કલોલમાં પાલિકાએ રસ્તા પર રઝળતાં ૧ર પશુને પાંજરે પૂર્યાં
ગાંધીનગર, કલોલ શહેરમાં રસ્તા પર રઝળતા ઢોરનો ભારે ત્રાસ સહન કરતા લોકોની ફરિયાદો ઉઠી હતી અંતે પાલિકાએ ઢોર પકડ ઝુંબેશ શરૂ કરી શહેરના રસ્તા પર રઝળતા ૧ર પશુ પકડીને પાંજરાપોળમાં લઈ જવાયા હતાં તેના પગલે પશુપાલકો દોડતા થઈ ગયા હતા.
પાલિકામાં યોજાયેલી બેઠકમાં પશુપાલકોને બે દિવસની મુદત આપી હતી તેમ છતાં પાલન નહીં થતાં શહેરમાં ઢોરના ટોળા જોવા મળતા હતા જેથી તંત્રએ સોમવારે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરી હતી. કલોલ શહેર સહિત પંથકમાં રખડતા ઢોરનો ખુબ ત્રાસ વધી ગયો છે. આ ગાયો શહેર તેમજ હાઈવે પરના માર્ગો પર અડીંગો જમાવી બેસી જતી હોય છે.
જેના પગલે અવાર નવાર અકસ્માત સર્જતા હોય છે જેને કારણે નાગરિકોમાં ભારે રોષ ફેલાયો હતો. તે અંગે વ્યાપક રજૂઆતોના પગલે નગરપાલિકા દ્વારા માલધારી સમાજના આગેવાનોને બોલાવી સમજાવવામાં આવ્યા હતા તેમજ ઢોર પકડવાની કામગીરી દરમિયાન જે વ્યક્તિ અડચણરૂપ બનશે તેમની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી.
તેમ છતાં પ્રશ્ન નહીં ઉકેલાતા કલોલના વિવિધ રસ્તા પરથી તંત્ર દ્વારા ૧ર જેટલી ગાયો તેમજ આખલાને પકડી પાંજરાપોળ મોકલવામાં આવ્યા હતા. પાલિકા દ્વારા જણાવાયું છે કે ઢોર પકડ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે.