Western Times News

Gujarati News

એરપોર્ટ પર બોગસ ફ્રેન્ચ પાસપોર્ટ સાથે કરમસદના યુવકની ધરપકડ

અમદાવાદ, એરપોર્ટ પર બોગસ ફ્રેન્ચ પાસપોર્ટ સાથે કરમસદના યુવકની ધરપકડ કરવામાં આવી છે. યુવકની પૂછપરછ કરતા તેણે ૩ લાખ રૂપિયા આપી મહારાષ્ટ્રના બે એજન્ટો પાસેથી ફ્રેન્ચ પાસપોર્ટ બનાવડાવ્યો હતો.

આ મામલે એરપોર્ટ પોલીસે યુવકના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મંજુરઇલાહી ગુલામનબી મલીક ઇમિગ્રેશન ઓફિસર તરીકે ફરજ બજાવે છે. ૨૩ એપ્રિલ ૨૦૨૫ના રોજ રાત્રે તેઓ પોતાની ફરજ પર હાજર હતા. ત્યારે ઇમિગ્રેશન કાઉન્ટર નંબર ૧૭ પર અમદાવાદથી દોહા જતી કતાર એરવેઝ ફ્લાઇટના પેસેન્જરનું ઇમિગ્રેશન થઇ રહ્યું હતું.

ત્યારે ત્યાં આણંદ જિલ્લાના કરમસદ ખાતે રહેતો જેવિન સંજયભાઇ પટેલ આવ્યો હતો. તેનો પાસપોર્ટ ચેક કરતા ફ્રેન્ચ પાસપોર્ટ હતો. પરંતુ પાસપોર્ટ જોતા જ તે ખોટો હોવાનું પ્રાથમિક રીતે જણાઇ આવ્યું હતું. ઉપરાંત તેમાં ઇમિગ્રેશનનો સિક્કો અને ઇ વિઝા બનાવવામાં આવ્યા હતા તે પણ ફેક જણાઇ આવ્યા હતા. જેથી આ મામલે ઇમિગ્રેશન અધિકારીએ જેવિને સાઇડમાં લઇ જઇ પૂછપરછ કરી હતી.

તેની કડકાઇથી પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, આ ફ્રેન્ચ પાસપોર્ટ તેણે મહારાષ્ટ્રના મોહમદભાઇ અને ઇરફાન પાસે બનાવ્યો હતો અને તેના પેટે તેમને ૩ લાખ રૂપિયા ચૂકવી આપ્યા હતા. આ જ પાસપોર્ટ પર તેણે કેનેડિયન ઇ વિઝા પણ એપ્લાય કરી દીધા હતા.

આવી હકીકત બહાર આવ્યા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી એરપોર્ટ પોલીસ ત્યાં આવી ગઇ હતી. આ મામલે ઇમિગ્રેશન અધિકારીએ જેવિન સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ આદરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.