હતો. ત્યારે એક ભુંગા જેવા રૂમની અંદર ચાર યુવતીઓ અને ચાર યુવાનો કુંડાળુ વળીને બેઠેલા નજરે પડ્યા હતા.
તેમની આગળ ગ્લાસ અને દારૂની ખાલી બે બોટલો તેમજ તમામની ડીસમાં બાઈટિંગ માટેનો નાસ્તો જોવા મળ્યો હતો. પોલીસને જોતાની સાથે મહેફીલ માણતી પાર્ટીમાં સોંપો પડી ગયો હતો અને દારૂ પીધેલો હોવાથી ફફડી ગયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું હતું કે નિતિશ અશોક મિશ્રા (ઉ.વ.ર૪)ની બર્થ ડે હોવાથી ફાર્મમાં દારૂની પાર્ટી ગોઠવી હતી.
દરમિયાન પોલીસે તમામની તલાશી લેતા તેઓ દારૂ પીધેલી હાલતમાં જણાઈ આવયા હતા જેથી યુવતીઓ સહિત તમામની ધરપકડ કરી તેમની સામે ગુનો દાખલ કર્યો હતો.