બાહુબલિને ટક્કર મારે તેવી ‘કાંગુવા’માં બે અલગ-અલગ સમયનો ઈતિહાસ રજૂ થશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/05/kanguva-1024x576.jpg)
સૂર્યા અને બોબીનો એક્શન સીક્વન્સ ૧૦,૦૦૦ આર્ટિસ્ટ સાથે શૂટ થયો
મુંબઈ, સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હિસ્ટ્રી અને માઈથોલોજીનું કોમ્બિનેશન કરવાની અનોખી આવડત છે, જેના શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે ‘બાહુબલિ’નું નામ લેવાય છે. ઈતિહાસ અને ધર્મ સાથે સંકળાયેલા વિષય પર બોલિવૂડમાં ફિલ્મ બને તો તેની હાલત ‘આદિપુરુષ’ જેવી થાય છે.
સાઉથમાં હિસ્ટ્રી અને માઈથોલોજીના આધારે ‘બાહુબલિ’ને પણ ટક્કર મારે તેવી ફિલ્મ બનાવવાનો પ્રયાસ થયો છે. સૂર્યા અને બોબી દેઓલને લીડ રોલમાં દર્શાવતી ‘કાંગુવા’માં યુદ્ધના દૃશ્યોમાં વાસ્તવિકતા લાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ થયો છે. આ ફિલ્મના એક્શન સીક્વન્સ માટે બોબી અને સૂર્યાએ ૧૦,૦૦૦ કલાકારો સાથે શૂટિંગ કર્યું હોવાનું કહેવાય છે.
‘કાંગુવા’માં ઓરિજિનલ કન્ટેન્ટ, થ્રિલિંગ બેકગ્રાઉન્ડ અને મ્યૂઝિક જેવા પાસાથી નવી દુનિયાની ઝલક આપવાનો પ્રયાસ થયો છે. ફિલ્મને ઈન્ટરનેશનલ ક્વોલિટીની બનાવવા માટે દરેક સીનમાં ખાસ ધ્યાન રખાયું છે. કાંગુવામાં ઈતિહાસના બે અલગ-અલગ સમયગાળાને દર્શાવાયા છે. એક સમય તો પ્રાગ-ઐતિહાસિક સમયનો છે. આ બંને સમયગાળાને અનુરૂપ ફિલ્મના સેટ અને એક્ટર્સના દેખાવ તૈયાર કરાયા છે.
આ ઉપરાંત બંને સમયગાળામાં દિલધડક યુદ્ધના દૃશ્યો પણ છે. વોર-થીમનો રીયલ એક્સપિરિયન્સ મળી રહે તે માટે બંને સમયના યોદ્ધાઓ પાસે અલગ-અલગ પ્રકારના હથિયાર પણ રખાયા છે. ફિલ્મના પ્રોડક્શન સાથે સંકળાયેલા સૂત્રોએ વોર સીક્વન્સ અંગે જણાવ્યું હતું કે, આ ફિલ્મમાં મુખ્ય આકર્ષણ મહા યુદ્ધનું છે. ભારતીય ફિલ્મ જગતમાં કદાચ પહેલી વાર ૧૦,૦૦૦થી વધુ આર્ટિસ્ટ સાથેનો વોર સીક્વન્સ આ ફિલ્મમાં જોવા મળશે.
બોબી દેઓલ અને સૂર્યાને ૧૦,૦૦૦ લોકો સાથે લડતા જોઈ શકાશે. એક્શન અને સ્ટન્ટને વધારે અસરકારક રીતે દર્શાવવા ઈન્ટરનેશનલ એક્સપટ્ર્સની મદદ પણ લેવામાં આવી છે. આ ફિલ્મને સમગ્ર વિશ્વમાં રિલીઝ કરવા માટે ટોપ ડિસ્ટ્રિબ્યુશન હાઉસ સાથે કરાર થયા છે. ફિલ્મની રિલીઝ ડેટ અંગે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ જૂન મહિનામાં થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ઓગસ્ટ સુધીમાં ફિલ્મને રિલીઝ કરવાનો પ્લાન છે, પરંતુ તે પહેલા ફિલ્મ માટે ઉત્સુકતા ઊભી કરવા દરેક સ્તરે પ્રયાસ થશે.