કમરોલી પ્રાથમિક શાળાનાં શિક્ષિકાએ જન્મદિનની અનોખી ઉજવણી કરી
સુરત, ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કમરોલી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતાં શ્રીમતી હેમલતાબેન પટેલે પોતાનાં જન્મદિનની ઉજવણી શાળામાં ભણતાં બાળકો સાથે અનોખી રીતે કરી હતી.
તેમનાં જન્મદિન પ્રસંગે તેમણે સૌ બાળકો વચ્ચે કેક કાપી પોતાનાં હસ્તે વ્યક્તિગત ખવડાવી પણ હતી. ઉપરાંત તમામ બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. સૌ બાળકોએ તેમને પુષ્પગુચ્છ અર્પણ કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે હેમલતા પટેલે જણાવ્યું હતું કે આવા શુભ પ્રસંગે અંગત જહોજલાલીથી બહેતર છે કે નિર્દોષ બાળકોને પ્રસન્ન કરવા. શાળાનાં ઉપશિક્ષિકા શ્રીમતી જ્યોતિબેન પટેલ, શાળા વ્યવસ્થાપન સમિતિનાં સભ્યો ઉપરાંત ઉપસ્થિત વાલીઓએ આ પ્રેરક પ્રસંગને પ્રસન્નતા સાથે વધાવ્યો હતો. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.