Western Times News

Gujarati News

કરજણ તાલુકાના સખી મંડળે બનાવેલા ફરાળી આઇટમ્સે સોમનાથમાં ધૂમ મચાવી

સોમનાથ ખાતે ચાલતા સરસ મેળામાં અટાલીના સખી મંડળે નાખ્યો ફરાળી આઇટમ્સનો સ્ટોલ અને શિવભક્તોના દિલ જીતી લીધા

વડોદરા, કિલ્લાવાળા હનુમાનજી મેદાનમાં ગીર સોમનાથ વહીવટી તંત્ર દ્વારા પ્રાદેશિક સરસ મેળો-2023નું ઉત્તમ આયોજન થયું છે. આ મેળામાં સરકારશ્રીના પ્રયત્નો થકી સ્વસહાય જૂથો દ્વારા વિવિધ વસ્તુઓના વેચાણ થકી નાના ગૃહ ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે.

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના અટાલી ગામના ભટ્ટ સુનંદાબહેન અને તેમના પતિ ભટ્ટ પરેશભાઈ નવિનચંદ્ર પણ આ મેળામાં ફરાળી આઈટમ્સનો સ્ટોલ ધરાવે છે. જેમણે શ્રાવણ મહિનામાં દેવાધિદેવ મહાદેવની પાવન ધરામાં આવા ‘સરસ મેળા’ના આયોજન બદલ વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

કરજણ તાલુકાના અટાલી ગામના ભટ્ટ સુનંદાબહેન જય દશામાં સંખી મંડળ ચલાવે છે. જેમાં ૧૦ બહેનો સભ્ય તરીકે જોડાયા છે. વર્ષ ૨૦૦૯થી આ મંડળ કાર્યરત છે અને તેમના આ કામમાં પતિ ભટ્ટ પરેશભાઈ નવિનચંદ્ર પણ મદદ કરી રહ્યા છે. સુનંદાબહેન અને તેમના પતિ બટેટાની વેફર,

કેળાની મરી મસાલા વેફર, તીખો અને મોરો ચેવડો તેમજ ભરૂચની સિંગ જેવી ફરાળી આઈટમ્સ બનાવે છે અને વેંચાણ કરે છે. શ્રાવણ મહિનો હોવાના કારણે ભાવિકો દર્શનાર્થે આવે છે અને આ મેળાની મુલાકાત દરમિયાન ફરાળી આઈટમ્સની પણ ખરીદી કરી રહ્યા છે. જેથી સ્ટોલધારકોને ફાયદો મળી રહ્યો છે.

સુનંદાબહેન અને તેમના પતિ આ પહેલા મોરબી, સુરત વગેરે સ્થળોએ સરકારશ્રી દ્વારા યોજાતા મેળામાં ભાગ લઈ ચૂક્યા છે અને ખૂબ જ સારો પ્રતિસાદ મેળવી ચૂક્યા છે. પરેશભાઈએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, મારા ફરાળી સ્ટોલના માધ્યમથી હું સારૂ વેંચાણ કરી રહ્યો છું.

સરકારશ્રીના આવા પ્રયત્નોથી નાના ગૃહ ઉદ્યોગને પણ આર્થિક રીતે વેગ મળે છે અને પ્રગતિ સાધી શકે છે અને નફાનું પ્રમાણ પણ વધે છે. અહીં સરકાર તેમજ વહીવટી તંત્ર દ્વારા પણ ઉત્તમ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.