કાર આખી ટ્રકમાં ઘૂસી ગઈઃ 2 બાળકો સહિત 6 લોકોના મોત
કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 2 બાળકો સહિત 6 લોકોના મોત-તામિલનાડુથી ગુજરાત તરફ આવતી વખતે કર્ણાટકમાં ગમખ્વાર અકસ્માત
કર્ણાટકના કોપ્પલ જિલ્લાના કુશ્તગી તાલુકામાં રવિવારે સાંજે કાર અને ટ્રક સામ-સામે અથડાતા 2 બાળકો સહિત 6 લોકોના મોત નિપજ્યા છે. પોલીસે આ માહિતી આપતા જણાવ્યું કે, આ અકસ્માત રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કાલકેરી ગામ પાસે થયો હતો.
પોલીસે જણાવ્યું કે, ભારે જહેમત બાદ ક્રેનની મદદથી કારને ટ્રકના આગળના ભાગમાંથી બહાર કાઢવામાં આવી હતી અને તમામ મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે. આ ઘટના અંગે પોલીસે ગુનો નોંધ્યો છે. આ ગંભીર અકસ્માત પર શોક વ્યક્ત કરતા મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મૃતકોના નજીકના સંબંધીઓને બે-બે લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, તમામ મૃતકો વિજયપુરાના રહેવાસી હતા અને તેઓ કારમાં બેંગલુરુ જઈ રહ્યા હતા. જ્યારે ટ્રક તામિલનાડુથી ગુજરાત તરફ જઈ રહી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, આખે આખી કાર ટ્રકની આગળના ભાગમાં ઘૂસી ગઈ હતી.