Western Times News

Gujarati News

કાંકરિયા કાર્નિવલમાં અક્ષર ટ્રાવેલ્સને ત્રણ વર્ષમાં રૂ.૯૬ લાખ ચુકવાયા

કાર્નિવલનું આયોજન કેટલાક કલાકારો અને એજન્સીઓની તિજોરી ભરવા માટે થઈ રહયું છે. -છેલ્લા પાંચ કાર્નિવલમાં કલાકારોને રૂ.૩ કરોડ ૩પ લાખ કરતા વધુ રકમ ચુકવાઈ

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાના-મોટા કરદાતાઓ પાસેથી દાદાગીરી કરી કરવેરા ઉઘરાવવામાં આવે છે અને તે રકમ કાર્નિવલો, ઉત્સવ-મહોત્સવ પાછળ ખર્ચ થાય છે તેવા આક્ષેપો સતત થતા રહયા છે. કાંકરિયા કાર્નિવલમાં જે રીતે ખર્ચ થઈ રહયા છે તે જોતા આક્ષેપો ક્યાંક સાચા પણ સાબિત થાય છે. Kankaria Carnival paid Rs.96 lakh to Akshar Travels in three years

કાંકરિયા કાર્નિવલમાં કલાકારોને મહેનતાણા રૂપે જે રકમ આપવામાં આવે જે ઘણી વધારે છે પરંતુ તેનાથી પણ વધારે રકમ માત્ર એજન્સી તરીકે કામ કરતા અક્ષર ટ્રાવેર્લ્સને ચુકવવામાં આવી રહી છે. માત્ર ત્રણ જ કાર્નિવલમાં અક્ષર ટ્રાવેલ્સને લગભગ ૧ કરોડ જેટલી માતબર રકમ ચુકવવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

શહેરના ઐતિહાસિક કાંકરિયા તળાવના નવિનીકરણ બાદ તેના લોકાર્પણ સમયે તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દર વર્ષે કાર્નિવલ કરવાની જાહેરાત કરી હતી તે પરંપરા હજી સુધી પણ યથાવત છે. ર૦૦૮ થી ર૦ર૩ સુધી માત્ર બે જ વર્ષ કોરોના કાળના કારણે કાર્નિવલનું આયોજન થયું ન હતું. સામાન્ય રીતે માનવામાં આવે છે કે કાર્નિવલનું આયોજન પ્રજાના આનંદ પ્રમોદ માટે થાય છે પરંતુ ખર્ચના આંકડા જે રીતે બહાર આવ્યા છે

તે જોતા એમ લાગી રહયું છે કે આ કાર્નિવલનું આયોજન કેટલાક કલાકારો અને એજન્સીઓની તિજોરી ભરવા માટે થઈ રહયું છે. મ્યુનિ. કોર્પોરેશનના અનેક કોન્ટ્રાકટ ધરાવતા અક્ષર ટ્રાવેલ્સ પ્રા.લિ.ને કે જેને કાર્નિવલ સાથે કોઈ નિસબત જ ન હોય તેવી એજન્સીને પણ માત્ર ૩ કાર્નિવલમાં જ ૯૬ લાખ રૂપિયા ચુકવાયા છે. કાર્નિવલ સાથે સંકળાયેલ લોકોનું માનીએ તો સ્ટેજ પર જે સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે તેના આયોજક આયોજનનું કામ અક્ષર ટ્રાવેલ્સને મેયર ઓફિસ દ્વારા સોંપવામાં આવે છે અને અક્ષર ટ્રાવેલ્સને દરેક માત્ર આંગળી ચીંધવાના જ લાખો રૂપિયા આપવામાં આવે છે.

કાંકરિયા કાર્નિવલમાં દર વર્ષે અમુક કલાકારો કાયમી બની ગયા હોય તેમ લાગે છે અને દર વર્ષે તેમની ફીમાં પણ તોતીંગ વધારો કરવામાં આવે છે. ર૦૧૮માં જીગરદાન ગઢવીને રૂ.૩ લાખ ચુકવાયા હતા જયારે ર૦૧૯માં તેમને રૂ.૩ લાખ ૯૬ હજાર ચુકવાયા હતા એક વર્ષમાં જ અંદાજે રપ ટકાનો વધારો શા માટે ચુકવાયો તે બાબત પણ તપાસનો વિષય બને છે. કાંકરિયા કાર્નિવલની શરૂઆત થઈ તે સમયથી જ તેના હિસાબ માટે અનેક વખત ચર્ચાઓ થઈ છે

પરંતુ હજી સુધી કોઈ ચોકકસ હિસાબ જાહેર થયા નથી. મ્યુનિ. પબ્લીસીટી વિભાગ દ્વારા દર વર્ષે રૂ.૪ કરોડનો ખર્ચો થયો હોવાનું જણાવવામાં આવે છે પરંતુ રકમ ક્યાં ચુકવાય છે તેની કોઈ વિગતો હજી જાહેર થઈ નથી. ર૦રરમાં કલાકારોને રૂ.૯૧ લાખ ૭પ હજાર અને ર૦ર૩માં કલાકારોને જ રૂ.૧ કરોડ ર૬ લાખ ચુકવાયા હતાં જયારે ર૦૧૭ થી ર૦ર૩ દરમિયાન (કોરોના કાળને બાદ કરતા) પાંચ કાર્નિવલના આયોજન થયા છે જેમાં કલાકારોને ૩ કરોડ ૩પ લાખ જેટલી માતબર રકમ ચુકવવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.