પશુ-પક્ષીઓની સારવાર-રક્ષા માટે તા. ૧૦ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન “કરૂણા અભિયાન-૨૦૨૫” હાથ ધરાશે
સવારે અને સાંજે પક્ષીઓ ખોરાક માટે વિચરતા હોય છે જેથી શક્ય હોય તો આ સમયે પતંગ ન ચગાવવા મંત્રીશ્રીની સૌને અપીલ
કરૂણા અભિયાન અંતર્ગત ગુજરાતમાં છેલ્લા ૦૮ વર્ષ દરમિયાન ૯૭ હજારથી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરી યોગ્ય સારવાર અપાઈ
Ø અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ ૧૭,૬૦૦થી વધુ પશુ–પક્ષીઓને રેસ્ક્યુ કરાયા
Ø આ અભિયાનમાં ૬૦૦થી વધુ વેટરનિટી તબીબો તેમજ ૮,૦૦૦થી વધુ સેવાભાવી સ્વયંસેવકો સહભાગી થશે
Ø ઘાયલ પક્ષી સારવાર કેન્દ્રોની માહિતી માટે વન વિભાગનો ૮૩૨૦૦૦૨૦૦૦ વોટ્સઅપ અને ૧૯૨૬ હેલ્પલાઇન તેમજ પશુપાલન વિભાગ દ્વારા પશુઓ માટે ૧૯૬૨ હેલ્પલાઇન નંબર સેવારત
ગુજરાતમાં ઉત્તરાયણના પર્વના સમયગાળામાં પતંગ-દોરીથી અનેક અબોલ પશુ-પક્ષીઓ ઘાયલ થતા હોય છે. સાથે જ,તહેવારને ધ્યાને લઇ ધર્મપ્રેમી લોકો પશુઓને ખાસ કરીને ગાયને ઘુઘરી,રજકો અને લીલુ ઘાસ વગેરે ખવડાવતાં હોય છે. જેના થકી ઘણીવાર પશુઓને આફરો અને પોઇઝનીંગ થતું હોય છે.
આવા પશુ-પક્ષીઓને તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરીને યોગ્ય સારવાર પૂરી પાડી શકાય તે માટે વર્ષ ૨૦૧૫થી દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા કરૂણા અભિયાન હાથ ધરવામાં આવે છે. આ વર્ષે પણ રાજ્યભરમાં આવતીકાલે તા. ૧૦ થી ૨૦ જાન્યુઆરી ૨૦૨૫ દરમિયાન કરૂણા અભિયાન હાથ ધરવામાં આવશે તેમ, વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ ગાંધીનગરથી વિગતો આપતા જણાવ્યું હતું
મંત્રીશ્રીએ ઉત્તરાયણ પર્વની સૌને શુભેચ્છા આપી અપીલ કરતા કહ્યું હતું કે, સવારે અને સાંજે પક્ષીઓ ખોરાક માટે વિચરતા હોય છે જેથી સવારે અને સાંજે શક્ય હોય તો પતંગ ન ચગાવવા જોઈએ. સાથે જ ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનો પણ ઉપયોગ ન કરવા જણાવ્યું હતું.
મંત્રી શ્રી મુળુભાઈએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી આ કરુણાસભર પહેલના પરિણામે અનેક અબોલ પશુ-પક્ષીઓને નવજીવન મળ્યું છે. છેલ્લા આઠ વર્ષમાં કરૂણા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં ૯૭,૨૦૦થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરાયા છે.
જે પૈકીના ૩૧,૪૦૦થી વધુ પશુઓને તેમજ ૬૫,૭૦૦થી વધુ પક્ષીઓને યોગ્ય સારવાર આપવામાં આવી છે. સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં આશરે ૧૭,૬૦૦થી વધુ પશુ-પક્ષીઓને સારવાર આપાઈ છે. જેમાં ૨,૪૦૦ જેટલા પશુઓ અને ૧૫,૨૦૦થી વધુ પક્ષીઓનો સમાવેશ થાય છે. ગુજરાતે સૌપ્રથમવાર શરુ કરેલું ‘કરૂણા અભિયાન’નું આદર્શ મોડલ આજે સમગ્ર દેશ માટે પથદર્શક બન્યું છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સમર્થ નેતૃત્વ તેમજ પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ ‘કરૂણા અભિયાન-૨૦૨૫‘ને વધુ પરિણામલક્ષી બનાવવા માટે તમામ આગોતરી તૈયારીઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. આ જીવદયાના અભિયાનને સફળ બનાવવામાં પશુપાલન, વન વિભાગ અને મહાનગરપાલિકાઓ સહિતની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ પોતાનો સિંહફાળો આપી રહી છે.
