કંગનાએ શાહરુખના દીકરા આર્યનના વખાણ કર્યાં
મુંબઈ, ઇન્ડસ્ટ્રીમાં નેપોટીઝમ અંગેની ચર્ચા શરૂ કરવાનો અને નેપોકિડ્ઝ શબ્દપ્રયોગને જાણીતો કરવાનો શ્રેય મહદંશે કંગના રણૌતને જાય છે. તે હંમેશા આ બાબતે પોતાનો વિરોધ પ્રદર્શિત કરતી રહી છે.
તેમજ ઇન્ડસ્ટ્રીમાં બહારથી આવતા લોકોને એટલે કે આઉટસાઇડર્સને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, તે અંગે પોકારી પોકારીને કહેતી રહી છે. પરંતુ હવે જાણે તેણે પોતાનું વલણ બદલ્યું છે.
શાહરુખની દિકરી સુહાના ખાન બાદ હવે દિકરો આર્યન ખાન પણ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે.મંગળવારે નેટફ્લિક્સ દ્વારા એક નવી સિરીઝની જાહેરાત કરવામાં આવી છે. જે શાહરુખના રેડ ચિલિઝ એન્ટરટેઇન્મેન્ટ બેનર હેઠળ ગૌરી ખાન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે.
હજુ આ સિરીઝનું નામ જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ મહત્વની વાત એ છે કે આ સિરીઝ શાહરુખના દિકરા આર્યન ખાન દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે. આ અંગે ઇન્ડસ્ટ્રીના ઘણા લોકોએ ઉત્સાહપૂર્વક પ્રતિભાવો આપ્યા હતા.
તેમાંથી કંગનાના પ્રતિભાવે ઘણાનું ધ્યાન ખેંચ્યું છે. આ અનાઉન્સમેન્ટ બાદ કંગના રણૌતે પોતાના ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી હતી અને લખ્યું હતું, “ફિલ્મ પરિવારમાંથી આવતા બાળકો મેક અપ કરીને વજન ઘટાડીને તૈયાર થઇને પોતાની જાતને એક્ટર માને તેના કરતાં આ બધાંથી પરે જાય એ બહુ સારી વાત છે.”આર્યને જે પ્રકારની કૅરિઅર પસંદ કરી છે તે અંગે વખાણ કરતાં કંગનાએ લખ્યું, “આપણે એકસાથે મળીને ભારતીય સિનેમાના ધોરણોનું સ્તર ઉપર લઈ જવાની જરૂર છે, તેની હાલ ખાસ જરૂર છે.
જેમની પાસે બધી જ સુવિધાઓ છે, તેઓ મોટાભાગે સરળ રસ્તો અપનાવી લે છે. આપણે કૅમેરાની પાછળ સારા લોકોની જરૂર છે. એ સારી બાબત છે કે આર્યન ખાન ઓછો જાણીતો રસ્તો અપનાવી રહ્યો છે. તેની લેખક અને ડિરેક્ટર તરીકે તેના પ્રવેશની રાહ જોઈએ છીએ.” શાહરુખ, સુહાના અને ગૌરી સહિત અનેક જાણીતા લોકોએ આર્યનને શુભેચ્છાઓ આપી હતી.SS1MS