૨૯ સપ્ટેમ્બરે કામધેનુ યુનિવર્સિટી, આણંદ ખાતે ત્રિવિધ કાર્યક્રમો યોજાશે
કૃષિ, પશુપાલન અને ગૌ-સંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં -દૂધમાં ભેળસેળ ચકાસવા નેનો ટેકનોલોજી આધારિત ડીપસ્ટીક “હંસ પટ્ટિકા”નું નિદર્શન
વિવિધલક્ષી પશુચિકિત્સાલયનું ભૂમિ પૂજન તેમજ ડિપ્લોમા ઇન એનિમલ હસબન્ડરીના વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાશે -લમ્પી સ્કીન ડિસીઝ વોરીયર્સને પણ કામગીરી બદલ પ્રમાણપત્ર આપી કરાશે સન્માનિત
રાજ્ય સરકાર સંચાલિત કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે કે, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી, આણંદ ખાતે તા.૨૯/૦૯/૨૦૨૨ના સવારે ૦૮:૦૦ કલાકે ત્રિવિધ કાર્યક્રમ યોજાશે.
કૃષિ, પશુપાલન અને ગૌ-સંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના મુખ્ય અતિથિપદે યોજાનાર આ ત્રિવિધ કાર્યક્રમ દરમિયાન દૂધમાં ભેળસેળ ચકાસણી કરવા માટે નેનો ટેકનોલોજી આધારિત ડીપસ્ટીક “હંસ પટ્ટિકા”નું નિદર્શન યોજવામાં આવશે.
આ ઉપરાંત RKVY પ્રોજેક્ટ અંતર્ગત ફાળવવામાં આવેલી ગ્રાન્ટમાંથી વિવિધલક્ષી પશુચિકિત્સાલયનું ભૂમિ પૂજન કરાશે અને ડિપ્લોમા ઇન એનિમલ હસબન્ડરીના ૪૫૮ વિધાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં તાજેતરમાં જાનવરોમાં જોવા મળેલા લમ્પી સ્કીન ડિસીઝ દરમિયાન લમ્પી સ્કીન ડિસીઝ વોરીયર્સને તેઓની સારી કામગીરી બદલ પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવશે.
કૃષિ, પશુપાલન અને ગૌ-સંવર્ધનના રાજ્યકક્ષાના મંત્રી શ્રી દેવાભાઈ માલમ અતિથિ વિશેષ તરીકે જ્યારે સમારંભના અધ્યક્ષ તરીકે આણંદના સાંસદસભ્ય શ્રી મિતેશભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. તેમજ કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગરના કુલપતિશ્રી ડૉ. એન. એચ. કેલાવાલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડશે.