સાવરકુંડલાનાં ભુવા ગામનાં કાંતિભાઈ અકબરીનો ગાય પ્રત્યેનો અનોખો પ્રેમ
વ્યક્તિની ગાયમાં અખૂટ શ્રદ્ધા
ગાયના મૃત્યુ પછી પણ અનેક લોકો શાસ્ત્રોક્ત વિધિ કરે છે, આવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે
ગાયના મૃત્યુ બાદ સમાધી આપી ૨૦૦ લોકોને ભોજન કરાવ્યું(સંપૂર્ણ સમાચાર સેવા)
અમરેલી,હિન્દુ સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. આજે ગામડામાં દરેક ઘરે ગાય જોવા મળે છે. એટલું જ નહીં ગાયને માતાની જેમ રાખવામાં આવે છે. ગાયના મૃત્યુ પછી પણ અનેક લોકો શાસ્ત્રોક્ત વિધિ કરે છે. આવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે.
ત્યારે અમરેલી જિલ્લામાં ગાય પ્રત્યેના પ્રેમનો અદ્ભુત કિસ્સો સામે આવ્યો છે. ભુવા ગામમાં ગાયના મૃત્યુ બાદ માલિકે ગાયને સમાધી આપી હતી. તેમ સત્સંગ અને જમણવારનું આયોજન કર્યું હતું. સાવરકુંડલાનાં ભુવા ગામનાં કાંતિભાઈ અકબરીનો ગાય પ્રત્યેનો પ્રેમ અનોખો છે. કાંતિભાઇએ ગાય રાખી હતી.
ગાયનું મૃત્યુ થતા ગાયને સમાધી આપવામાં આવી હતી. આ અંગે કાંતિભાઇએ જણાવ્યું હતું કે, આપણે માતાનું દૂધ બે કે ત્રણ વર્ષ સુધી પીએ છીએ. પરંતુ આ ગાયનું દૂધ ૧૬ વર્ષ સુધી પીધું હતું. આ ગાય મારા માતા સમાન હતાં. અંત સુધી ગાયને સાચવી હતી. ગાયનું ૨૫ વર્ષ અને ત્રણ મહિનાની ઉંમરે નિધન થયું હતું.
નિધન બાદ ગાયને સમાધી આપવામાં આવી હતી. તેમજ ગાયના સ્મરણાર્થે ભજન, ભોજન અને કિર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાંતિભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, ગાયની ઉંમર ૨૫ વર્ષની થઇ હતી. મોટી ઉંમરને કારણે ગાયને ઉભા રહેવામાં અને બેસી ગયા બાદ ઉભા થવામાં તકલીફ પડતી હતી. એટલે કે ઘોડી તૈયાર કરી હતી. આ ઘોડીની મદદથી ગાયને હલચલન કરાવવામાં આવતું હતું.
તેમજ બે સમય ગાયના પગ ગરમ પાણીથી ધોવામાં આવતા હતાં. આ ગાય પરિવારના સભ્યા સમાન હતી. ગાયના અંતિમ સમય સુધી તેની કાળજી લેવામાં આવી હતી. ગાયનાં મૃત્યુ બાદ કાંતિભાઇએ ધાર્મિક વિધિ કરી હતી. તેમજ કાંતિભાઇએ ગામમાં ૨૦૦ લોકોનું જમણવાર કર્યું હતું. તેમજ ગાયના સ્મરણાર્થે એક દિવસ કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાંતિભાઇના ગાય પ્રત્યેના પ્રેમની ભારે ચર્ચા થઇ હતી.ss1