Western Times News

Gujarati News

79 કરોડના ખર્ચે આણંદ જિલ્લાના કનેવાલ તળાવને ડિસિલ્ટીંગ કરાશે

કેનવાલ તળાવ થકી ૧,૯૮૭ ગામોને પીવાનું તેમજ ૧,૪૩૬ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આણંદ જિલ્લાના મહત્વના એવા કનેવાલ તળાવની રૂ. ૭૯ કરોડની વધુના ખર્ચે ડિસિલ્ટીંગ અને રિમોકેલિગની કામગીરી કરવામાં આવશે.આ માટે ટેન્ડરિંગ પ્રક્રિયા બાદ મંજૂરી પણ આપી દેવામાં આવી છે જેનું કાર્ય આગામી સમયમાં પૂર્ણ કરવામાં આવશે.

અંદાજે ૧૬ વર્ષ જૂનું આ તળાવ ૫૨૫ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે ત્યારે તેમાં ૧૭ થી ૧૮ ટકા અને ડિસિલ્ટીંગ અને રિમોકેલિગની કામગીરી કરીને તેને મૂળ સ્થિતિમાં લાવવા રાજ્ય સરકાર આ કામગીરી કરી રહી છે તેમ,વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નોનો ઉત્તર આપતા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું.

મંત્રી શ્રી કુંવરજીભાઈએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, કેનવાલ તળાવના માધ્યમથી આજુબાજુના ૧,૯૮૭ જેટલા ગામોને પીવાનું પાણી તેમજ ૧,૪૩૬ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. આ સિવાય અમદાવાદ સહિત નવ શહેરોને પાણી ઉપલબ્ધ કરવામાં આવે છે. કેનવાલ તળાવ ડિસિલ્ટીંગ સાથે સાથે તેમાં પાળા મજબૂત બનાવવા, આજુબાજુ દિવાલ તૈયાર કરવી, ઉપરની બાજુ પેવર બ્લોક તેમજ રોડ બનાવવાની કામગીરી કરવામાં આવશે.

મંત્રી શ્રી પેટા પ્રશ્નનો પ્રત્યુતર આપતા કહ્યું હતું કે, પાણી પુરવઠા હેઠળ જૂથ પુરવઠા, ખંભાત નગરપાલિકા તેમજ સૌરાષ્ટ્ર પાઇપલાઇનના દ્વારા સૌરાષ્ટ્ર  સહિતના વિસ્તારોમાં પાણી આપવામાં આવે છે. આ યોજના હેઠળ સિંચાઈ,  પીવાનું પાણી અને મત્સ્યોદ્યોગ એમ ત્રણ પ્રકારે પાણી આપવામાં આવે છે.

મંત્રી શ્રી કુંવરજીભાઈએ ખાસ ઉલ્લેખ કરતા ગૃહમાં જણાવ્યું હતું કે, અમારી રજૂઆત બાબતે પાણી પુરવઠા વિભાગના પૂર્વ મંત્રી શ્રી નરોત્તમભાઈ પટેલે સૌ પ્રથમવાર આ યોજના અમલી બનાવીને કોઈપણ પ્રકારના ભેદભાવ વિના નાગરિકોના હિતમાં સૌરાષ્ટ્રને અને તેમાં પણ ખાસ કરીને મારા વિસ્તાર જસદણ સુધી પાણી પહોંચાડયું છે તે ખરેખર પ્રસંશનીય બાબત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.