કાંકરિયા કાર્નિવલની મજા બગડી: અમદાવાદના ઘણા વિસ્તારમાં માવઠું
(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં હાલ હવામાનમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે અમદાવાદ શહેરમાં હવે કમોસમી વરસાદે માજા મૂકી છે. શહેરના મણિનગર વિસ્તારમાં અચાનકથી કમોસમી વરસાદ પડ્યો છે.
જેમાં કાંકરિયામાં કાર્નિવલમાં પણ કમોસમી વરસાદને કારણે લોકોના રંગમાં ભંગ પડ્યો હતો. સાથે જ અમદાવાદના ઈસનપુર તેમજ કાલુપુર વિસ્તારમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે.
ગુરૂવારે સવારથી જ અમદાવાદમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી ૩ દિવસ ગુજરાતમાં માવઠું પડવાની શક્યતા છે. કાંકરિયા કાર્નિવલમાં વરસાદ પડતા ત્યાં આવેલા લોકોની મજા બગડી હતી. એક તરફ ઠંડી અને બીજી તરફ અચાનકથી વરસાદ પડતા લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. લોકોને ન છૂટકે ભીના થવું પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી.
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં કમોસમી વરસાદનું અચાનક મોડી સાંજે આગમન થયું છે. મણિનગર, કાંકરિયા, અમરાઈવાડીમાં વરસાદી છાંટા પડ્યા. તો સીટીએમ, ઈસનપુર, જશોદાનગરમાં વરસાદી છાંટા અનુભવાયા. પૂર્વ વિસ્તારમાં માવઠું થતા જનજીવન ખોરવાયું છે. માવઠાના કારણે કાંકરિયા કાર્નિવલ માણવા પહોંચેલા લોકો ઘર તરફ પાછા ફર્યા હતા. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલે પણ કમોસમી વરસાદ આવી શકે છે. તો બીજી તરફ, પાટનગર ગાંધીનગરમાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે.