કલોલ તાલુકાના પલોડીયામાં ૯ જુગારીઓ ચાર કાર સાથે ઝડપાયા
ગાંધીનગર એલસીબીની ટીમે ૧.૪૪ લાખની રોકડ સહિત ૧૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો
ગાંધીનગર, અમદાવાદના નારણપુરા વિસ્તારનો શખ્સ કલોલ તાલુકાના પલોડીયા ગામે ઓરડી ભાડે રાખી જુગારધામ ચલાવતો હતો તેમાં ગાંધીનગર એલસીબીની ટીમે દરોડો પાડયો હતો ત્યારે ૯ જુગારીઓ ૪ કાર સાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે ૧.૪૪ લાખની રોકડ સહિત કુલ રૂ.૧૮ લાખનો મુદ્દામાલ કબજે કરી ગુનો દાખલ કર્યો છે.
ગાંધીનગર એલસીબી-૧ ના પીઆઈ ડી.બી. વાળાએ જિલ્લામાં જુગાર સહિતની અસામાજીક પ્રવૃત્તિઓ ડામવા પેટ્રોલિંગ શરૂ કરવા ટીમને સૂચના આપી હતી ત્યારે બાતમી મળી હતી કે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં સૂર્યા એપાર્ટમેન્ટમાં રહેતા નરેશ ઉર્ફે ભોલો લક્ષ્મણભાઈ દેસાઈએ કલોલ તાલુકા પલોડિયા ગામની સીમમાં ઈલેકટ્રોથર્મ કંપની નજીક એસ.બી. કોર્નર પાછળ કાળુજી રોહિતજી ઠાકોરની માલિકીની ઓરડી ભાડે રાખી જુગારધામ ચલાવે છે.
તેના આધારે પોલીસે ત્યાં પહોચી ત્યારે હસીમુખભાઈ પટેલ શંકાસ્પદ હાલતમાં જણાઈ આવતા તેની પુછપરછ કરતાં તેણે કહ્યું હતું કે તેનો મિત્ર નરેશ દેસાઈ એસ.બી. કોર્નર પાછળની ઓરડીમાં જુગાર રમે છે. પોલીસની વોચ કરવા માટે મને બેસાડયો છે.
પોલીસે તેને પકડી ઓરડીનો દરવાજો ખોલાવી અંદર જુગાર રમી રહેલા ૮ શખ્સોને ઝડપી પાડયા હતા તેમજ દાવ પરથી રૂ.૧પ,૦૦૦ અને અંગઝડતીમાં રૂ.૧,ર૯,૪૦૦ મળી રોકડા રૂ.૧,૪૪,૪૦૦ તેમજ રૂ.૧,૬૦,૦૦૦ ના પાંચ મોબાઈલ અને રૂ.૧પ લાખના પાંચ વાહન મળી કુલ રૂ.૧૮,૦૪,૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.