કાંકરિયા ખાતે પોલીસ કંટ્રોલ રૂમ બનાવાયો: ઉચ્ચ અધિકારી સાથે પોલીસની ફોજ તહેનાત
કાંકરિયા કાર્નિવલમાં લોકોની સુરક્ષા માટે પોલીસ સ્ટેન્ડ બાય
અમદાવાદ, કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે કોઈ અમદાવાદી તેમજ વીવીઆઈપી ગેસ્ટ સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સાત દિવસ સુધી ખડેપગે તૈનાત છે. લાખોની સંખ્યામાં અમદાવાદીઓ કાંકરિયા કાર્નિવલની મજા માણવા માટે આવશે. જેમાં કેટલાક લાકો બદઈરાદા સાથે પણ આવતા હોય છે. કાર્નિવલમાં ખિસ્સા કાતરુઓનો દર વર્ષે આતંક જોવા મળે છે. ભીડનો લાભ લઈને ખિસ્સા કાતરુઓ લોકોના પર્સ, મોબાઈલ, તેમજ દાગીના ચોરી કરતા હોય છે.
ખિસ્સા કાતરુંઓથી સાવધાન રહેવા માટે પોલીસ દ્વારા જાણ પણ કરવામાં આવતી હોય છે. આ સાથે કાર્નિવલને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. જેથી કોઈ પણ માથાકૂટ થશે તો તેની હકીકત સામે આવી જશે. આ ાસથે ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીસની ફોજ કાંકરિયા કાર્નિવલમાં તૈનાત હશે. આજથી ૩૧ ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલને લઈને ટ્રાફિક-પોલીસ દ્વારા નો-પા‹કગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે
જેમાં કાંકરિયા ચોકી ત્રણ રસ્તા થઈ, રેલવે યાર્ડ થઈ, ખોખરા બ્રિજ, દેડકી ગાર્ડન, સિદ્ધિ વિનાયક હોસ્પિટલ, ચાર રસ્તા, મચ્છી પીર ચાર રસ્તા થઈ, પુષ્પકુંજ સર્કલ થઈ, અપ્સરા સિનેમા ચાર રસ્તા થઈ, ફૂટબોલ ચાર રસ્તા થઈ, લોહાણા મહાજનવાડી થઈ પરત કાંકરિયા ચોકી સુધીના સર્કલ પર તેમજ સમગ્ર કાંકરિયા તળાવ ફરતે ટુ-વ્હીલરથી ઉપરના કોઈપણ પ્રકારના વાહનો સ્ટોપ થઈ શકશે નહીં.
તમામ વાહનો નિર્ધારિત પાર્કિંગ જગ્યા સિવાય બીજી કોઈ પણ જગ્યાએ પાર્ક થઈ શકશે નહીં. સમગ્ર કાંકરિયા તળાવ ફરતે સર્કલ રોડ ટુ લેનમાં હોવા છતાં કોઈપણ જગ્યાથી યુ ટર્ન લઈ શકાશે નહીં. આ સમગ્ર વિસ્તારને નો યુ ટર્ન ઝોન તરીકે જાહેર કરાયો છે કાર્નિવલમાં સુરક્ષાના હેતુસર અલગ અલગ જગ્યા પર સીસીટીવી કેમેરા, કંટ્રોલ રૂમ, જરૂરી પોલીસ બંદોબસ્ત તેમજ ફાયર બ્રિગેડનો સ્ટાફ હાજર રહેશે.
જ્યારે કાંકરિયા કાર્નિવલ સહેલાણીથી ખીચોખીચ કરેલો હશે, જેના કારણે છેડતી તેમજ મહિલાઓને હેરાનગતિ ના થાય તે માટે પોલીસની શી ટીમ પણ એક્ટિવ મોડ પર છે. પોલીસની શી ટીમ સાદા કપડા પહેરીને કાંકરિયા કાર્નિવલમાં ફરજ નિભાવશે અને રોમિયોગીરી કરતા ટપોરી ઉપર નજર રાખશે. જો કોઈ ટપોરી અશ્લીલ ચેનચાળા કે છેડતી કરતો નજરે ચડશે તો તેની તરત જ ધરપકડ કરી લેવામાં આવશે અને તેની વિરૂદ્ધ કાર્યવાહી થશે.