સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજીત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કામરેજ તાલુકો ચેમ્પિયન
(પ્રતિનિધિ) સુરત, બારડોલી તાલુકાનાં અલ્લુ બોરિયા ખાતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્રારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાનાં દરેક તાલુકાની ટીમે ભાગ સહર્ષ લીધો હતો. ટુર્નામેન્ટનાં પ્રારંભે સુરત જિલ્લા પંચાયત બાંધકામ સમિતિનાં ચેરમેન રાકેશભાઈ પટેલે ઉપસ્થિત રહીને રમતવીર શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતાં.
બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળવંતભાઈ પટેલ તેમજ આશિષભાઈ સહિત અન્ય હોદ્દેદારોનાં સુંદર વ્યવસ્થાપન હેઠળ આરંભાયેલ આ ટુર્નામેન્ટની તમામ લીગ મેચો બાદ પ્રથમ સેમી ફાઇનલ માંગરોલ તેમજ પલસાણા તાલુકા વચ્ચે યોજાઈ હતી, જેમાં પલસાણા તાલુકાની ટીમ વિજેતા બની હતી. જ્યારે બીજી સેમી ફાઇનલ કામરેજ અને માંડવી તાલુકા વચ્ચે યોજાઈ હતી, જેમાં કામરેજ તાલુકાની ટીમ વિજેતા બની હતી.
અંતમાં ટુર્નામેન્ટનો ફાઈનલ મુકાબલો કામરેજ અને પલસાણા તાલુકા વચ્ચે યોજાયો હતો. જેમાં પલસાણાની ટીમે નિર્ધારિત ૮ ઓવરમાં ૮ વિકેટે ૫૦ રન કર્યા હતાં. આ ટાર્ગેટને કામરેજની ટીમ ૬.૪ ઓવરમાં ચેઝ કરી ચેમ્પિયન બની હતી.
સદર ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમતવીર શિક્ષકોને પ્રોત્સાહિત કરવા આરંભથી અંત સુધી ઉપસ્થિત રહેલાં મહાનુભવો એવાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી, પ્રફુલભાઈ પટેલ, અનિલભાઈ ચૌધરી, અશોકભાઈ ચૌધરી, ઇમરાનખાન પઠાણ સહિતનાં હોદ્દેદારોનાં હસ્તે સમગ્ર ટુર્નામેન્ટમાં બેસ્ટ બેસ્ટમેન તરીકે ઘોષિત થયેલ ગોવિંદ પટેલ (એસ.આર.પી.વાવ પ્રાથમિક શાળા),
બેસ્ટ બોલર તરીકે ઘોષિત થયેલ દિવ્યેશ પ્રજાપતિ (ઓરણા પ્રાથમિક શાળા) તેમજ મેન ઓફ ધ સિરીઝ જાહેર થયેલ હિરેન પટેલ (ગંગાધરા પ્રાથમિક શાળા)ને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
આ સાથે ચેમ્પિયન તથા રનર્સ અપ ટીમે હર્ષોલ્લાસથી સંઘ પ્રમુખ કિરીટભાઈ પટેલ તેમજ અન્ય હોદ્દેદારોનાં હસ્તે ટ્રોફી સ્વીકારી હતી. ટુર્નામેન્ટમાં શૈલેષ પી. પટેલે છટાદાર કોમેન્ટ્રી આપી હતી. દીપ, હર્ષ, પ્રિયાંશુ તથા કૃણાલ પટેલે તટસ્થ અમ્પાયર તરીકે ઉત્તમ સેવા બજાવી હતી. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.