દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબની કર્મભૂમિ એવા કરમસદ રેલવે સ્ટેશનનું 7 કરોડના ખર્ચે કરાયું નવીનીકરણ

રેલવે સ્ટેશનની ૧૦૦ મીટરની દિવાલ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલના જીવનની ઝાંખી પ્રદર્શિત કરવામાં આવી
વડોદરા ડિવિઝનમાં રૂ.૫૪ કરોડના ખર્ચે પાંચ રેલવે સ્ટેશનની કાયાપલટ: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું ઈ- લોકાર્પણ
Ahmedabad, ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે દેશના કુલ ૧૦૩ સહિત ગુજરાતના ૧૮ પુનર્વિકસિત અમૃત રેલવે સ્ટેશન્સનું લોકાર્પણ કર્યું હતું. અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત આ રેલવે સ્ટેશનોની રૂ.૧૧૦૦ કરોડના ખર્ચે કાયાપલટ કરવામાં આવી છે. જેના ભાગરૂપે દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ એવા આણંદ
જિલ્લાના કરમસદ રેલવે સ્ટેશનનો અંદાજે રૂ.સાત કરોડના ખર્ચે પુનર્વિકાસ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે આ રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી કરમસદ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. કરમસદ રેલવે સ્ટેશનની ૧૦૦ મીટરની દિવાલ પર સરદાર સાહેબના જીવનની ઝાંખી પ્રદર્શિત કરવામાં આવી છે.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ કરમસદ રેલવે સ્ટેશન ખાતે યોજાયેલા સમારોહમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ‘મેઈક ઈન ઈન્ડિયા‘ દ્વારા દેશમાં દરેક ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. વિદેશોમાં જે શ્રેષ્ઠ છે તેનું ભારતમાં નિર્માણ થઈ રહ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વમાં ભારતમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો એક નવો યુગ શરૂ થયો છે. દેશની ચારે દિશામાં આજે તમામ ક્ષેત્રોમાં વિકાસ થઈ રહ્યો છે. વંદે ભારત ટ્રેન આજે દેશની શોભા વધારી રહી છે.
આગામી સમયમાં ગુજરાત-મહારાષ્ટ્રને જોડતી બુલેટ ટ્રેનની સુવિધાઓ પણ ઉપલબ્ધ થવાની છે. દેશમાં રોડ નેટવર્ક, એરપોર્ટ અને રેલવેનો આધુનિક વિકાસ કરવામાં આવી રહ્યો છે તેમ જણાવતાં તેમણે કહ્યું કે, દેશમાં રેલવે સ્ટેશનના વિકાસમાં પરંપરા, વિરાસત અને મહાનુભાવોના વારસાનો સમાવેશ કરાયો છે, જેથી ભાવિ પેઢીને આપણા ભવ્ય વારસાનો પરિચય સતત રહે.
તેમણે ઉમેર્યું હતું કે, દેશમાં રેલ માળખાને આધુનિક અને સુવિધાયુક્ત બનાવવામાં આવી રહ્યું છે. ભૂતકાળમાં રેલ્વે સ્ટેશનોની ઓળખ ગંદકી, સમયસર રેલ સંચાલન ન થવું તેવી બની ગઈ હતી, પરંતુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઈચ્છાશક્તિ અને દ્રઢ સંકલ્પને પરિણામે આજે સમગ્ર દેશમાં રેલવેની કાયાપલટ થઈ રહી છે, જે દેશના ભવિષ્યને પ્રગતિના માર્ગે લઈ જશે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ભારત આજે વિશ્વની પાંચમી અર્થવ્યવસ્થા બનવા સાથે આગામી સમયમાં વિશ્વની ત્રીજી અર્થ વ્યવસ્થા બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે.
