પૂજ્ય સંતશ્રી કાનજીબાપા ઓમ શ્રી હરિધામ, લક્ષ્મીપુરાકંપા ગુરુપૂર્ણિમા મહોત્સવ યોજાયો
(પ્રતિનિધિ)ખેડબ્રહ્મા, અષાઢ સુદ પૂનમ એટલે ગુરુપૂર્ણિમા જેને આપણે વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખીએ છીએ. ઓમ શ્રી હરિધામ લક્ષ્મીપુરા કંપા મુકામે ભાવભક્તિ અને શ્રદ્ધા સાથે બ્રહ્મલીન સંત શિરોમણી પૂજ્ય શ્રી કાનજીબાપાના સાડા ત્રણસોથી પણ વધુ સંખ્યામાં ગુરુ ભાઈ બહેનો એકઠા થયા હતા. સવારના ૭ઃ૩૦ કલાકે સૌ શિષ્ય ભાઈઓ સજોડે વારાફરતી ગુરુદેવનું આરતી પૂજન કર્યું હતું.
ઓમશ્રી હરિધામના પ્રમુખશ્રી ઈશ્વરભાઈ કે પટેલ અને મંત્રી શ્રી નરોત્તમભાઈ એમ પટેલ દ્વારા પધારેલ સૌ ગુરુ ભાઈ બહેનોનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સત્સંગની સરવાણી રજૂ કરતા જલારામ ભક્તને ખેડબ્રહ્મા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી અરવિંદભાઈ ઠક્કર દ્વારા પોતાની આગવી કાઠીયાવાડી ભાષામાં જ્ઞાન પીરસ્યું હતું. સબલપુર થી પધારેલ તુલસીભાઈ એ પણ પોતાની વાણીનો લાભ આપ્યો હતો.
મોડાસાથી પધારેલ સરસ્વતી હાઈસ્કૂલ ના પૂર્વ ગુરુજી રમેશભાઈ ચૌધરી સાહેબે પોતાની અમૂલ્ય વાણીનો લાભ આપ્યો હતો. ત્યારબાદ જ્યોતિ હાઈસ્કૂલ,ખેડબ્રહ્મા ના આચાર્યશ્રી સુરેશભાઈ પટેલ સાહેબે બધા જ પાસાને આવરીને વાસ્તવિક સત્સંગ દ્વારા સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. ગુરુ હી બ્રહ્મા બના સકતે હૈ, ઘટમેં જ્યોત જગા સકતે હૈ.. ગુરુ કરે ભવ પાર, તું જપલે નામ હરી.
ચાર કલાક સુધી ચાલેલ કાર્યક્રમમાં સતત સંગીતમય માહોલમાં બહેનો દ્વારા ગુરુ વંદના કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું લાઇવ વિડિયો રેર્કોડિંગ મોહનપુરા થી પધારેલ હરિભક્ત શ્રી અશોકભાઈ દ્વારા કરવામાં આવેલ.
ગુરુ મહારાજ ના દીકરા ભીમજીભાઇ, મુખીશ્રી રતિભાઈ અને છગનભાઈની ઉપસ્થિતિની વિશેષ નોંધ લેવામાં આવેલ. આભાર દર્શન તાદલીયા કંપાના મુખી મહારાજ શ્રી વિનુભાઈ દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમને અંતે ખેડબ્રહ્માના શ્રી અરવિંદભાઈ ઠક્કરના હાથે તૈયાર થયેલ ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો અને સૌ તૃપ્ત થયા હતા.