કમલા હેરિસના ઝંઝાવતી પ્રચારથી ટ્રમ્પ ગભરાયા
વિવિધ પોલમાં ડોનાલ્ડ ટ્રમ્પ કરતા કમલા હેરિસ આગળઃ ટ્રમ્પ સ્પીચમાં એકની એક વાત વારંવાર રિપિટ કરે છે
વોશિંગ્ટન, અમેરિકાની પ્રેસિડન્ટની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અચાનક પ્રેશરમાં આવી ગયા છે. કમલા હેરિસ જે રીતે ધમાકેદાર રેલીઓ કરી રહ્યા છે અને જુદા જુદા મુદ્દા ઉઠાવી રહ્યા છે તેની સામે ડોનાલ્ડ ટ્રમ્પ ઝાંખા પડી ગયા હોય તેમ લાગે છે. તેમનો આત્મવિશ્વાસ ડગી ગયો છે. તેમની રેલીઓમાં પહેલા કરતા ઓછા લોકો આવે છે અને ટ્રમ્પ ભાષણ કરે ત્યારે કોઈને રસ પડતો નથી. ટ્રમ્પ પોતાની સ્પીચમાં એકની એક વાત વારંવાર રિપિટ કર્યા કરે છે. કમલા હેરિસ આ વખતે ચૂંટણીમાં છવાઈ ગયા છે તેવું ચિત્ર ઉપસે છે.
ડોનાલ્ડ ટ્રમ્પ જાહેરમાં હજારો લોકોની વચ્ચે જુઠ બોલવા માટે કુખ્યાત છે, પરંતુ અમેરિકન મીડિયા કોઈની સાડાબારી રાખતું નથી ભલે પછી તે ભૂતપૂર્વ પ્રેસિડન્ટ જ કેમ ન હોય. વોશિંગ્ટન પોસ્ટ ડોનાલ્ડ ટ્રમ્પના જુઠાણાઓનો પર્દાફાશ કરે છે. ઉદાહરણ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે હમણાં કમલા હેરિસની ટીકા કરતા કહ્યું કે કમલા હેરિસ જો પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવશે તો ઈઝરાયલને શસ્ત્રો વેચવા પર પ્રતિબંધ મૂકી દેશે. વાસ્તવમાં કમલાએ આવું ક્યારેય કહ્યું નથી.
અમેરિકન મીડિયા રિપોર્ટ પ્રમાણે ટ્રમ્પ હવે ખરેખર ગભરાઈ ગયા છે. કમલા હેરિસ પ્રેસિડન્ટના ઉમેદવાર બનીને આવી જોરદાર પ્રચાર કરશે તેની તેમણે કલ્પના નહોતી કરી. ટ્રમ્પને એવું હતું કે બધાની નજર મારા પર જ હશે અને મારી જ વાત સાંભળવામાં આવશે.
પરંતુ કમલા હેરિસને મળતા કવરેજના કારણે ટ્રમ્પ અંદરથી હચમચી ગયા છે. ટ્રમ્પે ઓચિંતી એક પ્રેસ કોન્ફરન્સ પણ બોલાવી હતી કારણ કે તેમને લાગે છે કે તેમની ટીમ બરાબર કામ નથી કરતી તેથી હું મીડિયા સાથે ડાયરેક્ટ વાત કરીશ તો સારું રહેશે. ટ્રમ્પને પોતાની પ્રચાર ટીમ પર પણ ભરોસો નથી તેવી સ્થિતિ છે.
ટ્રમ્પ માટે એવું કહેવાય છે કે હાલમાં તેમને સમજાતું નથી કે કમલા હેરિસને કઈ રીતે કાઉન્ટર કરવા. કમલા હેરિસ ટ્રમ્પની સ્ટ્રેટેજી બરાબર સમજી ગયા છે પરંતુ ટ્રમ્પ પોતે ગપ્પા મારવા માટે અને જૂઠ બોલવા માટે જાણીતા છે તેથી તેમના જુઠ પકડાઈ જાયચ છે.
સ્થિતિ એવી છે કે ટ્રમ્પ અચાનક ઈનસિક્યોરિટી અનુભવવા લાગ્યા છે. જો બાઈડન જ્યારે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર હતા ત્યારે ટ્રમ્પ જુસ્સામાં હતા, પરંતુ હવે કમલા હેરિસની ટીમ જુસ્સામાં છે અને ટ્રમ્પને પરાજયનો ભય સતાવે છે. અમેરિકન અખબારો પોતાના લીડરના જુઠ સામે આકરા સવાલો કરવા માટે જાણીતા છે. વોશિંગ્ટન પોસ્ટે ૨૦૨૧માં અહેવાલ આપ્યો હતો કે ડોનાલ્ડ ટ્રમ્પ ચાર વર્ષના શાસન દરમિયાન ૩૦,૫૭૩ વખત જુઠ બોલ્યા હતા.
ટ્રમ્પના ભૂતપૂર્વ પ્રેસ સેક્રેટરી સ્ટેફની ગ્રિશેમે આખી વાતનો ભાંડો ફોડ્યો છે અને બહારથી બહુ સખત દેખાતા અને કોન્ફીડન્સથી છલકાતા ટ્રમ્પ અંદરથી પરાજયની કેવી બીકમાં જીવે છે તેની માહિતી આપી છે. હાલમાં અમેરિકામાં થયેલા વિવિધ પોલમાં ડોનાલ્ડ ટ્રમ્પ કરતા કમલા હેરિસ આગળ નીકળી ગયા છે અને લગભગ આઠ પોઈન્ટની લીડ ધરાવે છે.
ટ્રમ્પે ગઈકાલે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ‰થ સોશિયલ પર જાહેરાત કરી હતી કે તેઓ બે વાગ્યે જનરલ ન્યૂઝ કોન્ફરન્સ બોલાવવાના છે. ન્યુઝવિક અને વોશિંગ્ટન પોસ્ટ જેવા માતબર અખબારો કહે છે કે કમલા હેરિસ ચૂંટણીના મેદાનમાં ઉતર્યા તેના કારણે ડેમોક્રેટિક વોટર્સનો જુસ્સો વધી ગયો છે. તેઓ જંગી પ્રમાણમાં ફંડ એકઠું કરી રહ્યા છે અને જે સ્ટેટમાં કાંટાની ટક્કર થાય તેમ છે ત્યાં પણ તેમનો પ્રભાવ વધી રહ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અંદરથી કેટલા હચમચી ગયા છે તેની વિગત તેમની ભૂતપૂર્વ પ્રેસ સેક્રેટરી સ્ટેફની ગ્રિશેમે આપી છે. જુલાઈ ૨૦૧૯થી એપ્રિલ ૨૦૨૦ સુધી તેઓ વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પની સાથે કામ કરતા હતા, પરંતુ પછી તેઓ તેના ટીકાકાર બની ગયા હતા. તેણે જ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી દીધી છે કે ટ્રમ્પ ગભરાઈ ગયા છે. તેમને તેમની ટીમ પર ભરોસો નથી અને તેઓ માને છે કે પોતાના સિવાય બીજું કોઈ તેમને ડિફેન્ડ નહીં કરી શકે.