9 વર્ષની હતી ત્યારથી આ યુવતી ચોરી કરતીઃ ગેંગ બનાવી લોકોને લૂંટતીઃ 25 ગુનામાં વોન્ટેડ
કપડવંજમાંથી કડીયા સાંસી ગેંગની મુખ્ય સૂત્રધાર સાથે ત્રિપુટી પકડાઈ -ગૂજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશનાં ૨૫ જેટલા ગુનામાં વોન્ટેડ હોવાનું ખુલ્યું
૨૫ જેટલા ગુનામાં વોન્ટેડ કડીયા સાંસી ગેંગની ત્રિપુટી પકડાઈ
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) કપડવંજ ટાઉન પોલીસે કપડવંજમાંથી આંતરરાજ્ય કડીયા સાંસી ગેંગની મુખ્ય સૂત્રધાર સાથે ત્રિપુટી મહિલાને પકડી લીધી છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશનાં ૨૫ જેટલા ચોરીના ગુનામાં ફરાર આ મહિલાઓ ખેડા જિલ્લા માં ગુનાને અંજામ આપે તે પહેલા જ પોલીસના હાથે ઝડપાઇ ગઈ છે.
આ તસ્કર મહિલાઓ નાના, મોટા શહેરોમાં બેંક, ATM પાસે પહેલા રેકી કરે અને બાદમાં નાણાં લઈને નીકળેલા વ્યક્તિની નજર ચૂકવી ચોરીને અંજામ આપતા હોવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. આવી ચોરી બાબતે સ્પેશિયલ તાલીમ પણ લીધી હોવાનો ઘટસ્ફોટ કર્યો છે.
મુખ્ય સૂત્રધાર યુવતી છે એ ૯ વર્ષની હતી ત્યારથી આવી રીતે ચોરીને અંજામ આપતી હોવાની હકીકત પ્રકાશમાં આવી છે. કપડવંજ ટાઉન પોલીસે આ પકડેલી ત્રણેય મહિલાઓને મહારાષ્ટ્ર પોલીસને સોંપવા માટે તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ કપડવંજ ટાઉન પોલીસના માણસો શહેરમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે બેંક પાસે ચોરી કરવાના આશયે રેકી કરવા ઉભેલી ત્રણ મહિલાઓ પોલીસના હાથે ઝડપાઈ હતી. શંકાજતા પોલીસે આ ત્રણેય મહિલાને પુછપરછ કરી હતી.
સૌપ્રથમ નામઠામ પુછતા આ ત્રણેય પોતાના નામ(૧) નીકીતા સજ્જનસિહ ભાનેરીયા (સીસોદીયા), (૨) દખોબાઈ વિજેન્દ્ર સીસોદીયા (૩) શબાના બ્રીજેશ સીસોદીયા (તમામ રહે.રાજગઢ, મધ્યપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું.
પોલીસે ટેકનીકલ સર્વેલન્સ, ઈગુજકોપ, હ્યુમન સોર્સથી તેમજ બીજા રાજ્યના પોલીસ વિભાગ સાથે સંકલનમાં રહીને તપાસ કરતા મોટી માહિતી બહાર આવી હતી. જેમાં આ ત્રણેય મહિલાઓ કડીયા સાંસી ગેંગની છે અને નીકીતા ભાનેરીયા નામની મહિલા આ ગેંગની મુખ્ય સૂત્રધાર આરોપી હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે આ ત્રણેયની અટકાયતી કરી કાયદેસરના પગલા ભર્યા હતા. તપાસમાં દેશના મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશનાં ૨૫ જેટલા ચોરીના ગુનામાં વોન્ટેડ હોવાનું બહાર આવ્યું હતું. કપડવંજ શહેરમાં બેંક પાસે રેકી કરી ચોરીની ફિરાકમાં ઊભા હતા ત્યારે પોલીસના હાથે આ ત્રણેય મહિલાઓ પકડાઈ ગઈ છે.
પોલીસ ઈન્ટ્રોગેશન દરમિયાન પકડાયેલી મહિલા મહારાષ્ટ્રના બે ગુના અને રાજસ્થાનનો એક ચોરીના ગુનોઓની કબુલાત કરી છે. આ ઉપરાંત ૨૫ જેટલા ચોરીના ગુનામાં પણ ભાગેડુ હોવાનું ધ્યાને આવતા પોલીસે આ ત્રણેય આરોપી મહિલાને મહારાષ્ટ્ર પોલીસને સોંપવા માટે તજવીજ હાથ ધરી છે.