કલોલના પલિયડ ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથનું સ્વાગત
(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પલિયડ ગામ ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથનું ભવ્યાતિભવ્ય સ્વાગત ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું.
વંદે ગુજરાત વિકાસ યાત્રાના બીજા દિવસે કલોલ તાલુકાના પલિયડ ગામ ખાતે સાંજના ૪.૩૦ કલાકે રથ આવ્યો હતો. આ રથને ગ્રામજનો દ્વારા ઢોલના તાલે સામૈયુ કરવામાં આવ્યું હતું. ગામની નાની દીકરીઓએ રથને કંકુ તિલક કરીને આવકાર આપ્યો હતો.
આ રથને ગામની પ્રાથમિક શાળા ખાતે આયોજિત કાર્યક્રમના સ્થળે લઇ જવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિવિઘ જિલ્લાની કચેરીઓના અધિકારીઓ દ્વારા રાજય સરકારની યોજનાકીય માહિતી આપી હતી. તેમજ રથમાં લગાવેલ એલ. ઇ.ડી. સ્ક્રીનમાં ગુજરાતના ૨૦ વર્ષની વિકાસ ગાથાનું ચલચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ આરોગ્ય, કૃષિ, પશુપાલન જેવી વિવિઘ યોજનાઓ અંગેની વિશેષ માહિતી પણ આ ટુંકી ફિલ્મમાં આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં બાળ તદૂરસ્ત, વાનગી, કિશોરી એનિમિયા મુક્ત જેવી હરિફાઇમાં વિજેતા બનેલી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રમ અધિકારી જે.એચ.સિંઘાવત, નાયબ કાર્યપાલક ઇજનેર ચિંતન સુથાર, મેડિકલ ઓફિસર ર્ડા. અતુલ નાગર સહિત વિવિઘ જિલ્લા કચેરીઓ અઘિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.