કાસીન્દ્રા ગામમાં આવેલા જાહેર સ્થળોની સફાઈ બાદ સ્વચ્છતા સોગંદ લેવામાં આવી
કાસીન્દ્રામાં અવારનવાર ગંદકી થતી જગ્યાઓએ ફેન્સીંગ કરી વૃક્ષારોપણ કરવાનું આયોજન-દસ્ક્રોઈ તાલુકા પંચાયત દ્વારા કાસીન્દ્રા ગામમાં આયોજિત સ્વચ્છતા ઝુંબેશ
અમદાવાદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી તથા સ્વચ્છતા હી સેવા અંતર્ગત દસ્ક્રોઈ તાલુકાના ગામોમાં સઘન સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
આ કાર્યક્રમોના ભાગરૂપે કાસીન્દ્રા ગામ ખાતે તાલુકા પંચાયત દસ્ક્રોઈની મદદથી તેમજ દસ્ક્રોઈ તાલુકા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં સ્વચ્છ ભારત મિશન ટીમ તથા કાસીન્દ્રા ગામના સરપંચ શ્રી અને તલાટી શ્રી અને ગ્રામજનો દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અંતર્ગત, ગામમાં આવેલા જાહેર સ્થળો જ્યાં ગંદકી થતી હોય તેને નિશ્ચિત કરી ક્રમબદ્ધ રીતે એ તમામ જાહેર જગ્યાઓને સ્વચ્છ કરવામાં આવી હતી. ઉપરાંત, ઉપસ્થિત લોકો દ્વારા સ્વચ્છતાની સોગંદ લેવામાં આવી હતી.
વિશેષમાં, જે જગ્યાએ અવારનવાર ગંદકી થતી હતી ત્યાં આગામી સમયમાં તાર લગાવી કે ફેન્સીંગ કરી અને ત્યાં મનરેગા યોજના હેઠળ વૃક્ષારોપણ કરવાનું આયોજન પણ ગ્રામ પંચાયત સાથે કરવામાં આવ્યું છે.
દસ્ક્રોઈ તાલુકા દ્વારા શરૂ કરેલ આ નવતર પ્રયોગ અંતર્ગત રોજેરોજ તા. 31 ઓક્ટોબર સુધી તાલુકાના તમામ ગામની સઘન સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે.