રાજ્યપાલે મને દિકરીની જેમ સાંભળી છેઃ કંગના
કંગનાએ મને ન્યાય મળશે તેવી આશા વ્યક્ત કરી-શિવસેના સાથે ચાલી રહેલી ગરમા ગરમી વચ્ચે બોલિવૂડ એક્ટ્રેસ કંગનાએ રાજ્યપાલ કોશ્યારી સાથે મુલાકાત કરી
મુંબઇ, મહારાષ્ટ્ર સરકાર અને શિવસેના સાથે ચાલી રહેલી ગરમા ગરમી વચ્ચે કંગના રનૌટ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીની રવિવારે મુલાકાત લીધી છે. આ મુલાકાત આશરે ૪૫ મિનિટ ચાલી. આ દરમિયાન એક્ટ્રેસે રાજ્યપાલ સામે તેનો મુદ્દો રાખ્યો હતો. મુલાકાત બાદ કંગના રનૌટે કહ્યું, ‘મે મહારાષ્ટ્રનાં રાજ્યપાલની મુલાકાત લીધી હતી.
મારી સાથે જે અન્યાય થયો છે મે તેનાં વિશે વાત કરી હતી. મને આશા છે કે, મને ન્યાય મળશે. જેથી અમારા દેશનાં લોકોને સિસ્ટમ પર વિશ્વાસ કાયમ રહે. મારું સૌભાગ્ય છે કે, રાજ્યપાલજીએ મને તેમની દીકરીની જેમ સાંભળી અને સહાનુભૂતિ આપી.’ ઉલ્લેખનીય છે કે, કંગના રનૌટ ૯ સપ્ટેમ્બરનાં મુંબઇવાળા ઘરે આવી હતી અને ૧૪ સપ્ટેમ્બરનાં મુંબઇથી મનાલી પરત જતી રહેશે.
એક્ટ્રેસે આરોપ લગાવ્યો હતો કે, શિવસેના સાથે ટકરાવનાં કારણે મહારાષ્ટ્ર સરકાર તેને નિશાન બનાવી રહ્યાં છે. શિવસેના નીત બીએમસીએએ બુધવારે તેનાં બાન્દ્રા સ્થિત ઓફિસમાં કરવામાં આવેલાં અવૈધ નિર્માણને તોડી પાડ્યું છે. જોકે, બોમ્બે હાઇકોર્ટે બાદમાં બીએમસીની કાર્યવાહી પર રોક લગાવવાનો આદેશ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, મુંબઇ પોલીસ અને મહારાષ્ટ્ર અંગે કંગનાનાં એક હાલનાં જ નિવેદને વિવાદ ઉભો કરી દીધો છે. તેણે દાવો કર્યો હતો કે, તે મુંબઇમાં અસુરક્ષિત અનુભવું છું. જે બાદ શિવસેનાનાં નેતા સંજય રાઉતે તેને મુંબઇ પરત ન આવવા કહ્યું, રાઉતનાં આ નિવેદન બાદ એક્ટ્રેસે મુંબઇની સરખામણી પાકિસ્તાનનાં કબ્જાવાળા કાશ્મીર (પોક) સાથે કરી હતી.