સાથે જ, રાજ્યના કોઈ પણ સ્થળે ઘાયલ પક્ષીઓને ઝડપી અને યોગ્ય સારવાર આપવા માટે વન વિભાગ દ્વારા વોટ્સઅપ નંબર ૮૩૨૦૦૦૨૦૦૦ અને ૧૯૨૬ હેલ્પલાઇન જાહેર કરાયો છે. આ નંબર પર “Hi” મેસેજ કરવાથી એક લિંક મળશે જેને ક્લીક કરવાથી જિલ્લાવાર ઉપલબ્ધ તમામ પક્ષી સારવાર કેન્દ્રોની માહિતી મળશે. આ ઉપરાંત પશુપાલન વિભાગ દ્વારા ૧૯૬૨ નંબર સેવારત છે. આ નંબરનો સંપર્ક કરી નાગરિકો અબોલ પશુ પક્ષીઓનો જીવ બચાવી શકશે તેમ,મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે ઉત્તરાયણ પર્વની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, કરૂણા અભિયાન-૨૦૨૫માં આશરે ૬૦૦થી વધુ વેટરનિટી તબીબો તેમજ ૮,૦૦૦થી વધુ સેવાભાવી સ્વયંસેવકો સેવારત રહેશે. સાથે જ, પશુપાલન વિભાગ, વન વિભાગ અને વિવિધ સેવાભાવી સંસ્થાઓના મળીને રાજ્યભરમાં કુલ ૧,૦૦૦થી વધુ સારવાર કેન્દ્રો પણ ઉભા કરાશે.
આ અભિયાન દરમિયાન રાજ્યભરના ૮૬૫ પશુ દવાખાના, ૩૪ વેટરનરી પોલિક્લિનિક, ૨૭ શાખા પશુ દવાખાના ઉપરાંત ૫૮૭ જેટલા ફરતા પશુદવાખાના અને ૩૭ કરૂણાએનીમલ એમ્બ્યુલન્સ રજાના દિવસે પણ કાર્યરત રહેશે. જ્યાં ઘાયલ પશુ-પક્ષીની સારવાર માટે જરૂરી તમામ સાધનો અને દાવાઓનો સ્ટોક સુનિશ્ચિત કરવામાં આવ્યો છે.
અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સહિતના શહેરી વિસ્તારોમાં ઉપલબ્ધ પશુ સારવાર સંસ્થા ઉપરાંત ૫૦ જેટલા વધારાના મોબાઇલ યુનિટ દ્વારા સારવાર આપવા માટેની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવશે તેમ, રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈએ ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લખેનીય છે કે, ગત વર્ષે કરૂણા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં ૧૩,૮૦૦થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરાયા હતા, જેમાં ૪,૪૦૦થી વધુ પશુઓ અને ૯,૩૦૦થી વધુ પક્ષીઓનો સમાવેશ થાય છે. જ્યારે, છેલ્લા ૦૮ વર્ષમાં અમદાવાદ જિલ્લા બાદ સૌથી વધુ સુરત જિલ્લામાં ૧૩,૩૦૦થી વધુ, વડોદરા જિલ્લામાં ૧૦,૭૦૦થી વધુ, રાજકોટ જિલ્લામાં ૮,૩૦૦થી વધુ, આણંદ જિલ્લામાં ૬,૮૦૦થી વધુ અને જૂનાગઢ જિલ્લામાં ૬,૧૦૦થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરીને સારવાર પૂરી પાડવામાં આવી છે.