કાંકરિયાની પુરોહિત હોટેલના શાકમાંથી ઈયળ નીકળી : કોર્પોરેશને સીલ કરી
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ, ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટનાં ફૂડમાંથી જીવાત નીકળવાની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે. ત્યારે ફરી એકવાર રેસ્ટોરન્ટમાંથી મંગાવવામાં આવેલા ફૂડમાંથી ઈયળ નીકળી હોવાનું સામે આવ્યું છે. ખોખરા વોર્ડના ભાજપના કોર્પોરેટરની ઓફિસમાં કામ કરતા કર્મચારીઓએ ઓનલાઈન એપ પરથી ફૂડનો ઓર્ડર કર્યો હતો.
કાંકરિયા પુષકુંજ પાસે આવેલી પુરોહિત હોટલ એન્ડ રેસ્ટોરન્ટમાંથી શાક રોટલી જમવામાં મંગાવી હતી. જેમાં શાકમાંથી ઈયળ નીકળી હતી. જેથી આ મામલે તેઓએ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરી કરતા મોડી સાંજે હોટેલ સીલ કરવામાં આવી હતી.
ખોખરા વોર્ડના ભાજપના કોર્પોરેટરની ઓફિસમાં કામ કરતા ભરતભાઈ પટેલે આ ઘટના અંગે જણાવ્યું હતું કે, સોમવાર સવારથી ઓફિસમાં બેસીને અમે કામ કરી રહ્યાં હતાં. વરસાદ હોવાના કારણે ઘરેથી ટિફિન આવ્યું નહોતું. જેના કારણે તેઓએ ત્રણ વ્યક્તિઓ માટે ઓનલાઈન ફૂડ એપ ઝોમેટો પરથી ખાવાનો ઓર્ડર કર્યો હતો. કાંકરિયા વિસ્તારમાં પુષ્પકુંજ નજીક આવેલી પુરોહિત હોટલ એન્ડ રેસ્ટોરન્ટમાંથી ઓનલાઇન શાક રોટલી મંગાવી હતી.
જે શાક રોટલી આવ્યા બાદ તેને થાળીમાં કાઢી હજી તો ખાવાની શરૂઆત કરી ત્યારે તરત જ શાકમાં જોયું તો ઈયળ જેવું દેખાયું હતું. જેથી ધ્યાનથી જોતા શાકમાં ઈયળ જોવા મળી હતી. તમામ લોકોએ ખાવાનું સાઈડમાં રાખી દીધું હતું. એક બે વખત ઉબકા જેવું પણ થયું હતું. ખાવામાંથી ઇયળ નીકળી હોવાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને ફરિયાદ કરી હતી.
ઓનલાઇન નંબર પર ફરિયાદ નોંધાવી છે. ફૂડ વિભાગની ટીમ દ્વારા હોટલ રેસ્ટોરન્ટ સામે મોડી સાંજે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ સ્વચ્છતા સહિત અન્ય નિયમોનું પાલન થતું ન હોવાના કારણોસર હોટેલ સીલ કરી હતી.