મુસ્લિમ ક્વોટા બિલ કર્ણાટકના રાજ્યપાલે રાષ્ટ્રપતિને મોકલ્યું

બેંગલુરુ, કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે સરકારી કોન્ટ્રાક્ટમાં મુસ્લિમોને ચાર ટકા અનામતની જોગવાઈ કરતાં બિલને રાષ્ટ્રપતિની મંજૂરી માટે અનામત રાખ્યું છે.
રાજભવનના સૂત્રોના જણાવ્યા મુજબ ગેહલોતે બિલને રાષ્ટ્રપતિની મંજૂરી માટે અનામત રાખ્યું અને તેને કર્ણાટક કાયદા અને સંસદીય બાબતો વિભાગને મોકલ્યું છે.હવે રાજ્ય સરકાર બિલને મંજૂરી મેળવવા માટે રાષ્ટ્રપતિને ફાઇલ મોકલશે.
રાજ્ય સરકારને લખેલા પત્રમાં ગેહલોતે કહ્યું હતું કે ભારતનું બંધારણ ધર્મના આધારે અનામતની મંજૂરી આપતું નથી. ગવર્નર દ્વારા આ બિલને એવા સમયે રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવ્યું છે, જ્યારે ગવર્નરના વીટો પાવર અંગે સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણય બાદ ચર્ચા છેડાઈ છે.
ગયા મહિને, સિદ્ધારમૈયા સરકારે કર્ણાટક ટ્રાન્સપરન્સી ઇન પબ્લિક પ્રોક્યોરમેન્ટ્સ એક્ટમાં સુધારાને મંજૂરી આપી હતી. આ પછી તેને કર્ણાટક વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવ્યું. આ બિલની જોગવાઈઓ હેઠળ, મુસ્લિમોને રૂ.૨ કરોડ સુધીના કામોમાં અને રૂ. ૧ કરોડ સુધીના માલ/સેવાઓ સંબંધિત કામોમાં ચાર ટકા અનામત આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
જેમાં અનુસૂચિત જાતિના લોકો માટે ૧૭.૫ ટકા, અનુસૂચિત જનજાતિના લોકો માટે ૬.૯૫ ટકા, ઓબીસીની કેટેગરી-૧ માટે ૪ ટકા, કેટેગરી-૨-બી (મુસ્લિમ) માટે ૪ ટકા અનામત આપવામાં આવી છે. આ નિર્ણયનો ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ કરાયો છે.SS1MS