કંગના રણૌતને થપ્પડની ઘટનાથી બોલિવૂડ બે ફાંટામાં વહેચાયું
મુંબઈ, અભિનેત્રીમાંથી તાજી રાજકારણી બનેલી કંગના રણૌત લોકસભાની ચૂંટણીમાં હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી જીત્યા બાદ ચંદીગઢથી દિલ્હી જઈ રહી હતી ત્યારે ચંદીગઢ એરપોર્ટ પર એક સીઆઈએસએફ મહિલાકર્મીએ ઝાપટ મારી દીધી હતી.
ત્યાર બાદ કંગનાએ એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યાે અને લોકોના પ્રતિભાવ આવવાના શરૂ થઈ ગયા હતા. સામે મહિલા સુરક્ષાકર્મી કુલવિંદર કૌર વિરુદ્ધ પગલાં પણ લેવાયા હતા. આ ઘટના બાદ શબાના આઝમી અને અનુપમ ખેર જેવા કલાકારોએ આ ઘટનાની ટિકા કરી હતી. હવે આ ટીમમાં કંગનાનો કહેવાતો એક્સ બોયફ્રેન્ડ હ્રિતિક રોશન અને આલિયા ભટ્ટ પણ જોડાયા છે.
રવિવારે એક પત્રકાર ફેયી ડિસોઝાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં લખ્યું હતું, “એમપી કંગના રણૌત સાથે એરપોર્ટ પર ઝાપટ મારવાની ઘટના સંદર્ભે, હિંસા ક્યારેય જવાબ હોઈ શકે નહીં. ખાસ કરીને આપણા દેશમાં જેનો જન્મ જ ગાંધીના અહિંસાના મૂલ્યોથી થયો છે.
આપણે કોઈના મત કે નિવેદનોથી ગમે તેટલાં અસહમત હોઈએ, તેનાથી કોઈ ફરક પડતો નથી. આપણે હિંસાથી તેનો જવાબ ન આપી શકીએ અને તેને કોઈ સ્થિતિમાં સમર્થન આપી શકીએ નહીં. ખાસ કરીને કોઈ વર્દીધારી સુરક્ષાકર્મી જ્યારે હિંસાત્મક પગલું લે છે તે વધુ ખતરનાક છે.
કલ્પના કરો કે, છેલ્લા દસ વર્ષમાં આપણામાંથી જેણે પણ સત્તા સામે પ્રશ્ન ઉઠાવ્યો છે, તેને સરકારના સમર્થનમાં રહેલાં એરપોર્ટના કોન્સ્ટેબલ દ્વારા પરેશાન કરવામાં આવ્યા હોત તો..” આ પોસ્ટને આલિયા ભટ્ટ, હ્રિતિક રોશન, સોની રાઝદાન, ઝોયા અખ્તર, સોનાક્શી સિંહા, અર્જૂન કપુર જેવા અનેક લોકોએ લાઇક કરી હતી.
જ્યારે સંગીતકાર અને ગાયક વિશાલ દદલાણીએ આ ઘટના સંદર્ભે પોતાની ઇસ્ટાગ્રામ સ્ટોરીમાં કંગનાનો વીડિયો શેર કરીને લખ્યું હતું, “હું ક્યારેય હિંસાને ટેકો આપતો નથી.
પરંતુ હું આ સીઆઈએસએફ કર્મચારીના ગુસ્સાને સારી રીતે સમજું છું. જો સીઆઈએસએફ દ્વારા તેની વિરુદ્ધ કોઈ પણ પગલાં લેવાશે તો હું ખાતરી આપીશ કે તેના માટે એક નોકરી રાહ જોતી હોય, જો એને કરવાની ઇચ્છા હોય તો.
જય હિંદ, જય જવાન, જય કિસાન.” હવે ગાયિકા સોના મહાપાત્રાએ એક્સ પર વિશાલ દાદલાણીનાં નિવેજન સંદર્ભે એક પોસ્ટ કરીને કંગનાને ટેકો જાહેર કર્યાે છે.
સોનાએ પહેલાં એક ટ્વીટ પર પોતાનું રિએક્શન આપ્યું હતું. આ ટ્વીટમાં લખ્યું હતું, “લોકપ્રિય ગાયક અને સંગીતકાર વિશાલ દાદલાણીએ સીઆઇએસએફ ઓફિસર કુલવિંદર કૌરને નોકરીની ઓફર આપી છે, જેણે કંગના રણૌતને પોતાની જગ્યા બતાવી દીધી હતી. એ બોલિવૂડનું એવું રત્ન છે જે ક્યારેય કોઈ સામે ઝૂક્યા નથી. ખુબ સન્માન.”SS1MS