1,750 કરોડના IPO માટે સેબી સાથે ડ્રાફ્ટ પેપર ફાઇલ કર્યાં કરમતારા એન્જિનિયરીંગે
પાવર ટ્રાન્સમીશન કંપની કરમતારા એન્જિનિયરીંગે પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) દ્વારા રૂ. 1,750 કરોડ એકત્રિત કરવા માટે બજાર નિયામક સેબી પાસે પેપર્સ ફાઇલ કર્યાં છે.
ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) મૂજબ આ પ્રસ્તાવિત આઇપીઓ રૂ. 1,350 કરોડના મૂલ્યના શેર્સનો ફ્રેશ ઇશ્યૂ તથા પ્રમોટર્સ દ્વારા રૂ. 400 કરોડના મૂલ્યના શેર્સનો ઓફર ફોર સેલ (ઓએફએસ) સામેલ છે. ઓએફએસના ભાગરૂપે પ્રમોટર્સ તનવીર સિંઘ અને રાજીવ સિંઘ પ્રત્યેક રૂ. 200 કરોડના શેર્સ ઓફલોડ કરી રહ્યાં છે.
એકંદરે પ્રમોટર્સ હાલ કંપનીમાં 94.8 ટકા હિસ્સો ધરાવે છે. ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત રૂ. 1,050 કરોડનો ઉપયોગ દેવાની ચૂકવણી તથા કેટલાંક હિસ્સાનો ઉપયોગ કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરાશે.
કરમતારા એન્જિનિયરીંગ રિન્યૂએબલ એનર્જી અને ટ્રાન્સમીશન લાઇન્સ સેક્ટર્સ માટે પ્રોડક્ટ્સના બેકવર્ડ ઇન્ટિગ્રેટેડ ઉત્પાદક છે. તે વિવિધ પ્રોડક્ટનો પોર્ટફોલિયો ઓફર કરે છે, જેનાથી તે સોલર સ્ટ્રક્ચર્સ (ફિક્સ્ડ-ટિલ્ટ અને ટ્રેકર્સ) માટે વન-સ્ટોપ શોપ છે.
કંપની ટ્રાન્સમિશન લાઇન માટે લેટીસ સ્ટ્રક્ચર્સ, સોલાર, વિન્ડ, ટ્રાન્સમિશન અને ઔદ્યોગિક ક્ષેત્રો માટે ફાસ્ટનર્સ અને ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન હાર્ડવેર ફિટિંગ અને એસેસરીઝ ઓફર કરે છે.
કંપનીના ડ્રાફ્ટ પેપર્સ મૂજબ તે વિન્ડ ટર્બાઇન માટે ટ્યુબલર ટાવર્સના નિર્માણ માટે ઉત્પાદન એકમ સ્થાપીને પવન ઊર્જા ક્ષેત્રે પ્રવેશી રહ્યું છે, જે નાણાકીય વર્ષ 2026ના પ્રથમ ક્વાર્ટર સુધીમાં કાર્યરત થવાની સંભાવના છે.
નાણાકીય વર્ષ 2024માં કંપનીનો પ્રોફિટ આફ્ટર ટેક્સ (પીએટી) રૂ. 102.65 કરોડ નોંધાયો હતો, જે તેના અગાઉના નાણાકીય વર્ષના રૂ. 42.36 કરોડની તુલનામાં બમણું છે. કંપનીની આવક વધીને રૂ. 2,425.15 કરોડ થઇ છે, જે નાણાકીય વર્ષ 2023માં રૂ. 1,600.31 કરોડ હતી.
જેએમ ફાઇનાન્સિયલ, આઇસીઆઇસીઆઇ સિક્યુરિટીઝ અને આઇઆઇએફએલ કેપિટલ બુક-રનિંગ લીડ મેનેજર્સ છે, જ્યારે કે અગાઉ લિંક ઇનટાઇમ ઇન્ડિયા તરીકે ઓળખાતા એમયુએફજી ઇનટાઇમ ઇન્ડિયા ઇશ્યૂના રજિસ્ટ્રાર છે.