તેમણે કહ્યું કે ‘ઓપરેશન સિંદૂર‘માં ભારતીય સેનાઓએ અદ્ભુત કામગીરી કરી હતી. જે ‘વિકસિત ભારત‘ની ઓળખ બની છે. સ્વદેશી હથિયારો દ્વારા સેનાએ પડોશી દેશના માળખાને ધ્વસ્ત કર્યા હતા.જેને પરિણામે દેશના આધુનિક ટેક્નોલોજીથી સજ્જ હથિયારોની આજે વિશ્વના દેશોમાં માંગ ઊભી થઈ છે. રાજ્યપાલશ્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત @૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા સૌને પોતાની જવાબદારી ઈમાનદારીપૂર્વક નિભાવવા અનુરોધ કર્યો હતો.
ગુજરાતની ધરતીના પૂ.મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી અપાવી હતી. તો હાલમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે દરેક ક્ષેત્રમાં દેશની પ્રતિષ્ઠા અને સન્માન વધાર્યું છે તેમ રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું.
આણંદના સાંસદ શ્રી મીતેશભાઈ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં વિકસિત દેશ તરીકે ઝડપભેર આગળ વધી રહેલા ભારત દેશને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની નવી દિશા આપી છે, દેશના વિકાસમાં યોગદાન આપતી રેલવેને પણ વિકાસના આ પ્રવાહ સાથે જોડીને રેલવે સ્ટેશનોના આધુનિકીકરણની સાથે લોકો માટે વંદે ભારત જેવી આધુનિક ટ્રેનો પણ ઉપલબ્ધ બનાવી છે.
આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વની શ્રેષ્ઠ સેવાઓ દેશના નાનામાં નાના માનવી સુધી પહોંચે તે માટે કાર્ય કર્યું છે, તેના ફળ સ્વરૂપ આજે આપણું આ કરમસદ રેલવે સ્ટેશન આધુનિક સુવિધાઓથી સજ્જ થયું છે.
પશ્ચિમ રેલવેના ડી.આર.એમ. શ્રી રાજુ ભડકેએ સૌને આવકારતાં જણાવ્યું હતું કે, વડોદરા ડિવિઝનમાં સમાવિષ્ટ ૧૫ રેલવે સ્ટેશનો પૈકી આજે રૂ.૫૪ કરોડના ખર્ચે કરમસદ, ડાકોર, ડેરોલ, કોસંબા અને ઉતરાણ સહિત પાંચ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ અને આધુનિકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જે રેલ યાત્રીઓની સુવિધામાં વધારો કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશના રેલવે સ્ટેશન્સને વધુ સ્વચ્છ, સુંદર, સુરક્ષિત અને વધુ સુગમ્ય બનાવવામાં આવી રહ્યા છે. સ્ટેશન્સ પર વેઈટિંગ એરિયા, ટોઈલેટ, પ્લેટફોર્મ અને રુફિંગ, હરિયાળી તેમજ દિવ્યાંગજનો માટે સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે.
આવનાર સમયમાં જરૂરિયાત અનુસાર સ્ટેશન પર લિફ્ટ, એસ્કેલેટર, ફ્રી Wi-Fi સહિતની સુવિધાઓ પણ ઉમેરવામાં આવશે. સ્ટેશન્સના પુનર્વિકાસમાં સ્થાનિક સંસ્કૃતિનો રંગ ભળે તેવો પ્રયાસ પણ થયો છે. ઘણા સ્ટેશન્સ પર ‘વન સ્ટેશન – વન પ્રોડક્ટ’ યોજના હેઠળ સ્થાનિક પ્રોડક્ટ્સના વેચાણ માટેના કિઓસ્ક ઉભા કરવાનું પણ આયોજન છે.
રાજસ્થાનના બિકાનેરથી વડાપ્રધાનશ્રીના લાઈવ પ્રસારણને રાજ્યપાલશ્રી સહિત મહાનુભાવોએ નિહાળ્યું હતું. આ પ્રસંગે સરદાર સાહેબના પરિજન શ્રી સમીર પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ, કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી, પદાધિકારીઓ, અગ્રણીઓ, રેલ્વેના અધિકારી, કર્મીઓ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.